કેફિયત-એ-કચ્છ – રાજેશ માહેશ્ર્વરી
પૂર્વ કચ્છમાં વાગડ વિસ્તાર જે ભચાઉ અને રાપર તાલુકાના સંયુક્ત તાલુકાથી ઓળખાતો વિસ્તાર છે. જેની તાસીર હંમેશાં ગરમ રહી છે. જ્યાં ગુનાખોરીનું પ્રમાણ વિશેષ છે. પણ સાથે-સાથે સંતો અને મંદિરો પણ અહીં વિશેષ છે. વટ અને ટેકની ખાતર માથું આપનારા પણ અહીં ઘણા વીરોની ભૂમિ છે.
આપણે આજે વાત કરીશું ઐતિહાસિક ધરોહરની જે કિલ્લા સાથે મંદિરનું સ્થાનક છે. એવા કંથકોટની.
આ કંથકોટ ભચાઉ તાલુકમાં લીલી હરિયાળી વાડીઓ તથા ચેકડેમો, વૃક્ષોવાળા રમણીય વિસ્તારમાં એક કિ.મી. બાય એક કિ.મી.ના ઘેરાવામાં ૧૫૦થી વધુ ઊંચા ડુંગર કિલ્લા પર શ્રી કંથડનાથજીનું મંદિર આવેલું છે. જે ૨૦૦૧માં ભૂકંપને લીધે ધ્વંશ થયેલ હતું. તે ભગ્ન સૂર્ય મંદિર છે. જૈન મંદિર એ જ છે. જે પુરાતત્ત્વ ખાતા હસ્તક છે. જ્યારે મુખ્ય દરવાજાનો ર્જીણોદ્ધાર પુરાતત્ત્વ ખાતાએ કરતાં તે ઉપયોગી બન્યો છે.
વિક્રમ સંવતની આઠમી સદીના પૂવાર્ધમાં દાદા કંથડનાથજી મહારાજ આ કંથકોટ કિલ્લાની ભૂમિ ઉપર તપસ્યા કરતા હતા. ત્યારે હાલના આ કંથકોટનું નામ ‘ગલકાપુરી’ હતું. સિંધ (પાકિસ્તાન)ની જાડેજા રાજપૂત રાજ ઘરાનાના રાજકુમાર જામ મોડજી અને જામ મનાઇજી આ ભૂમિ ઉપર કિલ્લો બાંધવા માટે આવ્યા હતા. અને કંથડનાથજી ગોદડી દ્વારા એ કિલ્લો ધરાસાયી કરતા હતા એ ઇતિહાસમાં જાણીતી વાત છે. તેથી તેની પુનરુક્તિ નથી કરી. જામ મોડજી પછી સાળ ગાદીએ બેઠા.
કંથડનાથજીને ચાર શિષ્યો હતા. એક ભસુનાથજી હાલ જ્યાં ભસવાવ ગામ છે, ત્યાંના કૂવામાં તપ કરતા એ કૂવો આજેય મોજૂદ છે. વાવ ચણેલી છે.
બીજા શિષ્ય રામનાથજી (રામગુરુ) જે કાગનોર ગુફામાં તપ કરતા હતા. આ જગ્યા ડુંગરની પૂર્વ અને ઉત્તરમાં ‘કાગ ભૂસંડી’ ૠષિની ગુફા હોવાનું મનાય છે. જ્યારે ત્રીજા શિષ્ય ‘પવન નાથજી’ જે પવન પર જ નભતા હતા.
ભસુનાથજી તપસ્યા કરતા હતા. કંથડનાથજી જામ સાડજીને લઇને જતા તેમણે ‘નાથજી આદેશ’ ત્યારે પૂછ્યું, કોણ છે? બેટા, ત્યારે જામ સાડજીએ કહ્યું આપનો બાળ જામ સાડ, ત્યારે સમાધિમાંથી આંખ ખોલી જોતા ભસુનાથજીને સામે જામ ઊભા હતા. ત્યારે ભસુનાથજીએ કંથડનાથને કૃપા કરી રાજાને આશીર્વાદ આપવા જણાવતાં કરુણામૂર્તિ કંથડનાથજીના હૃદયમાં કરુણા વરસતા કિલ્લા નિર્માણના અને સુખ-શાંતિના આશિષ પાઠવ્યા અને ચાર નિયમો કહ્યા
વર્ષાૠતુમાં છત્રીનો ઉપયોગ ન કરવો.
ખાટલા ઉપર બેસવું નહીં.
કિલ્લાનું નામ ‘કંથકોટ’ રાખવું. ત્યારથી ગામનું નામ કંથકોટ પડ્યું
ચોથો નિયમ કહ્યો, બે માળનું મકાન બનાવવું. આમ આશિર્વાદ બાદ કિલ્લાનું કામ વૈશાખ સુદ-૩ અખાત્રીજના મંગળવારે વિક્રમ સંવત ૮૮૭નાં રોજ પૂર્ણ થયું અને ત્યાં ધૂણો હતો તેને કંથડનાથજીની સૂચના અનુસાર મંદિર બંધાવ્યું અને કંથડનાથજી વિહાર કરીને પાટણ ગયા. જ્યાં સેંકડો વર્ષ સુધી તપસ્યા કરી હતી, ત્યાં આજે પણ કંથરાવી ગામે ધૂણો છે.
કહેવાય છે કે જામ સાડે કિલ્લો મંદિર બાંધ્યા, તેમના પછી લાખા ફૂલાણીના ભત્રીજા પછી સિંધમાંથી ‘જામ ઉનાળો વંશ’ શરૂ થયો હતો. જે આઝાદી સુધી રહ્યો. કંથકોટ કચ્છ રાજ્યમાં મોટી જાગીર હતી. જે ‘જામ દેદાજી’ તરીકે ઓળખાતી. ૧૨૭૨માં રાજા રાયણે પોતાની સંપત્તિ ચાર પુત્રોને સરખે ભાગે વહેચી એમાં કંથકોટ જાગીર જામ દેદાજીના ભાગે આવી. જેમાં ૮૦-૮૨ ગામો છે.
જે આસો સુદ ૧૫ના પરિવારજનો કંથકોટ કંથડનાથજીને મળે છે.
સૂર્ય મંદિર અને જૈન મંદિર કંથડનાથજી મંદિર પાસે, આ બન્ને મંદિરો હતાં. જે ઐતિહાસિક અને બેનમૂન હતાં. જોવાલાયક હતાં. તે તમામ કિલ્લા સાથે ૨૦૦૧ના કચ્છના ભૂકંપ વખતે નાશ પામતાં પુન: કંથડનાથજીના મંદિરને તે વખતના મહંત ગોપાલનાથજી બાપુએ બંધાવ્યું છે.
આ મંદિરમાં મહાકાલેશ્ર્વર મંદિર અને હિંગળાજ માની મૂર્તિ આવેલી છે. બાજુમાં જૂનું રસોડું, ભૈરવ મંદિર છે. ભોજગૃહ, વિશ્રાંતિ ગૃહ બનાવવામાં આવ્યા. જ્યાં પંદર રૂમો એસી સહિતની વિવિધ સુવિધાવાળા છે. માજી ધારાસભ્યની વિવિધ સહાય સાથે આ મંદિરો બંધાયાં. જ્યારે ભૂકંપ બાદ જૈન મંદિર અને સૂર્ય મંદિરનો કબ્જો પુરાતત્ત્વ ખાતા હેઠળ હોઇ તે મંદિરો બંધાયાં નથી. સૂર્ય મૂર્તિ પુરાતત્ત્વ વિભાગે જાળવણી માટે રાખી છે, જ્યારે મુખ્ય દરવાજો તે કલા કારીગરી સમો પુરાતત્ત્વ વિભાગે તૈયાર કર્યો છે. આમ, બાકીનાં મંદિરો પુરાતત્ત્વ વિભાગ તાત્કાલિક બાંધે તો ઐતિહાસિક અને ધાર્મિક પર્યટન સમું હરવા ફરવા માટે દર્શનિય સ્થળ તરીકે ઉપયોગી બની રહે.
નાથ સંપ્રદાયની હિન્દુસ્તાનમાં નવ પીરગાદી છે. જેમાં નવમી ગાદી કંથકોટની ગાદી ગણાય છે. નાથ સંપ્રદાયમાં કંથડનાથજીએ જોગીને પીર તરીકે બિરૂદ અપાતાં ‘પીરાઇ’ તરીકે કંથડનાથના જોગી હતા. તેમનો વંશ પૂરો થતાં પીરાઇ ખાલી રહી પછી ભંડાર કંથડ પૂજારી થયા. ત્યાર બાદ ઉત્તરાખંડથી જોગી ગોપાલનાથ ૩૪ વર્ષની યુવા વયે આવી ધૂણાની અઘોર કઠીનમાં કઠીન તપસ્યા કરી.
હાલમાં આ જગ્યાના મહંત પદે ગોપાલનાથજીના શિષ્ય સુખનાથ બાપુ સેવા કરે છે. કચ્છમાં ભચાઉ, મનફરા, ભરૂડિયા, કકરણ, લાકડિયા, લાખાગઢ, મોડવદર વગેરે સ્થળે કંથડનાથનાં મંદિરો છે. જગ્યાના પૂર્ણ પ્રેમી સેવક કંથકોટના દુદાણી પરિવારના બાબુભા જિતુભા જાડેજા એ મંદિરોના ઇતિહાસ વિશે સંપૂર્ણ વિગતો આપતા જણાવ્યું કે મંદિરમાં શ્રાવણ વદ અમાસના રોજ ભવ્ય મેળો ભરાય છે. આગામી રાત્રે કલાકારોની સંતવાણી થાય છે. મેળામાં આવવા ગામની ભવ્ય રવાડી વાજતે ગાજતે નીકળે છે. કંથકોટના મુંબઇ વસતા પાટીદારોનું મંડળ, ગામના અન્ય સેવકો સહયોગ આપે છે. મેળામાં આવનાર તમામ ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે.
આજે પણ જાગીરમાં નવરાત્રિએ પૂજન, અર્ચન, વાડી સ્થાપન ચાર દીવાનું થાય છે. મોટા પાત્રોમાં અખંડ જ્યોતમાં ૨૦ કિલો શુદ્ધ ઘી વપરાતું હોય છે. જેમાં એક દીવો ભુજના રાજાનો, બીજો કંથડનાથજીનો, ત્રીજો કંથકોટ જામ ટીળાતનો અને ચોથો માતાજી વાડી રોપાય તેનો હોય છે. ખડગમાં શ્રીફળ બેસાડી કળશ પૂજન બાદ વાડી રોપાય છે. કિલ્લાભેર મંદિરની સુંદર હરિયાળો પ્રદેશ મનને શાંતિ અને આંખને આનંદ આપે તપસ્વી રળિયામણી ભૂમિ છે.