હરીન્દ્ર દવે ભારતીય વિદ્યા ભવનના કર્મચારી હોવા છતાં કનૈયાલાલ મુનશીએ તેમને ‘મુંબઈ સમાચાર’માં
કોલમ લખવાની પરવાનગી આપી હતી!
આશુ પટેલ
‘મુંબઈ સમાચાર’ દ્વારા મહામાનવ કનૈયાલાલ મુનશી પર વિશેષાંક પ્રકાશિત કરવાનો નિર્ણય લેવાયો એ પછી એમાં લેખ લખવા માટે તંત્રી અને સંપાદક દ્વારા મને અસાઈમેન્ટ અપાયું એ સાથે તરત જ મને કનૈયાલાલ મુનશીના જીવનનો એક કિસ્સો યાદ આવી ગયો, કારણ કે એ કિસ્સા સાથે ‘મુંબઈ સમાચાર’ પણ સંકળાયેલું છે!
આ વાત લખવાનો આનંદ એટલા માટે છે કે એ સમયમાં પણ ‘મુંબઈ સમાચાર’નું કેટલું મહત્વ હતું એ આ કિસ્સા પરથી જાણવા મળશે. અને કનૈયાલાલ મુનશીના વિશાળ હૃદય વિષે પણ વાચકોને જાણવા મળશે.
ઊંચા ગજાના કવિ અને લેખક હરીન્દ્ર દવે ‘મુંબઈ સમાચાર’માં કોલમ લખવાની પરવાનગી માગવા માટે કનૈયાલાલ મુનશી પાસે ગયા હતા એ વખતે શું બન્યું હતું એની આ વાત છે. હરીન્દ્રભાઈને ભારતીય વિદ્યા ભવનમાં નોકરી મળી હતી. તેઓ ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત થતાં ‘સમર્પણ’ સામયિકમાં જોડાયા એ પછી ‘મુંબઈ સમાચાર’ના એ વખતના તંત્રી મીનુ દેસાઈએ તેમને ‘મુંબઈ સમાચાર’માં કૉલમ લખવા માટે આમંત્રણ આપ્યું હતું. એ વખતે તેમણે કનૈયાલાલ મુનશી પાસે ‘મુંબઈ સમાચાર’માં કોલમ લખવા માટે પરવાનગી માગી હતી એ વખતની આ વાત છે. હરીન્દ્રભાઈના શબ્દોમાં જ એ વાત વાચકો સામે મૂકું છું:
‘મુંબઈ સમાચાર’ના તંત્રી મીનુ દેસાઈને મારા માટે પારાવાર લાગણી હતી. હું ભવનમાં (ભારતીય વિદ્યાભવનમાં) જોડાયો ત્યારે તેમણે કહ્યું, હવે તો તમે કોઈ દૈનિક સાથે સંકળાયેલા નથી. ’સમર્પણ’ સાહિત્યનું નહીં, સંસ્કારનું સામયિક છે. તમે અમારે ત્યાં સાહિત્યની કટાર લખો ને?’
‘ભવનની સંમતિ લઈને હું જરૂર લખીશ,’ મેં કહ્યું. ભવનની સંમતિ મળશે જ એવું મેં માની લીધું.
હું (ભવનનું સંચાલન સંભાળતા) શ્રી રામકૃષ્ણજી પાસે સંમતિ લેવા ગયો. તેમણે કહ્યું, ‘ભવનના કર્મચારીઓમાં ભવન માટે સંપૂર્ણ સમર્પણભાવ હોય એવી બાપાજીની (એટલે કે મુનશીજીની) અપેક્ષા છે. તમે બીજે ક્યાંય લખો એવો વિક્ષેપ બાપાજીને નહીં ગમે. ભવનના કાર્યકરોના સમર્પણભાવ વિભાજિત હોય એ ન ચાલે.’
‘મારો ભવન માટેનો સમર્પણભાવ અખંડ છે, પણ એથી હું બીજે ક્યાંય કેમ ન લખી શકું?’ મેં દલીલ કરી.
‘બાપાજીએ વણલખ્યો નિયમ કર્યો છે કે ભવનના કર્મચારીએ બીજી કોઈ પ્રવૃત્તિમાં સંડોવાવું નહીં,’ તેમણે કહ્યું.
‘બાપાજી સાથે આ વિશે હું વાત કરી શકું?’ મેં રામકૃષ્ણજીની પરવાનગી માગી. તેમણે હા પાડી. તેઓ મારી સાથે આવ્યા. સાંજનો સમય હતો. ચોથા માળની અગાશીમાં નિયમિત ચાલવાનો બાપાજીનો નિયમ હતો. અમે તેમની સાથે ચાલવામાં જોડાયા. રામકૃષ્ણજીએ મારી વાત ઉચ્ચારી.
બાપાજીએ કહ્યું: ‘હરીન્દ્ર, તું બીજે લખે તો ‘સમર્પણ’માં તારું ધ્યાન કઈ રીતે રહે? ’
કોણ જાણે કેમ, મારા મનમાં એક સવાલ જાગ્યો. મેં હિંમત એકઠી કરીને પૂછ્યું, ‘બાપાજી, એક સવાલ પૂછી શકું?’
‘હા.’
‘આજથી ચાર-પાંચ દાયકા પહેલાં
તમને કોઈએ કહ્યું હોત કે તમે માત્ર વકીલાત કરો. અથવા માત્ર ‘ગુજરાત’ (સામયિક) સંભાળો અથવા માત્ર નવલકથા લખો, અથવા માત્ર રાજકારણમાં રહો તો તમે આજે છો એ થઈ શક્યા હોત?’
બાપાજી અટકી ગયા. તેઓ હમણાં મારી આ ઉદંડતા માટે ભભૂકી ઊઠશે એમ હું માનતો હતો, પણ તેમણે મારી સામે જોયું. તેમની એ દ્રષ્ટિથી હું પીગળી રહ્યો હોઉં એવી લાગણી થઈ.
એ પછી તેમણે જ મૌન તોડતાં રામકૃષ્ણજી સામે જોઈને કહ્યું, ‘હરીન્દ્ર ભવનના આદર્શો સાથે અનુરૂપ રહે એ પૂરતું છે. જ્યાં લખવું હોય ત્યાં લખી શકે છે.’
હરીન્દ્ર દવે (‘સમર્પણ’ના સંપાદન માટે) ભારતીય વિદ્યાભવનના કર્મચારી હોવા છતાં કનૈયાલાલ મુનશીએ મોટું મન રાખીને પરવાનગી આપી હતી અને હરીન્દ્ર દવેએ મુંબઈ સમાચાર’માં કોલમ લખવાની શરૂઆત કરી હતી!