Homeધર્મતેજમોરારસાહેબના શિષ્ય કરમણ ભગતની સહજ સાધના

મોરારસાહેબના શિષ્ય કરમણ ભગતની સહજ સાધના

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

દાસ કરમણ ભગત તરીકે પ્રખ્યાત કરમણ રવિ-ભાણ પરંપરાના મોરારસાહેબના એક મહત્ત્વના શિષ્ય છે. એમણે કોઈ ધાર્મિક જગ્યા-સ્થાનક સ્થાપેલું નહીં. પોતે જ્ઞાતિએ હરિજન વણકર હતા. ગૃહસ્થી-સંસારી હતા. મોરારથી દીક્ષ્ાિત અને યોગસાધનામાં સતત સમય પસાર કરતા. સાધુ-સંતોની સેવા અને એમની સાથે સત્સંગનું શ્રવણપાન અને પોતીકી અનુભૂતિનું કથન કરતા રહેતા. તેઓ પોતાના વારસાગત વ્યવસાય વણાંટકામમાં પોતાના વતન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીકના વાવડી ગામે સ્થાયી હતા. મોરારસાહેબનો જીવનકાળ ઈ.સ.૧૭પ૮થી ૧૮૪૯ મળે છે
એને આધારે ડૉ.નિરંજન રાજયગુરુ એમને ૧૮રપમાં હયાત
ગણે છે.
કબીરની માફક વણાટ કરતાં-કરતાં સત્સંગ સાથે પોતાની આજીવિકા કાર્યમાં, કૌટુંમ્બિક ભરણ-પોષ્ાણમાં પુરો સમય આપતા. વાવડી ગામે ભવાયા-તરગાળા ભવાઈ-વેશ ભજવણી માટે આવેલા. તેઓ દીવામાં મોટી સૂતરની આંટી રાખે અને એના પ્રકાશમાં ભવાઈ વેશની ભજવણી ચાલે.
લખીરામ નામનો એક ભવાયો વણકરવાસમાં સૂતરની આંટી લેવા ગયો. કરમણનો સત્સંગ અને વણાટકામ ચાલતા હતા. પોતે પણ સાંભળવા બેઠો. યોગ-સાધનાની પરંપરાની વાત સાંભળીને સૂતરની આંટી લેવા માટે આવેલ લખીરામને બ્રહ્મજ્ઞાન લાધ્યું અને ત્યાં જ એમનું ગુરુપદે સ્થાપીને એમની પાસે પ્યાલો પીને-પાન કરીને મોટા ભજનિક-સાધક બની ગયા. એમના પ્યાલા ભજનો પણ ભારે પ્રખ્યાત છે.
કરમણ મહાજ્ઞાની હતા. સંસારમાં અને વણાટ વ્યવસાયમાં રહીને કલાત્મક પછેડી વણતા. સુતરની અને ગરમ ઊનની એમની વણાંટકાર્યની ભાત સૌંદર્યકળા સાથે શબ્દ સાધનાની ભાત પ્રગટાવતા ભજનો ઝાઝા રચ્યા નથી. એનું અત્યંત અધિકૃત એવું ભજન એક જ ગણાય છે. એમને અભિપ્રેત સગુણ ઉપાસનાની વિભાવના સંદર્ભે, બાહ્ય આચારને, ક્રિયાકાંડને આડંબર માનીને અખાની ભાષ્ાામાં પોતાની પ્રતીતિને પોકારીને-પોકારીને ગાઈ છે, એવી એક રચના આસ્વાદીએ.
નાઈ ધોઈને કરે અસનાના, માયલાનો મેલ તારો નહીં જાવે.
ધ્યાન વિનાનો ધૂન મચાવે ત્યાં, સાહેબ મારો નહીં આવે.
….૧
વૈષ્ણવ થઈને વિવેક નવ જાણે, નિત ઊઠીને નાવા જાવે,
નટવા હોકર નાચ નચાવે, ત્યાં સાહેબ મારો નહીં આવે. ….ર
જોગી હોકર જટા વધારે, કામ ક્રોધ બાવો બહુ લાવે,
ભભૂતી લગાવી ભવ હારે, ત્યાં સાહેબ મારો નહીં આવે.
….૩
ભમ્મર ગુફામેં સાધે ગોઢકો, વીર વિદ્યા બાવો બહુ લાવે,
સમાધિભાવે કરે સાધના, ત્યાં સાહેબ મારો નહીં આવે. ….૪
ધન માલનો કરે ઢગલો, તે પણ તારી સાથે નહીં આવે,
કરમણને ગુરુ મોરાર મળિયા, ગરીબ થઈ ગુરુ ગુણ ગાવે.’ ….પ
મૂળ વસ્તુ સાધના-ઉપાસનામાં ઊંડા ઉતરે એટલે પોતાને પોતીકો માર્ગ સમજાય. સત્ય સમજાય, રવિ-ભાણ પરંપરાની તાત્ત્વિક-સૈધ્ધાન્તિક ભૂમિકા ગુરુકૃપાએ સંસારી-સત્સંગીને કેવી સમજાય, અનુભવાય એનું ઉજજવળ ઉદાહરણ કરમણ છે. મોરારસાહેબની મંત્ર દીક્ષ્ાા એને સંસારથી વિમુખ કરતી નથી પણ સંસારની-સમાજની અભિમુખ રાખે છે. અને રવિ-ભાણસાહેબનું તત્ત્વ સાહેબ કઈ રીતે પ્રાપ્ત થાય એની તત્ત્વમીમાંસા ભજનવાણી દ્વારા
માંડે છે.
કરમણ ગાય છે કે સ્નાનવિધિથી બાહ્ય મેલ(ગંદુતત્ત્વ) ઉતરશે પરંતુ આંતરિક મેલ (ગંદકી) નહીં નષ્ટ થાય. ધ્યાન-યોગસાધનાને બદલે ધૂન ર્ક્યા કરવાથી મારો સાહેબ તમને પ્રાપ્ત નહીં થાય.
વૈષ્ણવ ભક્તે વિવેક જાળવવાનો હોય, નિત્ય સ્નાન સાધના કે નટ-બજણિયા જેમ નૃત્ય-રાસ કરવાથી મારો સાહેબ મળવાનો નથી, જટા ધારણ કરીને યોગીનું બાહ્ય રૂપ પ્રગટાવવું અને કામ ક્રોધને ત્યજવો નહી, ભભૂતિ લગાવીને ભવ પસાર કરવાથી તને મારો સાહેબ મળશે નહીં.
ગુફાના અંધારામાં ગોંધાઈને પીર વિદ્યા-મેલી વિદ્યામાં મનને લગાવવાથી સમાધિમાં હોવાનો દેખાવ કરવાથી તને મારો સાહેબ નહીં મળે. ધન-વ્યનો સંગ્રહ કરે છે પરંતુ એ તારી સાથે આવશે નહીં. કરમણને ગુરુ મોરારસાહેબ મળી ગયા – પ્રાપ્ત થયા અને હું તો રંકભાવે ગરીબ થઈને ગુરુના ગુણગાન ગાઉં છું.
કરમણ સંસારી છે. પણ આડંબરીભાવને ઓળખી ગયો છે. એટલે એ સમાજને સત્સંગમાં આવા દુરાચારી, પાખંડી અને લોકોની ઉપર પ્રભાવ પાડવા જે કામણ કરે છે એથી મોક્ષ્ા પ્રાપ્તિ, સદ્ગતિ કે પરમતત્ત્વની પ્રાપ્તિ થવાની નથી. એવી ધુ્રવ પંક્તિ સતત
દોરાવે છે.
મોરારસાહેબના કોઈ શિષ્યે લગભગ પોતાની પાછળ સાહેબ સંજ્ઞા નથી પ્રયોજી. હોથી, જીવો કે ધરમશી, આનંદરામ કે ચરણદાસ બધાએ દાસત્ત્વ પ્રયોજયું. યોગ-સાધના ઉપાસનાને પૂરે-પૂરી જાળવી અને એનો ભારે મોટા પ્રભાવ પણ સમાજ પર પથરાયો. કરમણના શિષ્ય લખીરામે પણ સાહેબ સંજ્ઞા નથી પ્રયોજી. મોરારની શિષ્ય પરંપરામાં બધે જ એટલે કે આનંદરામબાપાની આવી પરંપરા છેક છેલ્લે ઉગમે ઉગમસાહેબ પ્રયોજયું. મોરારસાહેબની રવિ-ભાણસાહેબની પરંપરાનું છેલ્લું પ્રગટરૂપ મારી દૃષ્ટિએ એ રીતે ઉગમસાહેબ છે. રવિ-ભાણ અનુપ્રાણિત મોરારસાહેબ પરંપરાનો પ્રભાવ અદ્યપિ અવલોક્વા મળે છે. એ સનાતની અદ્વૈત ઉપાસનાની મોટી સિદ્ધિ છે.

RELATED ARTICLES

Most Popular