જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે દેશના ૪૯મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા

દેશ વિદેશ

નવી દિલ્હી: જસ્ટિસ યુ. યુ. લલિતે દેશના ૪૯મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ક્રિમિનલ લોના નિષ્ણાત માનવામાં આવે છે.
જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે જસ્ટિસ એન.વી. રમણ્ણાનું સ્થાન લીધું જેઓ ગઈકાલે ૨૬ ઑગસ્ટના રોજ ચીફ જસ્ટિસ તરીકે નિવૃત્ત થયા હતા. શુક્રવારે જસ્ટિસ એન.વી. રમણ્ણાના વિદાય સમારંભમાં બોલતી વખતે જસ્ટિસ યુ. યુ. લલિતે જણાવ્યું હતું કે તેઓ મુખ્ય ન્યાયાધીશ તરીકેના તેમના ૭૪ દિવસના કાર્યકાળ દરમિયાન
ત્રણ ક્ષેત્રો પર કામ કરવાની ઈચ્છા ધરાવે છે.
તેઓ સુનિશ્ર્ચિત કરવા માટે સખત મહેનત કરશે કે સુપ્રીમ કોર્ટમાં ઓછામાં ઓછી એક બંધારણીય બેંચ સમગ્ર વર્ષ દરમિયાન કાર્ય કરે. આ ઉપરાંત ટોચની અદાલતમાં સુનાવણી માટેના મુદ્દાઓની સૂચિ અને તાત્કાલિક બાબતોનો ઉલ્લેખ તેમની પ્રાથમિકતાઓમાંથી એક હશે.
જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ક્રિમિનલ લોના નિષ્ણાત માનવામાં આવે છે. ૧૩ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ તેમની બારમાંથી સીધા સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઇ હતી. ત્યારબાદ મે, ૨૦૨૧માં તેમની નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશો હેઠળ તમામ ૨-જી કેસોમાં સીબીઆઇના સરકારી વકીલ તરીકે ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.