કામ પરથી પાછા ફરતી યુવતી સાથે છેડછાડની ચોંકાવનારી ઘટના થાણેના કલ્યાણમાં બની હતી. આ ઘટનામાં યુવતીને મદદે આવેલા બે યુવકોની મારપીટ કરવામાં આવી હતી. આ બંને યુવકોને સારવા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ પ્રકરણે પ્રણવ કોનકર સહિત અન્ય આઠ જણ પર ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
કલ્યાણમાં મંગેશી પેરેડાઈઝ વિસ્તારમાં આ ઘટના બની હતી. કલ્યાણ વેસ્ટમાં રહેતી 22 વર્ષીય યુવતી કામથી પાછી ફરી રહી હતી એ સમયે પ્રણવ કોનકરે તેને અટકાવીને તેની છેડતી કરી હતી. બે યુવકો આ યુવતીની મદદે આવ્યા તો પ્રણવ અને તેના સાથીદારોએ બંને યુવકની મારપીટ કરી હતી. મારપીટમાં બંને યુવકને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી અને આ યુવકોની ઓળખ યોગેશ ચૌધરી અને ઉત્કર્ષ સિંગ તરીકે કરવામાં આવી છે. બંને પર કેડીએમસીની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ પ્રકરણે ખડકપાડા પોલીસ દ્વારા પ્રણવ અને તેના આઠ સાથીદારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
યુવતી કામ પરથી પાછી ફરી રહી હતી ત્યારે પ્રણવે તેને અટકાવીને તું ક્યાં ગઈ હતી, તું કામ પર નહીં બીજા કોની સાથે ક્યાં ગઈ હતી એવું પૂછ્યું હતું. એટલું જ નહીં તેણે યુવતીને મારપીટ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીએ મદદ માટે બુમાબુમ કરતાં યોગેશ અને ઉત્કર્ષ તેની મદદે આવ્યા હતા. તેમણે યુવતીને પ્રણવની પકડમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જ વાતનો ગુસ્સો મનમાં રાખીને પ્રણવે તેના મિત્રોને બોલાવી લીધા હતા અને મિત્રો સાથે મળીને યોગેશ અને ઉત્કર્ષની મારપીટ કરી હતી. દરમિયાન યોગેશને માથામાં ગંભીર ઈજા થઈછે તો ઉત્કર્ષને હાથમાં ઈજા પહોંચી છે.
યુવતીએ નોંધાવેલી ફરિયાદને આધારે ખડકપાડા પોલીસ દ્વારા પ્રણવ સહિત અન્ય આઠ જણ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.