Homeમેટિનીકભી કભી જબ ફિલ્મ મેં કવિતા આતી હૈ (ભાગ- ૨)

કભી કભી જબ ફિલ્મ મેં કવિતા આતી હૈ (ભાગ- ૨)

રિધમ અને પોએટ્રીનો સરવાળો એટલે સંગીત

શો-શરાબા – દિવ્યકાંત પંડ્યા

ફિલ્મ્સમાં જોવા મળતી કવિતા અને શાયરીની વાત આપણે ગયા સપ્તાહે કરી રહ્યા હતા. છેલ્લે આપણે ‘હૈદર’ની ‘દરિયા ભી મૈં’ કવિતા જોઈ હતી. ચાલો જોઈએ કે એ કવિતા કઈ રીતે ફિલ્મનો હિસ્સો બની. ફિલ્મમાં નાયક હૈદરના પાત્રમાં શાહિદ કપૂર છે અને બાકીના મુખ્ય પાત્રો તબુ, કે. કે. મેનન અને શ્રદ્ધા કપૂરે ભજવ્યા છે. પણ એ સાથે એક ખાસ કિરદારમાં દિગ્દર્શક વિશાલ ભારદ્વાજના માનીતા ઈરફાન ખાન પણ આપણને જોવા મળે છે. હૈદર પોતાના ગુમ પિતાની શોધમાં હોય છે અને ઈરફાનનું રુહદારનું પાત્ર તેને શોધવામાં મદદ કરે છે. હવે થયું હતું એવું કે ફક્ત બે દ્રશ્ય માટે ફિલ્મમાં દેખાતા ઈરફાને શૂટિંગ દરમિયાન વિશાલ ભારદ્વાજને પોતાના પાત્રને થોડી વધુ લાઈન્સ આપવા માટે કહ્યું હતું. જવાબમાં વિશાલે એમ કહ્યું કે ‘જો હું વધુ લખીશ તો એ શાયરી બની જશે.’ છતાં સામે ઈરફાને કહ્યું કે ‘હા, મને શાયરી જ જોઈએ.’ એટલે તેમની વાત માનીને વિશાલ ભારદ્વાજે પોતે જ એ જાણીતી શાયરી ખાસ ઈરફાન માટે લખી હતી. એ પંક્તિઓ ઈરફાન ખાનના દુ:ખદ મૃત્યુ સમયે પણ સામાજિક માધ્યમોમાં ખૂબ દ્રશ્યમાન થઈ હતી!
અમુક ફિલ્મ્સમાં આવી આકસ્મિક રીતે કવિતા કે શાયરીનો સમાવેશ થતો હોય છે તો અમુક ફિલ્મ્સમાં કવિતા વાર્તા કે જે-તે પાત્રનો એક અંશ બનીને મહત્ત્વ પ્રદાન કરતી હોય છે. ૨૦૧૭માં રિલીઝ થયેલી અંશઈ લાલ દિગ્દર્શિત ‘ફિલ્લૌરી’માં એક પાત્ર કવિતાઓ લખે છે અને બીજું એ ગાય છે. કલાના બે સ્વરૂપોની આપણે આ સિરીઝની શરૂઆતમાં વાત કરી હતી. અહીં એ બંને સ્વરૂપો બે વ્યક્તિના પ્રેમમાં ઉત્પ્રેરક (કેટાલીસ્ટ)નું કામ કરે છે. ફક્ત શાયરી બોલીને છોકરીને ઈમ્પ્રેસ કરવા જેવી અહીં વાત નથી, પણ કવિતાને લઈને પ્રેમમાં ઊંડાણ, ભરોસો અને એક અનન્ય જોડાણ વધે છે તેમના સંબંધોમાં. માણો તેની એક કવિતાનો અંશ-
મહોબ્બત કિસ ચીડિયા કા નામ હૈ, હમે ભી બતાના
ભોર સવેર વો કભી ગુનગુનાયે, તો હમે ભી સુનાના
દિખ જાયે તો દિખાના
કભી કિસી રોજ વો આંગન આયે
આખી કવિતા તો મોટી છે પણ આ રહી તેની અમુક આખરી પંક્તિ-
સૂના હૈ કાંટો પે દિલ ખોલ
ગુલાબો મેં રંગ ભર દેતા હૈ
જાન દે કે દિલ મેં ધડકન લેતા હૈ
ફિલ્મ્સ અને નવલકથાનાં ઘણાં પાત્રો કવિ કે લેખક હોય છે કેમ કે એ વાર્તાના આરંભબિંદુ એવા લેખકોનો પણ તેમાં પડછાયો રહેલો હોય છે. ‘ફિલ્લૌરી’ના લેખિકા અન્વિતા દત્ત તો પાછા ગીતકાર પણ છે. ‘ફિલ્લૌરી’ની જેમ જ કવિતા અને સંગીતનો મેળ ઝોયા અખ્તર દિગ્દર્શિત ‘ગલ્લી બોય’ (૨૦૧૯)માં પણ છે. સમાજમાં રહેલી અસમાનતા અને સપનાઓ પરની પાબંદીઓને કવિતા સ્વરૂપે કાગળ પર ઉતારતો મુરાદ રેપ મ્યુઝિકના સંપર્કમાં આવે છે. આ રહ્યો જાવેદ અખ્તરે લખેલી ફિલ્મની એક કવિતાનો અંશ-
એક હી રાસ્તા જિસપે ચૂપચાપ
સર કો ઝૂકાયે હુયે બંધ આંખે કિયે
લોગ ચલતે હૈ સારે જનમ
જાનતે ભી નહીં, સોચતે ભી નહીં, પૂછતે ભી નહીં
ઉનકો યે રાસ્તા કહીં લેકર જાયેગા યા કહીં ભી નહીં?
મુરાદને મદદ કરતો ધારાવીનો સ્થાનિક સિંગર એમસી શેર ગીત માટેના તેના શબ્દો પર અર્થપૂર્ણ ટિપ્પણી કરે છે, ‘સંગીતમાં પોએટ્રી અને રિધમ બંને જોઈએ. તારી પાસે પોએટ્રી છે, રિધમ આવી જશે.’ આ રહી એ કવિતા જેમાં શબ્દો ઉમેરીને મુરાદ પોતાનું પહેલું ગીત રેકોર્ડ કરે છે-
કહને કો હમ પાસ હૈ
પર કિતની દૂરી હૈ
યે ભી કૈસી મજબૂરી હૈ
તુમસે હમદર્દી ભી નહીં કર સકતા મૈં
મેરે બસ કી બાત નહીં હૈ
મૈં યે બહતે આંસુ પૌછું ઇતની મેરી ઔકાત નહીં હૈ
મૈં ભી યહી હું તુમ ભી યહીં હો
પર સચ યે હૈ મૈં હું કહીં તુમ ઔર કહીં હો
ઝોયા અખ્તર અને તેની ફિલ્મ્સમાં કવિતાનું કનેક્શન ‘ગલ્લી બોય’થી પણ પહેલાનું રહ્યું છે. તેની ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ (૨૦૧૧)માં પણ ત્રણ મુખ્ય પાત્રોમાંથી એક ઈમરાન (ફરહાન અખ્તર) કવિતાઓ લખે છે. હકીકતમાં જાવેદ અખ્તરે લખેલી કેટલીક ખૂબસૂરત કવિતાઓ રિલીઝ પછી યુવાનોમાં ખૂબ લોકપ્રિય બની છે. લો માણો ફિલ્મમાં અલગ-અલગ મુકામ પર વોઇસ ઓવરમાં આવતી કવિતાની અમુક પંક્તિઓ-
દિલ આખિર તું કયું રોતા હૈ?
દુનિયા મેં યુંહી હોતા હૈ
યે જો ગહરે સન્નાટે હૈ
વક્ત ને સબકો હી બાંટે હૈ
થોડા ગમ હૈ સબકા કિસ્સા
થોડી ધૂપ હૈ સબકા હિસ્સા
હજુ એક આ રહી-
પિઘલે નીલમ-સા બહતા હુઆ યે સમા
નીલી-નીલી સી ખામોશીયા
ન કહીં હૈ જમીં ન કહીં આસમાં
સરસરાતી હુઈ ટહનીયા, પત્તિયા
કહ રહી હૈ કી બસ એક તુમ હો યહાં
ફિલ્મની બધી અને આખી કવિતાઓ ફરહાનના અવાજમાં માણવા જેવી છે. એટલે જ ટ્રાવેલિંગ ફેવરીટ પોએટ્રીઝ છે જ એ ઓલરેડી યુથમાં. આ કવિતાઓ ફિલ્મમાં વપરાઈ છે પણ જાવેદ અખ્તર રહ્યા કવિતાના જ માણસ એટલે તેમણે પહેલેથી લખી રાખેલી કવિતાઓ ફિલ્મમાં વપરાઈ છે કે પછી ફિલ્મની જરૂરત મુજબ તેમણે ખાસ લખી છે એ તો એમને જ ખબર. એ સાથે એવી પણ ફિલ્મ્સ છે જેમાં કોઈ કવિની પહેલેથી લખાયેલી કવિતાઓ વાપરવામાં આવી હોય. એમાંની એક એટલે ઈસ્માઈલ મર્ચન્ટ દિગ્દર્શિત ‘ઈન કસ્ટડી’ (૧૯૯૩). આ ફિલ્મ સાથે જોડાયેલી દરેક વાત કલા ને કવિતામય છે. એક તો ફિલ્મ પોતે જ લેખિકા અનિતા દેસાઈની ૧૯૮૪ની બુકર પ્રાઈઝ નોમિનેટેડ આ જ નામની નવલકથા પરથી બની છે. ફિલ્મમાં નાયકનો ઉર્દૂ કવિતા પ્રત્યેનો પ્રેમ કેન્દ્રસ્થાને છે. ફિલ્મમાં વપરાયેલી કવિ ફૈઝ અહમદ ફૈઝની એક કવિતાની થોડી પંક્તિઓ આ રહી-
આજ એક હર્ફ કો ફિર ઢૂંઢતા ફિરતા હૈ ખયાલ
મધ ભરા હર્ફ કોઈ, ઝહર ભરા હર્ફ કોઈ
દિલ-નશીં હર્ફ કોઈ, કહર ભરા હર્ફ કોઈ
હર્ફ-એ-ઉલ્ફત કોઈ દિલદાર-એ-નજર હો જૈસે
અને ધારદાર આખરી પંક્તિ પણ માણો-
ઇતના તારિક કિ શમશાન કી શબ હો જૈસે
લબ પે લાઉં તો મેરે હોઠ સિયાહ હો જાયે
કવિતા મોટા ભાગે દુ:ખ સાથે સંકળાયેલી હોય છે. વેદના કવિતાના જન્મનું કારણ બનતી હોય છે, પણ એક ફિલ્મની કવિતા એવી છે કે તેમાં કવિતાને સીધી જ મોત સાથે સરખાવી દીધી છે. જાણો છો એ કવિતા અને એ ફિલ્મ વિશે? ખેર, આજે શબ્દમર્યાદાને કારણે આ મહેફિલ અહીં જ અટકાવવી પડશે, પણ એ અને બીજી ફિલ્મ્સની રસપ્રદ ગોઠડી આવતા સપ્તાહે!
લાસ્ટ શોટ
દિલો મેં તુમ અપની બેતાબીયાં લે કે ચલ રહે હો, તો જિંદા હો તુમ, નજર મેં ખ્વાબો કી બિજલીયાં લે કે ચલ રહે હો, તો જિંદા હો તુમ – ઝિંદગી ના મિલેગી દોબારા. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular