જુનિયર એનટીઆર અને રામ ચરણ અભિનીત એસ. એસ. રાજામૌલીની ‘આરઆરઆર’ વિશ્ર્વભરમાં વખણાઈ રહી છે. આ ફિલ્મે ભારતીય સિનેમાને ફરી આંતરરાષ્ટ્રીય મંચ પર લાવવામાં સફળતા મેળવી છે. લોકપ્રિય અમેરિકન મીડિયા કંપની વેરાયટીએ તેની ઓસ્કાર ૨૦૨૩ની આગાહી યાદીમાં શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં સંભવિત દાવેદાર તરીકે જુનિયર એનટીઆરનો ઉલ્લેખ કર્યો છે ત્યારે એવું લાગે છે કે ઓસ્કાર ૨૦૨૩માં RRR મુખ્ય
દાવેદાર હશે.
વેરાયટી મીડિયા હાઉસ દ્વારા બનાવવામાં આવેલી ઓસ્કાર માટે શ્રેષ્ઠ અભિનેતાની આગાહીની યાદીમાં, જુનિયર એનટીઆરને RRRમાં તેના અદ્ભુત અભિનય માટે સ્થાન મળ્યું છે. આ સાથે જુનિયર એનટીઆર મીડિયા હાઉસ દ્વારા ઓસ્કરની આગાહી યાદીમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય અભિનેતા બન્યો છે. તે ઉપરાંત શ્રેષ્ઠ નિર્દેશકની યાદીમાં એસ. એસ. રાજામૌલીનું નામ સામેલ કરવામાં આવ્યું છે અને શ્રેષ્ઠ ફિલ્મમાં ‘આરઆરઆર’નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જુનિયર એનટીઆરના ચાહકો પોતાના મનપસંદ અભિનેતાનું નામ યાદીમાં જોઈને આનંદિત થઈ ગયા હતા. તેઓએ પોતાનો આનંદ વ્યક્ત કરવા ટ્વિટરનો સહારો લીધો હતો.
દિગ્દર્શક એસ. એસ. રાજામૌલીની ‘આરઆરઆર’ એ બે તેલુગુ સ્વાતંત્ર્યસેનાની અલુરી સીતારામા રાજુ અને કોમારામ ભીમના જીવન પર આધારિત કાલ્પનિક વાર્તા છે. આ બે ભૂમિકાઓ અનુક્રમે રામ ચરણ અને જુનિયર એનટીઆર દ્વારા ભજવવામાં આવી હતી. RRR ફિલ્મ જંગી સફળતા મેળવીને વિશ્ર્વભરમાં રૂ. ૧,૧૦૦ કરોડથી વધુની કમાણી કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મ ડીવીવી દનૈયા દ્વારા રૂ. ૫૫૦ કરોડથી વધુના જંગી બજેટમાં બનાવવામાં આવી છે.

Google search engine