કારણ-રાજકારણ – ડૉ. હરિ દેસાઈ
સુપ્રીમ અને કાનૂન મંત્રી સહકાર સાધે – અદાલતો રાજકીય વિવાદથી દૂર રહે – કેસોના નિકાલ અને જનજાગૃતિ પર ભાર
—
તાજેતરમાં કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટના કોલેજિયમ વચ્ચેનો વિવાદ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે. બંને વચ્ચેનો વિવાદ વરવાં રાજકીય પરિમાણો સર્જે છે. લોકશાહીના બંને સ્તંભો વચ્ચેના સુમેળ માટે એ પોતપોતાની લક્ષ્મણરેખા ઓળંગે નહીં અને પોતાના અધિકાર ક્ષેત્રમાં સુપેરે કામ કરે એ અપેક્ષિત મનાય છે. હમણાં પાલણપુર પાસેના લોકનિકેતન-રતનપુર ખાતે દેશભરના કાયદાવિદોની બે દિવસની રાષ્ટ્રીય કાયદા પરિષદનું આયોજન નેશનલ ફેડરેશન ઓફ સોસાયટીઝ ફોર ફાસ્ટ જસ્ટિસ અને અન્ય સહયોગી સંસ્થાઓના સાથ-સહકારથી થયું હતું. એમાં ન્યાયતંત્ર અને સરકારી તંત્ર વચ્ચેના ટકરાવને ખાળવા માટે કઈ દિશામાં પગલાં લેવાં એ બાબત વિશદ ચર્ચા અને છણાવટ થઇ. સમગ્ર પરિષદના પ્રાણ સમા ગોધરા અને પાલણપુર લો કોલેજના પ્રિન્સિપાલ તથા ગુજરાત યુનિવર્સિટીના કાયદા વિભાગના અધ્યક્ષ રહેલા પ્રાધ્યાપક અશ્ર્વિન કારિઆના પ્રયાસો અને લોકનિકેતનના સૂત્રધાર કિરણ ચાવડાના સહયોગ તેમ જ બિલાસપુર-છત્તીસગઢથી પધારેલા પ્રવીણ પટેલના માર્ગદર્શનમાં દેશભરમાંથી આવેલા ધારાશાસ્ત્રીઓ તેમ જ ઓરિસ્સા હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહેલા અને અત્યારે ગુજરાત સરકાર નિયુક્ત ઓબીસી માટેના સમર્પિત આયોગના અધ્યક્ષ જસ્ટિસ કલ્પેશ ઝવેરીનો સૂર પ્રજાને ઝડપી ન્યાય પ્રાપ્ત થાય અને નિરર્થક ટકરાવનો માહોલ ટાળી શકાય એ દિશાનો હતો. વર્તમાન પરિસ્થિતિની છણાવટ સાથે કેવાં પગલાં લેવાં જરૂરી છે, એ દિશામાં વાસ્તવવાદી ભૂમિકા પર ચર્ચા થઇ હતી. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના સંસ્થાપક ટ્રસ્ટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)-અમદાવાદના નિવૃત્ત પ્રાધ્યાપક જગદીપ છોકર અને રાજ્યસભાનાં સાંસદ તથા ધારાશાસ્ત્રી ડૉ. અમીબહેન યાજ્ઞિક, સુપ્રીમ કોર્ટનાં ધારાશાસ્ત્રીઓ મીરા કૌર પટેલ તથા ડૉ. એમ. આર. ગોસાઈએ વિવિધ વિષયો પર માહિતીસભર રજૂઆત કરી હતી. નવાઈ એ વાતની હતી કે છેક દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ ઉપરાંત બિહાર, છત્તીસગઢ, તેલંગણા, આંધ્રપ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી બહોળી સંખ્યામાં કાયદાશાસ્ત્રીઓ અને કાયદાના પ્રાધ્યાપકો તેમ જ વિદ્યાર્થીઓ સહભાગી થયા, પરંતુ ગુજરાતની અપવાદરૂપ લો કોલેજો સિવાય મોટાભાગની કોલેજો આવી સમગ્રલક્ષી પરિષદમાં સહભાગી થવાની બાબતમાં ઉદાસીન જણાઈ. આ પરિષદમાં પ્રો. કારિઆના પુસ્તક ‘ભારતનો બંધારણીય કાયદો-નવા પડકારો’નું વિમોચન મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ-કાયદામંત્રીની ભૂમિકા
વર્ષ ૨૦૧૪ના ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ અને હાઇ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરવા માટે નેશનલ જ્યુડિશિયલ અપોઈન્ટમેન્ટ્સ કમિશન માટેનો કાયદો બનાવવા માટે તૈયારી આદરીને વિધેયક સંસદમાં રજૂ કર્યું ત્યારે એને સત્તારૂઢ ભાજપ ઉપરાંત કૉંગ્રેસ અને અન્ય પક્ષોએ પણ સમર્થન આપ્યું હતું. રાજ્યોમાં પણ કૉંગ્રેસની સરકારોએ એને મંજૂર રાખ્યું હતું. જોકે ૨૦૧૫માં જયારે સુપ્રીમ કોર્ટે એ કાયદાને ગેરબંધારણીય ગણાવીને રદ કર્યો ત્યાર પછી કૉંગ્રેસની ભૂમિકા બદલાઈ. આમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિતના ચાર કે પાંચ વરિષ્ઠ ન્યાયાધીશોના ૧૯૯૩થી અમલી કોલેજિયમની ભલામણ મુજબ સુપ્રીમ અને હાઇ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક પ્રથા ચાલુ રહી. જોકે મોદી સરકારે કોલેજિયમ થકી સૂચવાયેલાં નામોમાંથી અનુકૂળ અને પ્રતિકૂળ નામો તારવીને અમુક નામોની નિમણૂક વિલંબમાં નાખવાનું શરૂ કર્યું એટલે વિવાદ વણસવા માંડ્યો. છેક ઇન્દિરા ગાંધીના શાસનથી લઈને કહ્યાગરા (કમિટેડ) ન્યાયાધીશો અને નોકરશાહોને પસંદ કરવાની પરંપરા રહી એટલે ન્યાયતંત્ર અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ ચાલતી રહી. ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટમાં બે જગ્યા ભરવા માટે ઉત્તરાખંડમાં મોદી સરકાર દ્વારા કૉંગ્રેસની સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવાના કરેલા નિર્ણયને ગેરબંધારણીય ઠરાવનાર હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે. એમ. જોસેફ ઉપરાંત જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાનાં નામ કોલેજિયમે સરકારને પાઠવ્યાં. એ વેળા કાયદામંત્રી રવિશંકર પ્રસાદ હતા. તેમણે માત્ર જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની નિમણૂકને બહાલી આપી, પરંતુ જસ્ટિસ જોસેફની નિમણૂક કરવાનું ટાળ્યું. કોલેજિયમે એમને નિયુક્ત કરવાનો ફરી આગ્રહ કર્યો ત્યારે જસ્ટિસ જોસેફની સિનિયોરિટી ડૂબાડીને નિમણૂક કરાઈ. વર્તમાન કાયદાપ્રધાન કિરણ રિજિજુના સમયગાળામાં તો ઘણા બધા ન્યાયાધીશોની ભલામણ છતાં નિમણૂકો ના કરાતા મુખ્ય ન્યાયાધીશ અને કાયદા મંત્રી વચ્ચે જાહેરમાં વરવો વિવાદ પણ સર્જાયો. કોલેજિયમ પ્રથા સારી જ છે એવું નથી, પરંતુ ન્યાયાધીશોની પસંદગીમાં રાજકીય શાસકો પોતાના પ્રભાવને જાળવવા માગતા હોવાથી એ સામે વિરોધમાં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ જોડાતા રહ્યા છે. વિવાદ વણસવાના તબક્કે પહોંચે ત્યારે એને ઠારવાના પ્રયાસ થાય છે, પરંતુ એ ઉપરછલ્લા જ છે. દેશના મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડ કહ્યાગરા બની રહે તેવા નથી એટલે શિવસેનાના કેસની સુનાવણી વખતે એમના અણિયાળા સવાલોને કારણે એમને ટ્રોલ કરવામાં આવતાં ૧૩ વિપક્ષી સાંસદોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એની ફરિયાદ પણ કરી છે.ન્યાયતંત્ર સત્તાધીશોને વશ થાય એ જોખમ તોળાઈ રહ્યું છે.
ન્યાયતંત્રની રક્ષાની ચર્ચા
લોકશાહીમાં ત્રણ સ્તંભ સરકાર, ધારાગૃહો અને ન્યાયતંત્ર ઉપરાંત કહેવા પૂરતો ચોથો સ્તંભ મીડિયા ગણાય છે. અભણ અને સામાન્ય પ્રજા ઉપરાંત ભણેલાગણેલાઓને પણ કાનૂની અને બંધારણીય અધિકારો વિશે જાગૃત કરવાની ખૂબ અનિવાર્યતા અનુભવાતી હોવાનું કાયદા પરિષદમાં સ્પષ્ટ થયું. આ રાષ્ટ્રીય કાયદા પરિષદમાં મુખ્ય પ્રવચનમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના સંસ્થાપક ટ્રસ્ટી એવા દિલ્હીથી આવેલા જગદીપ છોકરે કેસોના ભરાવામાં સૌ પ્રથમ લો કોલેજોમાં કથળતા શિક્ષણની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. રાજ્યસભા સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિકે આરોપીને પોલીસ કસ્ટડીમાં જ તેના અધિકારોની પોલીસે જાણ કરવાની વાત પર ભાર મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટ એડવોકેટ મીરા કૌર પટેલે વિવિધ દેશોના જેલમાં બંધ કાચા કામના કેદીઓની હાલતની તુલના કરી હતી. ન્યાયતંત્ર અને કેન્દ્ર વચ્ચે વર્તમાનમાં ચાલી રહેલ સંઘર્ષ વિશે બોલતાં આ લેખકે આ સંઘર્ષ છેક પંડિત નહેરુના સમયથી ચાલતો આવ્યાનું ઉદાહરણ સહિત જણાવ્યું હતું. ન્યાયાધીશો સ્વતંત્ર હોવા જોઈએ. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને ૧૯૮૦માં ફરી જીતવા બદલ અભિનંદન પત્ર પાઠવનાર જસ્ટિસ પી. એન. ભગવતીથી લઈને વર્તમાનમાં સુપ્રીમ કોર્ટ તથા હાઇ કોર્ટના ન્યાયાધીશોએ વડા પ્રધાન મોદીનાં કરેલાં વખાણનાં ઉદાહરણ પણ આપ્યાં હતાં. સરકાર અને ન્યાયતંત્ર પોતાની લક્ષ્મણરેખા રહીને કામ કરે અને ટકરાવ ટાળે એ આવકાર્ય છે.
જનજાગૃતિ પર ઝવેરીનો ભાર
સ્ત્રી વિષયક કાયદાઓનું મૂલ્યાંકન કરતાં અવાઝ સંસ્થાનાં મંત્રી ડૉ. ઝરણા પાઠકે ઈ. પી. કો. કલમ ૪૯૮ (એ) વિશે પ્રવર્તતી ભ્રામક માન્યતાઓ દૂર કરવા પ્રયાસ કર્યો હતો. અધ્યક્ષસ્થાનેથી તૃપ્તિ શેઠ સ્ત્રી સમસ્યાઓ માટે પિતૃક સમાજ જવાબદાર હોવાનું જણાવ્યું અને બિલ્કીસ બાનુ કેસનો મુદ્દો છેડ્યો ત્યારે થોડી ગરમાગરમી થઈ હતી. આઈ. એમ. નાણાવટી લો કોલેજના પ્રાધ્યાપક સંજય રાજાએ જસ્ટિસ વર્મા કમિટીએ પોલીસ સુધારણા સંબંધમાં કરેલી ભલામણો અને બાદલ સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટે કરેલ આદેશોની છણાવટ કરી હતી. ચૂંટણી સુધારા બાબતે પ્રા. કારિઆએ જણાવ્યું કે સુપ્રીમમાં આ બાબતે ૧૫ જેટલી જાહેર હિતની અરજી થઈ છે. તેમણે કહ્યું કે જ્યારે આચારસંહિતા અમલમાં આવે ત્યારે જે પ્રધાનો કે ધારાસભ્યો ઉમેદવાર હોય તેમને મળતા લાભો બંધ થવા જોઈએ અને તેમને સામાન્ય ઉમેદવાર ગણવા જોઈએ. લેખક-સમીક્ષક ડંકેશ ઓઝાએ લો કોલેજોમાં કાનૂની સહાય કેન્દ્ર સક્રિય કરવા લોક જાગૃતિ પર ખાસ ભાર મૂક્યો હતો. દરેક લો કોલેજમાં કાનૂની સહાય કેન્દ્ર રાખવા બાર કાઉન્સિલ ઓફ ઇંડિયાએ આદેશ કર્યો હોવા છતાં ગુજરાતમાં મોટા ભાગની લો કોલેજોમાં તે કાગળ પર જ છે. આ બાબતે જસ્ટિસ ઝવેરીએ જાગૃતિની વિશેષ જરૂર હોવાનું કહ્યું હતું. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અધ્યાપક પ્રા. હાર્દિક પરીખે કાનૂની સહાયની યોજના રજૂ કરી પોતાના અનુભવો વર્ણવ્યા હતા. રાજકોટના એડવોકેટ ભરત વસોયાએ ન્યાયતંત્ર પર ભારણ ઘટાડવા માટે યોજના રજૂ કરી હતી. કેસોનું ભારણ ઘટાડવા માટે છત્તીસગઢથી આવેલ નેશનલ ફેડરેશનના મંત્રી પ્રવીણ પટેલે ખાસ સૂચનો કર્યાં હતાં. સુપ્રીમ કોર્ટના એડવોકેટ પ્રો ગોસાઇએ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિમણૂક કરવા માટે સ્વતંત્ર કમિશન રચવા માટે સૂચન કર્યું હતું. આયોજનમાં સહયોગ કરનાર બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલનતા સમિતિ પ્રમુખ ગિરીશ સુંઢિયાની ટીમે બે દિવસીય કાયદા પરિષદનું સુપેરે સંચાલન કર્યું હતું. આવી કાયદા પરિષદો ઠેર ઠેર યોજાય અને જનજાગૃતિ કેળવાય એ ખૂબ જરૂરી છે.