કાંઝાવાલા કેસમાં એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે નિધિના ભૂતકાળ સાથે જોડાયેલી એક વાત સામે આવી છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર અંજલિની મિત્ર નિધિ ગાંજો સપ્લાય કરતી હતી. ગેરકાયદે હેરફેર સામે NDPS એક્ટ હેઠળ 2020માં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની પાસેથી 10 કિલો ગાંજો પણ મળી આવ્યો હતો. 15 ડિસેમ્બર 2020ના રોજ તેને 50 હજારના બોન્ડ પર જામીન મળ્યા હતા. નિધિ 9 દિવસ જેલમાં હતી.
નિધિની 6 ડિસેમ્બર 2020ના રોજ આગરા કેન્ટ સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી હતી. તે ગાંજો લઈને તેલંગાણાના સિકંદરાબાદથી દિલ્હી જઈ રહી હતી. નિધિ દિલ્હીના સુલતાનપુરીની રહેવાસી છે. અંજલિના મોતના મામલામાં નિધિના નિવેદનને લઈને હોબાળો મચી ગયો છે.
નિધિની માતાને આ વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું હતું કે તે આટલી શિક્ષિત ન હોવાને કારણે આ વિશે વધુ જાણતી નથી. નિધિએ જ તેને આ વિશે જણાવ્યું હતું. નિધિએ કહ્યું હતું કે ગાંજા દિલ્હીના રહેવાસી દીપક નામના છોકરાએ મંગાવ્યો હતો.
અગાઉ કાંઝાવાલા કેસમાં બે નવા સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. ફૂટેજ 31મી ડિસેમ્બર એટલે કે અકસ્માતની રાતના છે. સીસીટીવી ફૂટેજમાં અંજલિ અને તેની મિત્ર નિધિ બંને દેખાય છે. તેની સાથે એક છોકરો પણ જોવા મળ્યો હતો. આ સીસીટીવી ફૂટેજમાં ત્રણ લોકો સ્કૂટી પર આવે છે. તેમાં નિધિ, અંજલિ અને તેમની સાથે એક છોકરો પણ છે, જે સ્કૂટી ચલાવી રહ્યો છે.