આચમન -કબીર સી. લાલાણી
પંજાબમાં લાલા સંતરામ નામે એક વેપારી થઈ ગયા. તે રેશમનો વેપાર કરતા હતા. રેશમ સાફ કરતા જે કચરો નીકળતો, બધો ભેગો કરીને તે વેચી દેતા. એમાં એક ઘરડો માણસ કાયમનો ગ્રાહક થઈ ગયો હતો. લાલા સંતરામ તેને ઓળખતા હતા.
એક ભાઈએ લાલાજીને એ ઘરડા માણસ વિશે કહ્યું-‘લાલાજી, એ ડોસાની દીકરી ઉંમરલાયક થઈ ગઈ છે. દીકરીનાં લગ્ન માટે એની પાસે પૂરતું ધન નથી એટલે ડોસો ખૂબ ચિંતામાં છે.’ એટલું કહીને એ ભાઈ લાલાજી શું કહે છે તેની રાહ જોવા લાગ્યા.
પણ લાલાજી તો શાંત બેસી રહ્યા. એટલે પેલા ભાઈએ કહ્યું, ‘લાલાજી’ તમે એને થોડી મદદ કરો તો કેવું સારું! એ તમારો કાયમનો ગ્રાહક છે. એની પાસે થોડીથોડી રકમ વસૂલ કરતા રહેજો. ડોસાની દીકરી ઠેકાણે પડી જશે. તમને પૂણ્ય મળશે.’
લાલા સંતરામજીએ સાંભળીને બોલ્યા-ભાઈ, તમારી વાત બરોબર છે, પણ હું આમ બધાને મદદ કરીશ એટલે બીજા પણ મારી પાસે આવશે. બધાને હું ક્યાંથી પહોંચી વળું? હું ડોસાને આપીઆપીને કેટલું આપી શકું? પાંચ-પંદર રૂપિયાની વાત હોય તો સમજ્યા. પણ આ તો બસો-ત્રણસો રૂપિયા હોય તો લગ્નનું કામ પાર પડે. એટલું બધું મારું ગજું નથી.
એ ભાઈએ બહુ ખેંચ્યું નહીં:
થોડા દિવસ પછી પેલો ઘરડો માણસ કચરો ખરીદવા આવ્યો. લાલાજીએ તેને કહ્યું-‘ચાચા! હાલ દુકાનમાં રેશમનો કચરો જરા પણ નથી. પણ હા, મારે ત્યાં રેશમની એક ગાંસડી છે. તેને ઉંદરો કાતરી ગયા છે. એ તમારે લેવી છે? એમાંથી સારો માલ નીકળે એટલો વેચવા કાઢજો. એમાં કેટલો બગાડ થયો છે એનો મને જરાય ખયાલ નથી. તમે એ ગાંસડીના પૈસા સામટા નહીં આપો તો ચાલશે.’
ગાંસડીના સો રૂપિયા આપવાનું ઠરાવ્યું. લાલાજીએ તે કબૂલ કર્યું.
ડોસો પેલી ગાંસડી ખોલી અંદરનો માલ તપાસવા લાગ્યો. ડોસાએ
જોયું કે માત્ર બે-ત્રણ બંડલ જ કપાયેલાં છે. બાકીનો બધો માલ એકદમ સારો છે.
ડોસો મૂંઝવણમાં પડી ગયો. તે તરત લાલાજીની દુકાને ગયો. બધી વાત કરીને બોલ્યો-‘લાલાજી, તમે કહેતા હો તો તમારી ગાંસડી તમને પાછી આપી દઉં નહીં તો એનો વાજબી ભાવ આપ કહો. હું તમને થોડાથોડા કરીને રકમ ચૂકવી દઈશ…!’
લાલા સંતરામજી સહજ ભાવે બોલ્યા-ભાઈ વેપાર એટલે વેપાર! જે સોદો નક્કી થયો હતો એમાં કશો ફેરફાર ન થાય. મેં તો તમને માલ વેચી દીધો હતો. એમાંથી તમને જે મળે તે તમારું. ધારો કે બધો જ માલ ખરાબ નીકળ્યો હોત તો? હું કંઈ પાછો લેવાનો હતો? સોદામાં બાંધછોડ ન થાય. તમારે મને સો રૂપિયા જ આપવાના!
ડોસાએ એ ગાંસડીનો માલ વેચ્યો, એના પાંચસો રૂપિયા ઊપજ્યા. ડોસાએ નિરાંતે એ રકમમાંથી દીકરીનાં લગ્ન કર્યાં. આ વાત જાણીને પેલા વેપારીનું અંતર આનંદથી ઝૂમી ઊઠ્યું…! સાચી વાત તો એ હતી કે લાલાજીએ પોતે જ ગાંસડીમાં કાતર મૂકી હતી.
બોધ:- દાન લેવું એ ક્યારેય સુખ કર હોતું નથી.
-અને કોઈને પણ દુ:ખ થાય તે રીતે અપાયેલું દાન ક્યારેય ફળતું નથી.
-ક્યારેય કોઈને દાન આપવાની વેળા આવે ત્યારે લેનાર વ્યક્તિને ખબર પણ ન પડે કે તે દાન લઈ રહી છે…
-તો જ તમે આપેલું દાન સાર્થક ઠરશે….
ધર્મતેજ:- ભગવાન ઈસુએ કહ્યું છે કે- ‘તારા જમણા હાથે તું એવી રીતે દાન કર કે તારો ડાબો હાથ પણ એ જાણે નહીં…!’
સનાતન સત્ય:- દાનના માર્ગે યાત્રા કરનારને સહજ રીતે આત્માનો આનંદ અને પરમાત્માનું દર્શન થઈ જાય છે.