આપણામાંથી ઘણા લોકોને ભૂખ લાગે ત્યારે કંઈકને કંઈક ખાવા જોઈતું જ હોય છે, પણ ઘણી વખત એવું પણ બને છે કે એ સમયે કંઈ ખાવા નથી મળતું અને પછી આપણી ભૂખ મરી જાય છે. આ ઉપરાંત જ્યારે આપણે ભૂખ્યા હોઈએ છીએ, ત્યારે આપણે એ વસ્તુઓ ખાવા પણ માટે તૈયાર થઈ જઈએ છીએ કે જે આપણને બિલકુલ પસંદ નથી.
બાય ધ વે, આજકાલ તો દરેક ગલી-ગલીઓમાં નવી રેસ્ટોરાં ખુલી ગઈ છે એટલે આ રીતે ભૂખ મારવાનો સવાલ તો આવતો જ નથી. પરંતુ ઘણી વખત આપણે એવી પરિસ્થિતિમાં અટવાઈ જઈએ છીએ જ્યારે આપણી આસપાસ ખાવા માટે કંઈ જ ન હોય અને ખાણીપીણીની દુકાનો પણ બંધ હોય. આવી પરિસ્થિતિમાં, જ્યારે ભૂખ લાગે છે, ત્યારે સ્ટેમિના પણ જવાબ આપી દે છે. પરંતુ શું તમે જાણો છો કે આવી સ્થિતિમાં તમારા મનપસંદ ફૂડનો ફોટો જોઈ લો તો પણ તમારું પેટ ભરાઈ જાય છે, અને આવું અમે નહીં પણ તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું.
તમને કદાચ સાંભળવામાં આ વાત વિચિત્ર લાગી શકે છે અને પહેલી વખતમાં તો તમને આ વાત પર વિશ્વાસ ના પણ થાય પણ એક અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મનપસંદ ફૂડનો ફોટો જોઈને પણ ભૂખ મટાડી શકાય છે. એક જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, તમે જેટલી વાર ફૂડનો ફોટો જુઓ છો, તેટલી જ તમારી ભૂખ ઓછી થાય છે.
આ અભ્યાસના લેખક, જાર્ક એન્ડરસને કહ્યું કે આ સંશોધનના પરિણામો અનુસાર આ અભ્યાસમાં ભાગ લેનારા લોકોએ 30થી વધુ વખત પોતાના મનપસંદ ફૂડનો ફોટો જોયો તેમને તેમના પેટ ભરાઈ ગયું હોવાનો અહેસાસ થયો હતો. આ અભ્યાસ દરમિયાન, જે લોકોએ ઘણી વખત ખોરાકની તસવીર જોઈ હતી, તેઓએ ખાવા માટે ઓછો ખોરાક લીધો હતો અને અભ્યાસમાં સામેલ લોકો કંઈ પણ ખાધા વિના જ પેટ ભરેલું હોવાનું અનુભવી રહ્યા હતા.
આરહસ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, તમે મગજ સંશોધનમાં ‘ગ્રાઉન્ડેડ કોગ્નિશન થિયરી’ સાથે આ અભ્યાસના પરિણામોને વધુ સારી રીતે સમજી શકો છો. ચાલો, કલ્પના કરો કે તમે કાચી કેરીની સ્લાઈસ તેના પર થોડું મરચું અને મીઠું છાંટીને ખાઈ રહ્યા છો. માત્ર કલ્પના કરવાથી જ તમને એવો અહેસાસ થવા લાગશે કે તમે હકીકતમાં કાચી કેરી ખાઈ રહ્યા છો. જાર્ક એન્ડરસને વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ખોરાકની કલ્પના કરીને પણ તમને એ જ પ્રતિસાદ મળશે, જે તમને હકીકતમાં ભોજન ખાવાથી મળે છે. આ જ કારણ છે કે તમે ફૂડનો ફોટો જોઈને પણ પેટ ભરેલું અનુભવી શકો છો.