Homeઉત્સવકે ફોર ‘કિડનેપ’: પ્રાણીઓથી પ્રેમપ્રસંગ સુધીનો પ્રપંચ!

કે ફોર ‘કિડનેપ’: પ્રાણીઓથી પ્રેમપ્રસંગ સુધીનો પ્રપંચ!

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: હજી ગાલના ‘ખંજન’ પર ખંડણી કોઇએ માગી નથી.(છેલવાણી)
અપહરણ કે કિડનેપિંગ, હંમેશાં મહા-રોમાંચક, મહારોચક વિષય રહ્યો છે. માણસો તો શું અમારી ફિલ્મલાઇનમાં કે પછી લેખનના વ્યવસાયમાં આખેઆખા આઇડિયા અપહરણ થઇ જતા હોય છે. જુઓને, અમારી આ કોલમમાં, મૂળ લેખથી પણ વધારે વંચાતા ’આદમ-ઇવ’ના જોક્સને અમુક વ્હાલા લેખકમિત્રોએ ‘હીર-રાંઝા’, ‘લૈલા-મજનુ’ના જોક્સ તરીકે પોતાના લેખમાં મૂકીને ક્યૂટ કંસેપ્ટને કિડનેપ કરી લીધો. ભલે, વાંધો નહીં.
બીજી બાજુ, આજેય હજીયે બિહારમાં ભણેલાં ગણેલાં કમાતા સારા મુરતિયાઓને દબંગ-પાવરફૂલ ફેમિલીના લોકો કિડનેપ કરીને ઉપાડી લાવે ને પછી પરાણે દીકરી સાથે પરણાવી દે, જેને ‘પકડવા દુલ્હા’ કહેવાય છે. ઘણીવાર છોકરીનું દિલ, છોકરા પર આવી જાય ત્યારેય આવો કાતિલાના હુમલો થાય, રિવર્સ રોમેંટિક અત્યાચાર!
..પણ હમણાં આફ્રિકાના કોંગો દેશમાં એક અજીબ કિડનેપિંગ થયું. ત્યાંના પ્રાણીઓનાં અભ્યારણ્યમાંથી કોઇક ૩ ચિંપાન્ઝીના બચ્ચાંઓ કિડનેપ કરી ગયા ને એમને છોડાવવા મોટી ખંડણીની ડિમાંડ કરી! સાવ વાંદરા પણ કિડનેપ થાય એ ખરેખર કલિયુગનો ક્લાઇમેક્સ જ કહેવાયને? અભ્યારણ્યના સંચાલક, ફ્રેંકે કહ્યું: ‘એક્ચ્યુઅલી, કિડનેપરો, મારા બાળકોને કિડનેપ કરવાના હતા પણ બાળકો, હોસ્ટેલથી વેકેશનમાં ઘરે આવવામાં મોડાં પડ્યાં તો કિડનેપરોએ વાંદરાનાં બચ્ચાં ઉપાડી
લીધાં!’ આ તો સારું છે કે ફ્રેંકની પત્નીને કિડનેપ કરવાનો પ્લાન નહોતો, નહીંતર કદાચ કોઇ નમણી રૂપાળી હરણીને ઉપાડી જાત તો? ફ્રેંક કહે છે ખંડણીની રકમ એટલી મોટી છે કે અભ્યારણવાળા આપી નહીં શકે!
હવે વિચારવાની વાત એ છે કે કિડનેપરો, ચિંપાન્ઝીના નટખટ બચ્ચાઓને સાચવશે કઇ રીતે? વાંદરાઓ બહુ નટખટ હોય છે. દસેક વરસ અગાઉ દિલ્લીની તીસહઝારી કોર્ટમાં, લંચ સમયે વાંદરાઓએ આક્રમણ કરીને વકીલોના કપડાં પહેરી લીધેલા, કોર્ટમાં કાગળો ઉછાળીને ખાંધા વકીલોની જેમ સામસામે દલીલો કરવા માંડેલા ને એક વાંદરું તો જજસાહેબની ખુરશી પર ગંભીર મુદ્રામાં બેસીયે ગયેલું! અંતે પોલીસને બોલાવીને વાંદરાઓથી કોર્ટને મુક્ત કરવાવી પડેલી. આમાં આપણાં વિચિત્ર ન્યાયતંત્ર પર કુદરતે કરેલ ક્રૂર મજાક જ છેને?
હવે કંઇ પણ પોસિબલ છે, ન્યાયતંત્ર હોય કે પ્રજાતંત્ર!
ઇંટરવલ:
જબ પ્રપંચ કે જાવ પાર,
ઉસમેં નહીં ભીતર ઔર બહાર. (અખો)
અગાઉ ઉજ્જૈન પાસે શાહજાહાંપુરમાં અંગુરબાલા નામની મહિલાને મોડી રાત્રે કોઇ કિડનેપરનો ફોન આવ્યો: ‘તારી ૪ ભેંસ અમે કિડનેપ કરી છે. ગયા વરસે પણ અમે જ કિડનેપ કરેલી ને ત્યારે તેં જે રકમ ચૂકવેલી એટલામાં આ વખતે નહીં ચાલે, ભેંસ દીઠ ૬૦,૦૦૦ ‘એટલે કે ૨.૪૦ લાખ રૂપિયા મોકલ!’ વરસ અગાઉ અંગુરબાલાએ ધમકીઓથી ડરીને, પાડોશીઓની મદદથી કિડનેપરો સાથે સમાધાન કરીને ૧,૩૫,૦૦૦ રૂ.માં ભેંસોને કિડનેપર પાસેથી છોડાવેલી પણ આ વખતે તેણે તબેલામાં સી.સી. ટીવી કેમેરા મૂકેલા ને ફોન પણ ટેપ કરેલા એટલે પોલીસને કહ્યું: ‘આ વખતે ગમે તે થાય કિડનેપરોને
પકડીને જ આપો!’ પણ શાહજહાંપુરના એસ.પી. શ્રીવાસ્તવજીએ કહ્યું, “બધી ભેંસ સરખી જ દેખાતી હોવાથી ખોવાયેલી ભેંસોને શોધવામાં બહુ તકલીફ થાય છે.
અમે શું કરીએ? વળી ઘણીવાર ભેંસો પોતે પણ અમસ્તી ભાગી જતી હોય છે ને એ કોઇના હાથમાં લાગે પછી પાછી ના પણ આપે! વાત સાચી છે. ભેંસનું તો ‘આધાર કાર્ડ’ કે આંગળાંની છાપ તો હોઇ નહીં તો શોધવી કઇ રીતે? અમે તો કહીએ છીએ કે ભેંસ પર પણ ગાડીઓની જેમ નંબર-પ્લેટ લગાડી દેવી જોઇએ!
એની વે, કિડનેપિંગના અજીબ કિસ્સાઓ જગતભરમાં બનતા રહે છે. હોલીવૂડના એક વિખ્યાત ફિલ્મી લેખક હતા, જે ક્રાઇમ-થ્રિલરમાં ઉસ્તાદ હતા એમની ગુનાખોરીની નવલકથાઓ પણ પ્રચૂર પોપ્યુલર હતી. એ લેખકનો દીકરો એક દિન અચાનક ગુમ થઇ ગયો, ખૂબ તપાસ કરીને પછી લાગ્યું કે કદાચ એ કિડનેપ થયો હશે પણ કિડનેપરે પૈસાની કોઇ ડિમાંડ કરતો ફોન નહોતો કર્યો કે ચિઠ્ઠી નહોતી મોકલી પણ વિચિત્ર રીતે, લેખકને ત્યાં કિડનેપરો સામે ચાલીને આવ્યા ને કહ્યું: “અમને પૈસા જોઇતા નથી, તમારો દીકરો તો જ જીવતો આવશે જો તમે અમને બેંક લૂંટી આપવાનો સજ્જડ પ્લાન ૨૪ કલાકમાં બનાવી આપો! હવે કેવી રીતે એ લેખક પ્લાન બનાવે પણ છે અને પોલીસને બોલાવીને કિડનેપરોને પકડાવે પણ છે અને દીકરાને છોડાવે પણ છે, એ કમાલની ઘટના પછી એના પર સફળ નાટક પણ લખાયેલું.
હવે તો લગભગ દરેક ઇલેક્શન પછી, દરેક પાર્ટીવાળા, પોતપોતાના એમ.એલ.એ. લોકોને રિસોર્ટમાં લગભગ ‘ઇમોશનલી’ કે ‘ઇકોનોમિકલી’ કિડનેપ કરીને લઇ જ જાય છે જેથી તેઓ બીજી પાર્ટીમાં ભાગી ના જાય. તો પછી હવે દરેક પાર્ટીવાળાઓએ, પાર્ટીની ભવ્ય ઑફિસની જેમ એમ.એલ.એ. લોકોને કિડનેપ કરવા માટે પોતપોતાના રીતસરના પોશ પ્રાઇવેટ રિસોર્ટ્ઝ બનાવી જ લેવા જોઇએ એટલે દર વખતની માથાકૂટ જ મટે!
ઇલેક્શન કમિશને પણ હવે આવા લોકતાંત્રિક કિડનેપિંગની પ્રોપર છૂટ આપી દેવી જોઇએ. અરે, આઝાદ દેશના લોકતંત્રમાં આટલી દાદાગીરીની તો આઝાદી હોવી જ જોઇએને?
યારોં, બીજું બધું તો ઠીક પણ આ કમબખ્ત જગત, જીવનની આપાધાપીમાં તમારા સપનાંઓ કે અરમાનો કિડનેપ ના કરી લે એનું ધ્યાન રાખજો.
એંડ-ટાઇટલ્સ:
ઈવ: મને કોઇ કિડનેપ કરે તો?
આદમ: ખોટી આશાઓ ના આપ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular