Homeમેટિનીકભી કભી જબ ફિલ્મ મેં કવિતા આતી હૈ

કભી કભી જબ ફિલ્મ મેં કવિતા આતી હૈ

‘શો-શરાબા’ની એક વર્ષની સફરે કવિતાઓમાં તરબોળ ફિલ્મ્સના ખાસ કિસ્સાઓ

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

ઈતિ વર્ષ સંપૂર્ણમ! જી હા, આપણી કોલમ ‘શો-શરાબા’ને એક વર્ષ પૂર્ણ થયું. ૧૯ નવેમ્બર, ૨૦૨૧ના રોજ આપણી આ સફર શરૂ થઈ હતી અને ઈશ્ર્વર કૃપાથી હવે બીજા વર્ષમાં પ્રવેશવા જઈ રહી છે. કૉંગ્રેટ્સ ટુ ઓલ ઓફ અસ. જય મનોરંજન દેવની! એમને પ્રાર્થના કે જેવા મારા ને તમારામાં શ્ર્વસે છે તેવા સૌમાં શ્ર્વસજો!
ફિલ્મ્સ હંમેશાં આ લખવૈયા માટે વાર્તા જગતને ઉઘાડ આપતી કલાનું એક ખૂબ જ ગમતું માધ્યમ રહ્યું છે. આજે એ કલામાં પ્રવૃત્ત બીજી એક કલાની વાત કરવી છે. એ કલા એટલે કવિતા! આપણને ખબર છે કે ભારતીય ફિલ્મ્સ અને ગીતોને ખૂબ મોટી લેણાદેણી છે. એ જ રીતે પદ્યનું બીજું સ્વરૂપ કવિતા પણ જયારે-જયારે ફિલ્મ્સમાં દેખાય છે ત્યારે અણધારી અસર છોડી જાય છે. ફિલ્મ્સનાં પાત્રો દ્વારા બોલાયેલી કવિતા વિશે વિચારતા તરત જ એકાધિક પંક્તિઓ મનમાં હિલોળા લેવા લાગે, નહીં?
કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ,
કિ જિંદગી તેરી ઝુલ્ફોં કી
નર્મ છાંવ મેં ગુઝરને પાતી
તો શાદાબ હો ભી સકતી થી.
આ પંક્તિઓ અત્યંત પ્રચલિત છે. પણ, તમને હજુ એક સવાલ મનમાં ઉદ્ભવ્યો હશે કે કભી કભી’ આ પંક્તિ પછી તો કે ‘જૈસે તુજકો બનાયા ગયા હૈ મેરે લિયે’ આમ છે ને? જી હા, આ બંને પંક્તિઓ સાચી છે અને એક જ ફિલ્મની છે. એ ફિલ્મ એટલે યશ ચોપરા દિગ્દર્શિત ‘કભી કભી’ (૧૯૭૬). ફિલ્મમાં અમિત (અમિતાભ બચ્ચન) કવિ છે અને તેની પ્રેમિકાને સંબોધીને ઉપર લખી એ કવિતા લખે છે. એ પછી લખી એ પંક્તિઓ ગીતની છે જે ખય્યામે કમ્પોઝ કરી છે અને મુકેશ અને લતા મંગેશકરે
ગાઈ છે.
ફિલ્મમાં વપરાયેલા ગીત અને કવિતા બંને લખ્યા છે મશહૂર કવિ સાહિર લુધિયાનવીએ. કવિતા તેમના કલેક્શન ‘તલ્ખીયાં’ની છે જે સીધી જ અમિતની કવિતા તરીકે ફિલ્મમાં રખાઈ છે. પણ, એના પરથી બનાવવામાં આવેલા ગીતને સરળ બનાવવા માટે સાહિરે ઓછા ઉર્દૂ શબ્દોના પ્રયોગવાળી પંક્તિઓ લખીને બીજું વર્ઝન તૈયાર કર્યું હતું.
શબ્દ મર્યાદાને કારણે બધી પંક્તિઓ અહીં લખી ન શકાય. પણ, કવિતાની અંતિમ પંક્તિઓ કંઈક આ રીતે છે-
ઈન્હી અંધેરો મેં રહ જાઉંગા કભી ખો કર
મૈં જાનતા હું મેરી હમ-નફસ, મગર યુંહી
કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ.
પ્રેમિકાથી સંબંધ છૂટ્યા પછી અમિત જે લખે છે અને વર્ષો પછી સંભળાવે છે એ અમિતાભના અવાજમાં બોલાયેલી આ પંક્તિઓ અને તેના અલગ વર્ઝનમાં લખાયેલા મુકેશ અને લતા મંગેશકરવાળા ગીતને લગભગ સરખી જ લોકપ્રિયતા મળી છે. પાત્ર જ કવિનું હોવાથી ‘કભી કભી’માં વધુ શાયરી અને કવિતા જોવા-સાંભળવા મળે છે. તમને પ્રખ્યાત ગીત ‘મૈં પલ દો પલ કા શાયર’ યાદ છે ને? હા, એ જ જે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની નિવૃત્તિની જાહેરાતના વીડિયોમાં વાપર્યું હતું. એ પ્રખ્યાત ગીત પણ આ જ ફિલ્મનું છે. આ ગીત પણ અમિત દ્વારા બોલાતી સાહિરની કવિતાનું જ બીજું વર્ઝન છે. લો માણો એ કવિતાનો અંશ-
કલ નઈ કૌંપલે ફૂટેગી, કલ નયે ફૂલ મુસ્કાયેંગે
ઔર નયે ઘાસ કે નયે ફર્શ પર નયે પાંવ ઈઠલાયેંગે
વો મેરે બીચ નહીં આયે, મૈં ઉનકે બીચ મેં ક્યું આઉં
ઉનકી સુબહ ઔર શામોં કા મૈં એક ભી લમ્હા ક્યું પાઉં
મૈં પલ દો પલ કા શાયર હું
પલ દો પલ મેરી કહાની હૈ
આ પંક્તિઓ સાહિર લુધિયાનવીની નઝમ ‘મૈં પલ દો પલ કા શાયર હું’નો હિસ્સો છે. અને કવિતાની તાકાત એ છે કે ફિલ્મ આ જ પંક્તિઓ સાથે શરૂ થાય છે. આ સિવાય પણ આ ફિલ્મમાં એક બીજી મસ્ત ગઝલ છે. લો વાંચો તેનો એક શેર-
તેરા હાથ હાથ મેં હો અગર તો સફર હી અસલે-હયાત હૈ
મેરે હર કદમ પે હૈ મંજિલે, તેરા પ્યાર ગર મેરે સાથ હૈ.
અમિતાભ બચ્ચનના ઘેઘૂર અવાજમાં બોલાયેલી શાયરીની મજા ‘કભી કભી’ સિવાય ફિલ્મ ‘સિલસિલા’ (૧૯૮૧)માં પણ છે. ‘સિલસિલા’ના દિગ્દર્શક પણ યશ ચોપરા જ છે અને એ પણ એક પ્રેમ કહાણી જ છે. અહીં પણ અમિતાભ બચ્ચનના પાત્રનું નામ અમિત જ છે અને અહીં પણ તેમના પાત્રને કલમ જ થમાવવામાં આવી છે. પણ અહીં તેમનું પાત્ર કવિ નહીં, એક રોમેન્ટિક નાટ્યકાર છે. ૧૯૮૦માં સાહિર લુધિયાનવીનું મૃત્યુ થતા આ ફિલ્મમાં ગીતકારની ભૂમિકામાં અન્ય નામો જોવા મળે છે. યશ ચોપરાએ આ ફિલ્મમાં પણ પ્રેમ વ્યક્ત કરવા કવિતાઓનો સહારો લીધો છે. પણ આ વખતે કવિતા અને ગીતને અલગ-અલગ ન રાખતા તેમણે બંનેનો એક ખૂબસૂરત સંગમ કરાવ્યો છે. અમિતાભ અને રેખા પર ફિલ્માવાયેલા ગીત ‘યે કહાં આ ગયે હમ’ની શરૂઆત જાવેદ અખ્તરે લખેલી કવિતાના આ શબ્દોના પઠનથી થાય છે-
મૈં ઔર મેરી તન્હાઈ અક્સર યે બાતે કરતે હૈ
તુમ હોતી તો ક્યા હોતા
તુમ યે કહતી, તુમ વો કહતી
તુમ ઇસ બાત પે હૈરાન હોતી
તુમ ઉસ બાત પે કિતના હંસતી
તુમ હોતી તો ઐસા હોતા, તુમ હોતી તો વૈસા હોતા
મૈં ઔર મેરી તન્હાઈ
આ શબ્દો પછી શિવ-હરિ દ્વારા કમ્પોઝ થયેલું, જાવેદ અખ્તરે જ લખેલું આ ગીત લતા મંગેશકરના અવાજમાં આગળ વધે છે. અને અંતરાઓની વચ્ચે ફરી અમિતાભના અવાજમાં કવિતાની પંક્તિઓ આવ્યા કરે છે. આ જ ફિલ્મના ગીત ‘દેખા એક ખ્વાબ’માં પણ ‘યે કહાં આ ગયે હમ’ની જેમ કવિતાના શબ્દો આવે છે-
વહમ-ઓ-ગુમાં સે દૂર દૂર, યકીન કી હદ કે પાસ પાસ
દિલ કો ભરમ યે હો ગયા, ઉનકો હમસે પ્યાર હૈ
ગઈ સદીની ફિલ્મ્સની વાતો કરી એનો મતલબ એ નહીં કે ફક્ત જૂની ફિલ્મ્સમાં જ આ રીતે કવિતાઓનો પ્રયોગ થયો છે. છેલ્લા એક-બે દાયકાઓમાં પણ આવાં ઘણાં દૃષ્ટાંતો મળી આવે છે. ૨૦૧૪માં રિલીઝ થયેલી વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ‘હૈદર’માં વપરાયેલી એક કવિતા પણ અતિ જાણીતી બની છે-
દરિયા ભી મૈં, દરખ્ત ભી મૈં
જેલમ ભી મૈં, ચિનાર ભી મૈં
દૈર ભી હું, હરમ ભી હું
શિયા ભી હું, સુન્ની ભી હું, મૈં હું પંડિત
મૈં થા, મૈં હું ઔર મૈં હી રહૂંગા.
ફિલ્મમાં સ્વ. ઈરફાન ખાન એક સ્પેશ્યલ કિરદારમાં થોડી મિનિટ્સ માટે દેખાય છે ત્યારે તેઓ આ ખાસ પંક્તિઓ બોલે છે. આ પંક્તિઓ કોણે લખી અને ફિલ્મમાં કઈ રીતે સમાવાઈ એ પાછળ એક ખૂબ જ મજેદાર કિસ્સો છે. પણ, એ અને આવા બાકીના કિસ્સાઓ આવતા સપ્તાહે!(ક્રમશ:)
લાસ્ટ શોટ
‘સિલસિલા’ ફિલ્મ દ્વારા જ જાવેદ અખ્તરે ગીતકાર તરીકેની શરૂઆત કરી હતી!

RELATED ARTICLES

Most Popular