ગાંધીજી વિશેષ -આશુ પટેલ
ગાંધીજીએ જેમ સત્યના પ્રયોગો કર્યા એમ ‘હઠના પ્રયોગો’ પણ ખૂબ કર્યા હતા. આ અમે નથી કહેતા. ખુદ ગાંધીજીએ તેમની આત્મકથામાં તેમની હઠ વિશે ઘણી વાતો લખી છે. અહિંસક ગાંધીવાદી ભક્તો હિંસક બનીને અમારા પર તૂટી ન પડે એટલે ચોખવટ કરી લઈએ કે અહીં જે શબ્દો છે એ ગાંધીજીએ પોતે લખ્યા છે અમારા શબ્દો નથી અવતરણ ચિમાં છે એ ગાંધીજીના શબ્દો છે. આવી ચોખવટ એટલા વાસ્તે કરવી પડે છે કે એક ગાંધીવાદી સજજને મુંબઈની લોકલ ટ્રેનમાં ગાંધીજી વિશે ચર્ચા કરતી વખતે ઉશ્કેરાઈને મને કહ્યું હતું કે ‘હું તને ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દઈશ!’
ગાંધીજી ઘણી વખત હઠે ભરાતા હતા. અને તેમણે હઠ શબ્દનો ઉપયોગ કરીને તેમની આત્મકથા અથવા ‘સત્યના પ્રયોગો’ પુસ્તકમાં અનેક કિસ્સાઓ લખ્યા છે.
ગાંધીજીના અતિથિ તેમના ઘરે આવે અને તે અતિથિ વાસણમાં લઘુશંકા કરે એ ગંદકી સાફ કરવાની જવાબદારી કસ્તૂરબાને સોંપતા હતા. કસ્તુરબાએ એક વખત કચવાતા મને એ મુદ્દે વિરોધ નોંધાવ્યો ત્યારે ગાંધીજી તેમને ઘર બહાર તગડી મૂકવા તૈયાર થઈ ગયા હતા. એ કિસ્સો તેમના જ શબ્દોમાં વાંચો:
જ્યારે હું ડરબનમાં વકીલાત કરતો ત્યારે ઘણી વાર મહેતાઓ મારી સાથે રહેતા તેમાં હિંદુ અને ખ્રિસ્તી હતા, અથવા પ્રાંતવાર કહીએ તો ગુજરાતી અને મદ્રાસી હતા. તેમને વિષે મારા મનમાં કદી ભેદભાવ ઊપજ્યાનું મને સ્મરણ નથી. તેમને હું કુટુંબીજન ગણતોને જો પત્ની તરફથી તેમાં કંઈ વિઘ્ન આવે તો તેની જોડે લડતો. એક મહેતો ખ્રિસ્તી હતો. તેનાં માતાપિતા પંચમ જાતિનાં હતાં. ઘરની બાંધણી પશ્ર્ચિમ ઘાટની હતી. તેમાં કોટડીઓમાં ખાળ હોતા નથી હોવા પણ ન જોઈએ એમ હું માનું છું- તેથી દરેક કોટડીમાં મોરીને બદલે પેશાબને સારુ વાસણ હોય છે. તે ઉપાડવાનું કામ નોકરનું નહોતું, પણ અમારું ધણીધણિયાણીનું હતું. મહેતાઓ જે પોતાને ઘરના જેવા માનતા થઈ જાય તે તો પોતાનું વાસણ પોતે ઉપાડે પણ ખરા. આ પંચમ કુળમાં જન્મેલ મહેતા નવા હતા. તેમનું વાસણ અમારે જ ઉપાડવું જોઈએ. બીજાં તો કસ્તૂરબાઈ ઉપાડતી, તેને ન પાલવે, તેને પોતાને ઉપાડવું ભારે થઈ પડ્યું. આંખમાંથી મોતીનાં બિંદુ ટપકાવતી, હાથમાં વાસણ ઝાલતી, અને મને પોતાની લાલ આંખોથી ઠપકો આપતી સીડીએથી ઊતરતી કસ્તૂરબાઈને હું આજે પણ ચીતરી શકું છું.
પણ હું તો જેવો પ્રેમાળ તેવો ઘાતકી પતિ હતો. મને પોતાને હું તેનો શિક્ષક પણ માનતો ને તેથી મારા અંધ પ્રેમને વશ થઈ સારી પેઠે પજવતો.
આમ તેના માત્ર વાસણ ઊંચકી જવાથી મને સંતોષ ન થયો. તે હસતે મુખે લઈ જાય તો જ મને સંતોષ થાય. એટલે મેં બે બોલ ઊંચે સાદે કહ્યા. ‘આ કંકાસ મારા ઘરમાં નહીં ચાલે,’ હું બબડી ઊઠ્યો.
આ વચન તીરની જેમ ખૂંચ્યું.
પત્ની ધગી ઊઠી : ‘ત્યારે તમારું ઘર તમારી પાસે રાખો, હું ચાલી.’
હું તો ઈશ્ર્વરને ભૂલ્યો હતો. દયાનો છાંટો સરખો નહોતો રહ્યો. મેં હાથ ઝાલ્યો. સીડીની સામે જ બહાર નીકળવાનો દરવાજો હતો. હું આ રાંક અબળાને પકડીને દરવાજા લગી ખેંચી ગયો. દરવાજો અરધો ઉઘાડ્યો.
આંખમાંથી ગંગાજમના વહી રહ્યાં હતાં, અને કસ્તૂરબાઈ બોલી:
‘તમને તો લાજ નથી. મને છે. જરા તો શરમાઓ. હું બહાર નીકળીને ક્યાં જવાની હતી? અહીં માબાપ નથી કે ત્યાં જાઉં. હું બાયડી થઈ એટલે મારે તમારા ધુંબા ખાવા જ રહ્યા. હવે લજવાઓ ને બારણું બંધ કરો. કોઈ જોશે તો બેમાંથી એકે નહીં શોભીએ.’
મેં મોં તો લાલ રાખ્યું, પણ શરમાયો ખરો. દરવાજો બંધ કર્યો. જો પત્ની મને છોડી શકે તેમ નહોતી તો હું પણ તેને છોડીને ક્યાં જનારો હતો? અમારી વચ્ચે કજિયા તો પુષ્કળ થયા છે, પણ પરિણામ હંમેશાં કુશળ જ આવ્યું છે. પત્નીએ પોતાની અદ્ભુત સહનશક્તિથી જીત મેળવી છે.
ગાંધીજીએ જ્યારે બ્રહ્મચર્યનું વ્રત લેવાનું નક્કી કર્યું એ વખતે કસ્તૂરબાની ઈચ્છા જાણવાની તસ્દી દીધી નહોતી એ પણ તેમણે પોતે જ પોતાના શબ્દોમાં કહ્યું છે. એ વિશે વાત કરતા તેમણે લખ્યું છે :
મારે સારુ બ્રહ્મચર્યનું પાલન સુલભ હતું. મારી અશક્તિ અથવા આસક્તિ જ મને રોકી રહી હતી.
હું જાગ્રત થયા પછી બે વખત તો નિષ્ફળ જ ગયો. પ્રયત્ન કરું પણ પડું. પ્રયત્નમાં મુખ્ય હેતુ ઊંચો નહોતો. મુખ્ય હેતુ પ્રજોતપતિ અટકાવવાનો હતો. તેના બાહ્યોપચારો વિષે કંઈક મેં વિલાયતમાં વાંચ્યું હતું. દાક્તર ઍલિન્સનના એ ઉપાયોના પ્રચારનો ઉલ્લેખ હું અણ્ણાહારવાળા પ્રકરણમાં કરી ચૂક્યો છું. તેની કંઈક અને ક્ષણિક અસર મારા ઉપર થયેલી. પણ મિ. હિલ્સના તેના વિરોધની
અને આંતરસાધનના સંયમના સમર્થનની અસર ઘણી વધારે નીવડી અને અનુભવે ચિરસ્થાયી બની. તેથી પ્રજોતપતિની અનાવશ્યકતા સમજાતાં સંયમપાલનનો પ્રયત્ન આદર્યો.
સંયમપાલનની મુશ્કેલીઓનો પાર નહોતો. નોખા ખાટલા રાખ્યા. રાત્રે થાકીને જ સૂવાનો પ્રયત્ન કર્યો. આ બધા પ્રયત્નનું બહુ પરિણામ હું તુરત ન જોઈ શક્યો. પણ આજે ભૂતકાળની ઉપર આંખ ફેરવતાં જોઉં છું કે એ બધા પ્રયત્નોએ મને છેવટનું બળ આપ્યું.
અંતિમ નિશ્ર્ચય તો છેક ૧૯૦૬ની સાલમાં જ કરી શક્યો. તે વખતે સત્યાગ્રહનો આરંભ નહોતો થયો. તેનું મને સ્વપ્ન સરખુંયે નહોતું. બોઅર યુદ્ધ પછી નાતાલમાં ઝૂલુ ‘બળવો’ થયો. એ વેળા હું જોહાનિસબર્ગમાં વકીલાત કરતો હતો. પણ મને લાગ્યું કે મારે તે ‘બળવા’ને અંગે પણ મારી સેવા નાતાલ સરકારને અર્પવી જોઈએ. મેં તે અર્પી. તે કબૂલ થઈ. તેનું વર્ણન હવે પછી આવશે. પણ આ સેવાને અંગે મને તીવ્ર વિચારો કરી. મને લાગ્યું કે પ્રજોતપતિ અને પ્રજાઉછેર જાહેરસેવાનાં વિરોધી છે. આ ‘બળવા’માં દાખલ થવા સારુ મારે મારું જોહાનિસબર્ગનું ઘર વીંખવું પડ્યું હતું. ટાપટીપથી વસાવેલા ઘરનો અને રાચરચીલાનો, તે વસાવ્યાં માંડ મહિનો થયો હશે તેટલામાં, મેં ત્યાગ કર્યો. પત્નીને અને બાળકોને ફીનિક્સમાં રાખ્યાં, ને હું ભાઈની ટુકડી લઈને નીકળી પડ્યો. કઠણ કૂચો કરતાં મેં જોયું કે, જો મારે લોકસેવામાં જ તન્મય થઈ જવું હોય તો પુત્રેષણા તેમ જ વિતૈષણાનો ત્યાગ કરવો જોઈએ, અને વાનપ્રસ્થધર્મનું પાલન કરવું જોઈએ.
સારી પેઠે ચર્ચા કર્યા પછી અને પુખ્ત વિચારો કર્યા પછી સને ૧૯૦૬ની સાલમાં વ્રત લીધું. વ્રત લેતાં લગી મેં ધર્મપત્ની સાથે મસલત નહોતી કરી; પણ વ્રતને સમયે કરી. તેના તરફથી મને કશો વિરોધ ન થયો.
આ વ્રત લેતાં તો મને બહુ ભારે પડ્યું. મારી શક્તિ ઓછી હતી. વિકારોને દબાવવાનું કેમ બનશે? સ્વપત્નીની સાથે વિકારી સંબંધનો ત્યાગ એ નવાઈની વાત લાગતી હતી. છતાં એ જ મારું કર્તવ્ય હતું એ હું સ્પષ્ટ જોઈ શકતો હતો. મારી દાનત શુદ્ધ હતી. શક્તિ ઈશ્ર્વર આપી રહેશે એમ વિચારી મેં ઝંપલાવ્યું.
૦૦૦
ગાંધીજીની ઘણી હઠ સાચી પણ હતી, પરંતુ તેમની અમુક હઠને કારણે તેમની આજુબાજુની વ્યક્તિઓએ સહન કરવું પડે એવું પણ બનતું હતું. એક વખત ગાંધીજીના પુત્ર મણિલાલની તબિયત ખરાબ થઈ ગઈ અને સ્થિતિ ચિંતાજનક હતી એ વખતે ડૉકટરોએ તેમને ભારપૂર્વક કહ્યું હતું કે તમારા દીકરાને ઈંડાનું સેવન કરાવવું પડશે અને મરઘાનો સેરવો આપવો પડશે ત્યારે ગાંધીજીએ હઠ પકડી હતી કે હું કોઈ કાળે નહીં થવા દઉં. એ કિસ્સો પણ તેમણે આત્મકથામાં આ રીતે લખ્યો છે:
મેં ઑફિસ લીધી તેમ ગિરગામમાં ઘર લીધું. પણ ઈશ્ર્વરે મને સ્થિર થવા ન દીધો. ઘર લીધાને બહુ દિવસ નહોતા થયા તેટલામાં જ મારો બીજો દીકરો સખત બીમારીથી ઘવાયો. તેને કાળજવરે ઘેર્યો. તાવ ઊતરે નહીં. મૂંઝારો પણ સાથે, અને રાત્રે ન્નિપાતનાં ચિ પણ જણાયાં. આ વ્યાધિ પૂર્વે બચપણમાં તેને શીતળા પણ ખૂબ નીકળેળા.
દાક્તરની સલાહ લીધી. દાક્તરે કહ્યું : ‘તેને સારુ દવા થોડું જ કામ કરશે. તેને ઈંડાં અને મરઘીનો સેરવો આપવાની જરૂર છે.’
મણિલાલની ઉંમર દસ વર્ષની હતી. તેને તો મારે શું પૂછવાપણું હોય? હું તેનો વાલી રહ્યો. મારે જ નિર્ણય કરવો રહ્યો. દાક્તર એક બહુ ભલા પારસી હતા. ‘દાક્તર, અમે તો બધાં અણ્ણાહારી છીએ. મારો વિચાર મારા દીકરાને એ બેમાંથી એક વસ્તુ આપવાનો નથી થતો. બીજું કંઈ ન બતાવો?’
દાક્તર બોલ્યા, ‘તમારા દીકરાનો જાન જોખમમાં છે. દૂધ અને પાણી મેળવીને અપાય, પણ તેથી તેનું પૂરું પોષણ નહીં થઈ શકે. તમે જાણો છો તેમ, હું તો ઘણાં હિંદુ કુટુંબોમાં જાઉં છું. પણ દવાને સારુ તો અમે ગમે તે વસ્તુ આપીએ તે તેઓ લે છે. મને તો લાગે છે કે, તમે તમારા દીકરા ઉપર આવી સખતી ન કરો તો સારું.’
‘તમે કહો છો એ સાચું જ છે. તમારે એમ જ કહેવું ઘટે. મારી જવાબદારી બહુ મોટી છે. દીકરો મોટો થયો હોત તો તો હું જરૂર તેની મરજી જાણવા પ્રયત્ન કરત ને તે ઈચ્છત તેમ કરવા દેત. અહીં તો મારે જ આ બાળકને સારુ વિચાર કરવાનું રહ્યું. મને તો લાગે છે કે મનુષ્યના ધર્મની કસોટી આવે જ સમયે થાય. ખરોખોટો પણ મેં એવો ધર્મ માન્યો છે કે, મનુષ્યે માંસાદિક ન ખાવાં જોઈએ. જીવનનાં સાધનોની પણ હદ હોય. જીવવાને ખાતર પણ અમુક વસ્તુઓ આપણે ન કરીએ. મારા ધર્મની મર્યાદા મને, મારે સારુ ને મારાને સારુ, આવે વખતે પણ માંસ ઇત્યાદીનો ઉપયોગ કરતાં રોકે છે. એટલે મારે તમે ધારો છો તે જોખમ વેઠયે જ છૂટકો છે. પણ તમારી પાસેથી એક વસ્તુ માગી લઉં છું. તમારા ઉપચારો તો હું નહીં કરું, પણ મને આ બાળકની છાતી, નાડ ઈત્યાદિ તપાસતાં નહીં આવડે. મને પોતાને પાણીના ઉપચારોની થોડી ગમ છે. તે ઉપચારો કરવા હું ધારું છું. પણ જો તમે અવારનવાર મણિલાલની તબિયત જોવા આવતા રહેશો ને તેના શરીરમાં થતા ફેરફારોની મને ખબર આપશો, તો હું તમારો આભાર માનીશ.
ભલા દાક્તર મારી મુશ્કેલી સમજ્યા ને મારી માગણી મુજબ મણિલાલને જોવા આવવા કબૂલ કર્યું.
જોકે મણિલાલ પોતાની પસંદગી કરી શકે એમ તો નહોતું, છતાં મેં તેને દાક્તરની સાથે થયેલી વાર કરી ને તેનો વિચાર જણાવવા કહ્યું.
‘તમે પાણીના ઉપયોગ સુખેથી કરો. મારે સેરવો નથી પીવો ને ઈંડાં નથી ખાવાં.’
આ વચનથી હું રાજી થયો. જોકે હું સમજતો હતો કે, જો મેં તેને એ બન્ને ચીજ ખવડાવી હોત તો તે ખાત પણ ખરો.
આવું જ કસ્તૂરબાની બીમારી વખતે પણ બન્યું હતું. વાંચો ગાંધીજીના શબ્દોમાં:
પેલી શક્રિયા પછી જોકે કસ્તૂરબાઈને રક્તાવ થોડા સમયને સારુ બંધ રહ્યો હતો પણ પાછો તેણે ઊથલો માર્યો. તે કેમેય મટે નહીં. નકરા પાણીના ઉપચારો વ્યર્થ નીવડ્યા. પત્નીને જોકે મારા ઉપચારો ઉપર ઝાઝી આસ્થા નહોતી છતાં તેનો તિરસ્કાર પણ નહોતો. બીજી દવા કરવાનો આગ્રહ નહોતો છતાં તેને જ્યારે મારા બીજા ઉપચારોમાં સફળતા ન મળી ત્યારે મેં તેને મીઠું અને કઠોળ છોડવા વીનવી. બહુ મનાવતા છતાં, મારા કથનના ટેકામાં કંઈ કંઈ વંચાવતાં, માને નહીં, છેવટે તેણે કહ્યું, ‘કઠોળ ને મીઠું છોડવાનું તો તમને કોઈ કહે તો તમે પણ ન છોડો’ મને દુ:ખ થયું ને હર્ષ પણ થયો. મારો પ્રેમ ઠલવવાનો મને પ્રસંગ મળ્યો. તે હર્ષમાં મેં તુરત જ કહ્યું, ‘તારી માન્યતા ભૂલભરેલી છે. ‘મને દરદ હોય ને વૈદ આ વસ્તુ કે બીજી કોઈ વસ્તુ છોડવાનું કહે તો જરૂર છોડી દઉં. પણ જા. મેં તો એક વર્ષને સારુ કઠોળ અને મીઠું બન્ને છોડયાં. તું છોડે કે ન છોડે એ નોખી વાત છે.’
પત્નીને ભારે પશ્ર્ચાતાપ થયો. તે બોલી ઊઠી, ‘મને માફ કરો. તમારો સ્વભાવ જાણતા છતાં કહેતાં કહેવાઈ ગયું. હવે હું તો કઠોળ ને મીઠું નહીં ખાઉં. પણ તમે તો તમારું વેણ પાછું ખેંચી લો. આ તો મને બહુ સજા કહેવાય.’
મેં કહ્યું : ‘તું કઠોળ મીઠું છોડશે તો તો બહુ જ સારું. મારી ખાતરી છે કે તેથી તને ફાયદો જ થશે. પણ લેવાયેલી પ્રતિજ્ઞા મારાથી ફેરવાય નહીં. મને તે લાભ જ થવાનો. ગમે તે નિમિત્તે માણસ સંયમ પાળે તોયે તેમાં લાભ જ છે. એટલે તું મને આગ્રહ ન કરજે. વળી મને પણ મારી પરીક્ષા થઈ રહેશે, ને તે બે વસ્તુઓ છોડવાનો જે નિશ્ર્ચય તેં કર્યો છે તેમાં કાયમ રહેવામાં તને મદદ મળશે.’ આ પછી મને મનાવવાપણું તો રહ્યું જ નહીં.
‘તમે તો બહુ હઠીલા છો. કોઈનું માનવું જ નહીં,’ કહી ખોબો આંસુ ઢાળી શાંત રહી.
૦૦૦
ગાંધીજી સંતાનોને બાળપણમાં અંગ્રેજી ભાષા શીખવવાના વિરોધી પણ હતા. એ વિષે તેમણે લખ્યું છે:
પોલાક અને મારી વચ્ચે આ બાળકોની અંગ્રેજી કેળવણી વિષે કેટલીક વાર તીખો સંવાદ થયેલો. મેં અસલથી જ માનેલું છે કે, જે હિંદી માબાપો પોતાનાં બાળકોને બચપણથી જ અંગ્રેજી બોલતાં કરી મૂકે છે તેઓ તેમનો અને દેશનો દ્રોહ કરે છે. મેં એમ પણ માન્યું છે કે, આથી બાળકો પોતાના દેશના ધાર્મિક અને સામાજિક વારસાથી વંચિત રહે છે, ને તેટલે અંશે દેશની તેમ જ જગતની સેવા કરવા ઓછા લાયક બને છે. આવી માન્યતાને લીધે હું હંમેશાં ઈરાદાપૂર્વક બાળકોની સાથે ગુજરાતીમાં જ વાતો કરતો. પોલાકને આ ન ગમતું. હું બાળકોના ભવિષ્યને બગાડું છું એવી તેમની દલીલ હતી. અંગ્રેજી જેવી વ્યાપક ભાષા બાળકો બચપણથી શીખી લે તો જગતમાં ચાલતી જિંદગીની હરીફાઈમાં તેઓ એક મોટો ટપ્પો સહેજે ઓળંગી જાય, એમ તે મને આગ્રહ અને પ્રેમપૂર્વક સમજાવે. મને એ દલીલ ગળે ન ઊતરી. મને હવે સ્મરણ નથી કે અંતે મારો ઉત્તર તેમને ગળે ઊતરેલો કે તેમણે મારી હઠ જોઈને શાંતિ પકડેલી. આ સંવાદને લગભગ વીસ વર્ષ થયાં. છતાં મારા આ વિચારો જે મેં તે વેળા ધરાવેલા તે જ અનુભવે વધારે દ્રઢ થયા છે. અને જોકે મારા પુત્રો અક્ષરજ્ઞાનમાં કાચા રહી ગયા છે, છતાં માતૃભાષાનું સામાન્ય જ્ઞાન સહેજે પામી શક્યા તેથી તેમને અને દેશને લાભ જ થયો છે ને અત્યારે તેઓ પરદેશી જેવા નથી થઈ રહ્યા. તેઓ દ્વિભાષિયા તો સહેજે થયા, કેમ કે મોટા અંગ્રેજ મિત્રમંડળના સહવાસમાં આવવાથી ને જ્યાં વિશેષ અંગ્રેજી બોલવામાં આવે એવા દેશમાં રહેવાથી અંગ્રેજી બોલતા ને સામાન્ય લખતા થઈ ગયા.
૦૦૦
ફરી કહું છું કે અહીં માત્ર ગાંધીજીના જ શબ્દો ટાંકીને વાત કરી છે ગાંધીજી એક માનવ હતા અને તેમની માનવસહજ નબળાઈઓ હતી એ નબળાઈઓ તેમણે પોતે પણ સ્વીકારી હતી અને તેમની એ જ વાત તેમને એક માણસ તરીકે ઊંચાઈ પર લઈ ગઈ હતી.