ત્રિરંગો ફરકાવીને શહીદ થયેલી આસામની કનકલતા બરુઆ

લાડકી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

સ્વતંત્રતાની લડી લડાઈ, ઘરે ઘરે અલખ જગાવી
આસામની માટીની ગંધમાં, ફૂલોની સુગંધમાં
બ્રહ્મપુત્રાની વહેતી ધારાની કલકલમાં,
રચ્યું-વસ્યું છે નામ જ્યોતિનું,
આસામની સંસ્કૃતિને મહેકાવનારું,
આઝાદીનું રણશિંગું ફૂંકનાર…
આ પંક્તિઓમાં જે જ્યોતિનો ઉલ્લેખ થયો છે તે કવિ એટલે આસામના આંગણામાં જન્મેલો ધ્રુવ તારો જ્યોતિપ્રસાદ અગરવાલા. મૂળ રાજસ્થાની જ્યોતિપ્રસાદે આઝાદીના આંદોલન દરમિયાન લોકજાગૃતિનું નિર્માણ કરવા અસમિયા ભાષામાં શૌર્યગીતો રચેલાં. આ ગીતોની ગુંજ એવી ગાજી કે લોકો ‘સર પડે ને ધડ લડે’ના મિજાજ સાથે સ્વતંત્રતાના સંગ્રામમાં કૂદી પડ્યા.
એમાંની એક કનકલતા બરુઆ પણ હતી. ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ લડત દરમિયાન ત્રિરંગો ધ્વજ ફરકાવવાનું સ્વપ્ન સાકાર કરવા સાહસ કરીને શહીદ થયેલી માત્ર અઢાર વર્ષની વીરાંગના. ભારતને મળેલી આઝાદીની ભવ્ય ઈમારતના પાયામાં જેનું ચણતર થયું છે, તેવા એક પથ્થર પર કનકલતાનું નામ કોતરાઈ ગયું છે!
કનકલતાનો જન્મ ૨૨ ડિસેમ્બર, ૧૯૨૪ના આસામના બારંગવાડી ગામમાં કર્ણેશ્ર્વરીદેવી અને કૃષ્ણકાંત બરુઆને ઘેર થયો. કનકલતા પાંચ વર્ષની થઈ ત્યારે કર્ણેશ્ર્વરીદેવીનો દેહાંત થયો. કૃષ્ણકાંતે બીજાં લગ્ન કર્યાં. કહેવાય છે કે પડે ત્યારે સઘળું પડે છે! કનકલતા ૧૪ વર્ષની થઈ ત્યારે ૧૯૩૮માં કૃષ્ણકાંત પણ સ્વર્ગે સિધાવ્યા. થોડા સમય પછી ઓરમાન માતાનું પણ નિધન થયું. કનકલતાનું નસીબ બે ડગલાં આગળ હતું. નાનીમાએ તેના ઉછેરની જવાબદારી લીધી.
દરમિયાન એક ઘટનાએ કનકલતાના બાળમાનસ પર અમીટ છાપ અંકિત કરેલી. આ ઘટનાને પગલે ફક્ત સાત વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વાધીનતા સંગ્રામ ભણી એને ખેંચાણ થયેલું. આઝાદીના આંદોલન પ્રત્યે ઝુકાવ વધતો ગયેલો. એના મૂળમાં હતા જ્યોતિપ્રસાદ અગરવાલા. બન્યું એવું કે ૧૯૩૧માં ગમેરી ગામમાં રૈયત સભાનું આયોજન કરાયેલું. સાત વર્ષની કનકલતાએ પોતાના મામા દેવેન્દ્રનાથ અને યદુરામ બોઝ સાથે સભામાં ભાગ લીધેલો. સભાનું આયોજન વિદ્યાર્થીઓએ કરેલું. સભાના અધ્યક્ષ અસમિયા ભાષાના પ્રખ્યાત કવિ અને નેતા જ્યોતિપ્રસાદ અગરવાલા હતા. જ્યોતિપ્રસાદે રચેલાં સ્વાતંત્ર્ય ગીતો આસામના ઘર ઘરમાં લોકપ્રિય હતાં. તેમનાં ગીતોથી કનકલતા પણ પ્રભાવિત અને પ્રેરિત થઈ. આ ગીતોના માધ્યમથી કનકલતાના બાળમાનસમાં રાષ્ટ્રભક્તિનાં બીજ અંકુરિત થયાં.
આ રૈયત સભામાં ભાગ લેનારાઓને રાષ્ટ્રદ્રોહના આરોપમાં બંદી બનાવી લેવાયા. પરિણામે આસામમાં ક્રાંતિની જ્વાળાઓ ભભૂકી ઊઠી. મહાત્મા ગાંધીના ‘અસહકાર આંદોલન’ને પણ વેગ મળ્યો. મુંબઈના કોંગ્રેસ અધિવેશનમાં ૮ ઓગસ્ટ, ૧૯૪૨ના ‘અંગ્રેજો ભારત છોડો’નો ઠરાવ પસાર થયો. દેશવાસીઓ ‘હિન્દ છોડો’ લડતમાં જોતરાઈ ગયા. દરમિયાન મુંબઈથી આસામ પાછા ફરેલા શિરમોર નેતાઓને અંગ્રેજ સરકારે જેલમાં ધકેલી દીધા. આખરે જ્યોતિપ્રસાદ અગરવાલાએ નેતૃત્વની કમાન સંભાળી. તેમની આગેવાનીમાં ગુપ્ત સભાઓ યોજાઈ. બીજી બાજુ પોલીસના અત્યાચાર વધતા ગયા. સ્વતંત્રતા સેનાનીઓથી જેલો ભરાઈ ગઈ. કેટલાયે લોકો ગોળીઓથી વીંધાયા, પણ અંગ્રેજોની બર્બરતાથી આસામની પ્રજાએ પીછેહઠ ન કરી. ઊલટું, પોલીસની ક્રૂરતાએ આગમાં બળતણ હોમવાનું કામ કર્યું. દમન વધતું ગયું એમ આંદોલનનો જુવાળ પણ વધતો ગયો.
આઝાદીના આંદોલનને વધુ વેગવંતું બનાવવા એક ગુપ્ત સભા મળી. તેજપુરની કચેરી પર ૨૦ સપ્ટેમ્બર, ૧૯૪૨ના ત્રિરંગો ધ્વજ ફરકાવવાની યોજના ઘડાઈ. કનકલતા અઢાર વર્ષની થઈ ચૂકેલી. વિવાહ યોગ્ય ઉંમરે પહોંચેલી, પણ એણે તો આઝાદી સાથે પ્રીત બાંધેલી. કનકલતાએ તેજપુરની સરકારી કચેરી પર ધ્વજ લહેરાવવાનું બીડું ઝડપ્યું. તેજપુરથી ૮૨ માઈલ દૂર ગહપુર થાણા પર ત્રિરંગો ફરકાવવાનું નક્કી થયેલું. આત્મબલિદાની દળની સભ્ય કનકલતા હાથમાં ધ્વજ સાથે વિશાળ સરઘસનું નેતૃત્વ કરતી પોતાની મંઝિલ સર કરવા નીકળી પડી હતી.
મંઝિલ સુધી પહોંચવું હોય તો પથરાળ રસ્તો
ખેડવો પડે
જોમ હોય દિલમાં તો દરિયાને રસ્તો કરવો પડે
પથરીલો રસ્તો ખેડતી ને દરિયાને રસ્તો કરતી કનકલતા હિંમતભેર આગેકૂચ કરતી રહી. એવામાં સરઘસના નેતાઓને સંદેહ થયો કે કનકલતા અને એના સાથીઓ ગભરાઈને નાસી છૂટશે. કનકલતાના કાને પણ આ ગણગણાટ પડ્યો. એ તરત જ વાદળની જેમ ગર્જી: ‘અમને યુવતીઓને અબળા સમજવાની ભૂલ ભૂલેચૂકેય ન કરશો. આત્મા અમર છે, નાશવંત છે માત્ર શરીર. અમે કોઈનાથી શું કામ ડરીએ?’
ગર્જના કરતી, વીજળીની જેમ ચમકારા કરતી કનકલતા ‘કરેંગે યા મરેંગે’ અને ‘સ્વતંત્રતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે’ના ગગનભેદી નારા સાથે થાણા તરફ નદીના ધસમસતા પ્રવાહની જેમ આગળ વધવા લાગી. જોતજોતામાં સરઘસ થાણાની નજીક પહોંચી ગયું. ત્રિરંગો ફરકાવવા જાણે હોડ મચી. સરઘસની દરેક વ્યક્તિ પહેલો ધ્વજ ફરકાવવાની સ્પર્ધામાં હતી. એટલામાં થાણાના પ્રભારી પી. એમ. સોમ સરઘસને આગળ વધતું રોકવા સામે આવીને ખડા થઈ ગયા. કનકલતાએ કહ્યું: ‘અમારો રસ્તો રોકશો નહીં. અમે તમારી સાથે લડવા કે સંઘર્ષ કરવા આવ્યા નથી. અમે તો થાણા પર ત્રિરંગો લહેરાવીને સ્વતંત્રતાની જ્યોત પ્રજ્વલિત કરવા આવ્યા છીએ. ધ્વજ ફરકાવીને અમે ચાલ્યા જઈશું.’
પણ થાણાનો પ્રભારી સોમ વાંકી પૂંછડી જેવો હતો. એણે સ્પષ્ટ શબ્દોમાં કનકલતાને ચેતવણી આપી કે ‘જો તમે લોકો એક ઇંચ પણ આગળ વધશો તો ગોળીઓથી તમને ઉડાડી દેવાશે.’ પણ કનકલતા માથે કફન બાંધીને
નીકળેલી. એ બીકણ નહોતી, બહાદુર હતી. ‘માથું ભલે જાય, પણ આઝાદી ઘેર આવે’માં માનનારી કનકલતા ચેતવણીને ઘોળીને પી ગઈ. એ બોલી: ‘અમારી સ્વતંત્રતાની જ્યોતિ બુઝાશે નહીં. તમે ગોળીઓ ચલાવી શકો છો, પણ અમને અમારાં કર્તવ્યથી વિમુખ નહીં કરી શકો.’
બુલંદીથી આમ કહીને કનકલતા જેવી આગળ વધી કે તરત જ પોલીસ સરઘસ પર અંધાધૂંધ ગોળીબાર કરવા માંડી. કનકલતા જહાજમાં કાણું પડતાં નાસી જતા ઉંદર જેવી નહોતી, એ તો કપ્તાન હતી. બોગી કછારી નામના સિપાહીએ ચલાવેલી પહેલી ગોળી એણે કપ્તાનની જેમ જ પોતાની છાતી પર ઝીલી. ગોળી વાગતાંની સાથે કનકલતા ભોંય પર ઢળી પડી, પણ એણે રાષ્ટ્રની આન, બાન અને શાનસમો ત્રિરંગો નીચે ન પડવા દીધો. બીજી ગોળી મુકુંદ કાકોતીને વાગી. કનકલતા અને મુકુંદનું પ્રાણપંખેરું ઊડી ગયું. એમના મૃત્યુ પછી પણ ગોળીબાર થતો રહ્યો.
કનકલતાનું અપ્રતિમ સાહસ જોઈને યુવાનોનું જોશ વધ્યું. કનકલતાના હાથમાંથી ત્રિરંગો લઈને, છાતી પર ગોળીઓ ઝીલતાં સહુ આગળ વધ્યા. એક પછી એક યુવાન ગોળીઓથી વીંધાઈને પડતા ગયા, પણ ધ્વજને ન ઝૂકવા દીધો. ન પડવા દીધો. ત્રિરંગો એકથી બીજા હાથમાં ફરતો રહ્યો. આખરે રામપતિ રાજખોવાએ થાણા પર ધ્વજ ફરકાવી દીધો.
એ પછી, તેજપુર નગરપાલિકાના કર્મચારીઓએ ગુપ્તપણે મુકુંદ કાકોતીના મૃતદેહની અંતિમક્રિયા કરી દીધી, પણ કનકલતાના પાર્થિવ દેહને પોતાના ખભા પર ઉઠાવીને તેના ઘર સુધી લઈ જવામાં સ્વતંત્રતા સેનાનીઓ સફળ થયા. તેના અંતિમસંસ્કાર બારંગવાડીમાં જ કરાયા. ત્રિરંગાના ગૌરવ કાજે બલિદાન દેનાર કનકલતા સો ટચનું સોનું પુરવાર થઈ. સોનાને અગ્નિમાં તપાવે, ધમણે ધમે, એરણ પર ઘણથી ટીપે, કાપીને કટકા કરે ને ફરી ફરીને તપાવે છતાં એના મોં પર કાળપ આવતી નથી. કારણ એ જ એના કુળનો સ્વભાવ છે! કનકલતાના કનક પર પણ કાળાશ ન આવી. કનકલતા કનક જ નીવડી. દુલા ભાયા કાગનો એક દુહો છે:
આગ્યુંમાં ઓરાય, ધમણે નેતરડાં ધણે
તોય કાળપ નો કળાય, કુળ કુંદનના કાગડા!
કનકલતા કુંદનના કુળની હતી એમાં શંકાને સ્થાન નથી!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.