કવિતા એટલે ફિલ્મમાં સંવાદનો કલાત્મક વિકલ્પ
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
ફિલ્મમાં કવિતાની આ સિરીઝમાં આપણે ગયા અઠવાડિયે એક એવી ફિલ્મની કવિતાની વાત કરી રહ્યા હતા જેમાં મોતને કવિતા સાથે સરખાવવામાં આવ્યું છે. એ ફિલ્મ એટલે હૃષિકેશ મુખર્જી દિગ્દર્શિત ‘આનંદ’ (૧૯૭૧). ગુલઝારે લખેલી એ કવિતા જે અમિતાભ બચ્ચનના અવાજમાં છે-
મૌત તું એક કવિતા હૈ
મુજસે એક કવિતા કા વાદા હૈ મિલેગી મુજકો
ડૂબતી નબ્જો મેં જબ દર્દ કો નીંદ આને લગે
જર્દ સા ચહેરા લિયે જબ ચાંદ ઉફક પહુંચે
અમિતાભના અવાજમાં બોલાયેલી બીજી એક અતિ વિખ્યાત કવિતા એટલે ફિલ્મ ‘અગ્નિપથ’ (૧૯૯૦)ની તેમના પિતા હરિવંશરાય બચ્ચન લિખિત અગ્નિપથ. અમિતાભના અવાજમાં કવિતા પઠનનો ઘણાં દિગ્દર્શકોએ લાભ લીધો છે. ‘દિલ્હી ૬’માં એક સ્પેશ્યલ અપિયરન્સમાં તેઓ દેખાય છે અને સાથે એક મસ્તમજાની કવિતા પણ વોઇસ ઓવરમાં તેમના અવાજમાં સંભળાય છે. ફિલ્મમાં નાયકના પાત્રમાં અભિષેક બચ્ચન છે પણ બાપ હાજર હોય પછી દીકરા પાસે શું કવિતા પઠન કરાવવું એમ દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરાએ વિચાર્યું હશે. વાંચો કવિતા-
ઝર્રે ઝર્રે મેં ઉસકા નૂર હૈ
ઝાંક ખુદ મેં વો ના તુજસે દૂર હૈ
ઇશ્ક હૈ ઉસસે તો સબસે ઇશ્ક કર
ઇસ ઈબાદત કા યહી દસ્તુર હૈ
ઈસમેં, ઉસમેં ઔર ઉસમેં હૈ વોહી
યાર મેરા હર તરફ ભરપૂર હૈ
ફરી પાછા ગઈ સદીની વાત કરીએ તો ‘અર્ધ સત્ય’ (૧૯૮૩)માં ખુશી, પ્રેમ કે ગમથી અલગ વાત કરતી એક દમદાર કવિતા છે. ઓમ પુરીના વજનદાર અવાજમાં કવિ દિલીપ ચિત્રેની એ કવિતા માણો-
ચક્રવ્યૂહ મેં ઘૂસને સે પહલે,
કૌન થા મૈં ઔર કૈસા થા,
યે મુજે યાદ હી ના રહેગા
ચક્રવ્યૂહ મેં ઘૂસને કે બાદ,
મેરે ઔર ચક્રવ્યૂહ કે બીચ,
સિર્ફ એક જાનલેવા નિકટતા થી
ઈસકા મુજે પતા હી ન ચલા
કવિતા તો ઘણી મોટી છે પણ તેનો ચોટદાર અંતિમ અંશ આ રહ્યો-
એક પલડે મેં નપુંસકતા,
એક પલડે મેં પૌરુષ
ઔર ઠીક તરાઝુ કે કાંટે પર અર્ધ સત્ય.
ઈશ્કિયા કવિતાઓથી અલગ આવી કવિતાઓ ૨૦૧૦માં રિલીઝ થયેલી વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મ ‘ઉડાન’માં પણ છે. પણ એમાં નાયકનો કવિ-લેખક બનવા માટે ચાલતો તેના પિતા સાથેનો સંઘર્ષ હોવાથી ઘણી બધી કવિતાઓનો ખજાનો છે એ ખૂબસૂરત ફિલ્મ. (એ કવિતાઓ અને તેને લગતી વાતો આખા એક અલાયદા લેખનો વિષય છે એટલે ફરી ક્યારેક.) પણ, અહીં થોડી પંક્તિઓ માણી લઈએ-
ઝિદ કા તુમ્હારે જો પર્દા સરકતા
ખિડકીયો સે આગે ભી તુમ દેખ પાતે
આંખો સે આદતો કી જો પલકે હટાતે
તો તુમ જાન લેતે મૈં ક્યા સોચતા હું
પોતાના સપનાઓ પાછળ મુકાતી દોટમાં દર્દ મળે ને કવિતા સર્જાય. એ જ રીતે આઝાદી પછી દેશની હાલત પર કટાક્ષ કરતી કવિતા પણ ફિલ્મજગતે આપી છે. અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ‘ગુલાલ’ (૨૦૦૯)માં પોએટ્રી અને પોલિટિક્સ બંને દર્શકોને વિચારવા મજબૂર કરી દે છે. ‘ગુલાલ’ની જયારે પણ પ્રશંસા કરવામાં આવે છે ત્યારે એક વ્યક્તિનું નામ જરૂરથી લેવામાં આવે છે- પિયુષ મિશ્રા. એક્ટર પિયુષ મિશ્રા ખૂબ સારા કવિ પણ છે. ગુલાલ’માં તેમણે એક ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવી છે. ફિલ્મમાં તેમણે એક્ટિંગ તો કરી જ છે, પણ સાથે કવિતાઓ અને ગીતો લખવા ઉપરાંત તેમણે ખુદ એ કમ્પોઝ પણ કર્યા છે. ફિલ્મમાં તેમનું પાત્ર વાતવાતમાં ગીતો ગાતા એક ધૂની માણસનું છે. રામ પ્રસાદ ‘બિસ્મિલ’ની જાણીતી કવિતા સરફરોશી કી ‘તમન્ના’ની આ ફિલ્મ માટેની આધુનિક આવૃત્તિ જે પિયુષ મિશ્રાએ દેશદાઝમાં લખી છે એ હચમચાવી મૂકે તેવી છે-
ઓ રે બિસ્મિલ કાશ આતે આજ તુમ હિન્દુસ્તાન
દેખતે કિ મુલ્ક સારા ક્યા ટશન મેં, થ્રિલ મેં હૈ
આજ કા લોન્ડા યે કહતા હમ તો બિસ્મિલ થક ગયે
અપની આઝાદી તો ભૈયા લોન્ડિયા કે તિલ મેં હૈ
એક દ્રશ્યમાં મનની ભડાશ કાઢતા પિયુષ મિશ્રાનું પાત્ર પૃથ્વી આવી જ એક ધારદાર પંક્તિ બોલે છે-
ઈસ મુલ્ક ને હર શખ્સ કો જો કામ થા સૌંપા
ઉસ શખ્સ ને ઉસ કામ કી માચીસ જલા કે છોડ દી
પણ ચાલો, ઇશ્કની ગલિયોમાં પાછા ફરીએ! કાર્તિક આર્યન અને નુશરત ભરૂચાની ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ વિશે સૌને ખબર છે, પણ એ સિવાય પણ બંનેએ એક લવ સ્ટોરીમાં કામ કર્યું છે જે બહુ ઓછા જાણે છે. એ ફિલ્મ એટલે લવ રંજન દિગ્દર્શિત ‘આકાશ વાણી’ (૨૦૧૩). હા, ફિલ્મની એક કવિતા ફિલ્મ કરતા તો ક્યાંય વધુ ફેમસ થઈ છે-
હમને જો કી થી મહોબ્બ્ત આજ ભી હૈ
તેરી ઝુલ્ફો કે સાયે કી ચાહત આજ ભી હૈ
રાત કટતી હૈ આજ ભી ખયાલો મેં તેરે
દીવાનો સી વો હાલત મેરી આજ ભી હૈ
આખરી બે પંક્તિ-
ચાહ કે ઈક બાર ચાહે ફિર છોડ દેના તું
દિલ તોડ તુજે જાને કી ઈજાજત આજ ભી હૈ
મજાની વાત એ છે કે આ પંક્તિઓ નાયક આકાશ નહીં પણ એનો દોસ્ત બોલે છે. પણ એ પછી એમાંથી પ્રેરણા લઈને વાણી માટે તરત એક કવિતા આકાશ પણ બોલે છે-
વો કહતે હૈ કભી ઔર કભી ઔર હોતા નહીં
દિલ ભી તો નાદાન ઉસકે સિવા કહીં ઔર ખોતા નહીં
આ સિરીઝની શરૂઆત આપણે યશ ચોપરાની ફિલ્મ ‘કભી કભી’થી કરી હતી, ચાલો અંત પણ એમની જ ફિલ્મથી કરીએ. ‘વીર-ઝારા’ (૨૦૦૪)માં વીર (શાહરુખ ખાન) આદિત્ય ચોપરાએ લખેલી આ કવિતા પાકિસ્તાનની જેલમાંથી બોલે છે-
મૈં કૈદી નંબર ૭૮૬, જૈલ કી સલાખો સે બાહર દેખતા હું
દિન મહિને સાલોં કો યુગ મેં બદલે દેખતા હું
ઇસ મિટ્ટી સે મેરે બાઉજી કે ખેતો કી ખુશ્બુ આતી હૈ
યે ધૂપ મેરી માટી કી ઠંડી છાસ યાદ દિલાતી હૈ
આ સિવાય આદિત્ય ચોપરાએ ‘ધૂમ ૩’ (૨૦૧૩)ની કવિતા ‘બંદે હૈ હમ’ પણ લખી છે. અને પિતાની અંતિમ ફિલ્મ ‘જબ તક હૈ જાન’ (૨૦૧૨) માટે પણ લખી છે જે શાહરુખ ખાનના અવાજમાં છે-
તેરી આંખો કી નમકીન મસ્તિયાં
તેરી હંસી કી બેપરવાહ ગુસ્તાખિયાં
તેરી ઝુલ્ફો કી લહરાતી અંગડાઇયાં
નહીં ભુલૂંગા મૈં
જબ તક હૈ જાન, જબ તક હૈ જાન
આ સિવાય તેરી મેરી કહાની’ (૨૦૧૨), ‘રાઝ’ (૨૦૦૨), ‘એ દિલ હૈ મુશ્કિલ’ (૨૦૧૬), ‘ફના’ (૨૦૦૬) જેવી અનેક ફિલ્મ્સમાં શાયરીઓની રમઝટ છે. તો ફિલ્મ્સ સાથે કવિતા અને શાયરીની મજા માણવાનું ચૂકતા નહીં!ઉ
લાસ્ટ શોટ
હમ ગમઝદા હૈ લાયે કહાં સે ખુશી કે ગીત
દેંગે વોહી જો પાયેંગે ઈસ જિંદગી સે હમ
– ‘પ્યાસા’ (૧૯૫૭)