Homeદેશ વિદેશપત્રકાર-તસવીરકાર મધુરી કોટકનું અવસાન

પત્રકાર-તસવીરકાર મધુરી કોટકનું અવસાન

મુંબઈ: ગુજરાતી સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના સ્થાપક વજુ કોટકનાં પત્ની તથા ‘ચિત્રલેખા’નાં સહસ્થાપક મધુરીબહેન કોટકનું પાંચ જાન્યુઆરી, ૨૦૨૩ને ગુરુવારના રોજ મોડી સાંજે અવસાન થયું હતું.
રૂપારેલ કુટુંબમાં મધુરીબહેનનો જન્મ ૧ ઑક્ટોબર, ૧૯૩૦ના રોજ ઈરાનમાં થયો હતો. મધુરીબહેનનાં લગ્ન વજુ લખમશી કોટક સાથે થયાં અને એ બન્યાં મધુરી કોટક.
‘ચિત્રલેખા’ના જન્મથી લઈને એ ૭૨ વર્ષનું થયું ત્યાં સુધી એ સતત એની સાથે સંકળાયેલાં રહ્યાં. સાથે સાથે ફિલ્મસામયિક ‘જી’નું વર્ષો સુધી સંપાદન કર્યું.વજુ કોટકની હયાતીમાં ‘ચિત્રલેખા’-‘બીજ’ અને ‘જી’ જેવાં સામયિકોનાં સંપાદન તથા પ્રકાશનકાર્યમાં યથકિંચિત ફાળો આપનાર મધુરીબહેને ૧૯૫૯માં વજુભાઈના આકસ્મિક અવસાન બાદ સામયિકોની સમગ્ર જવાબદારી સંભાળી લીધી. ત્રણ સંતાન મૌલિક કોટક-બિપિન કોટક-રોનક કાપડિયાને ઉછેર્યાં હતાં.
કદાચ સમગ્ર ભારતનાં બીજાં મહિલા તસવીરકાર મધુરીબહેન હતાં.
શુક્રવાર, ૬ જાન્યુઆરીની સવારે મુંબઈમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મધુરીબહેનના જ્યેષ્ઠ પુત્ર અને ‘ચિત્રલેખા’ના ચૅરમૅન મૌલિક કોટકે એમને અગ્નિદાહ આપતાં મધુબહેનનો નશ્ર્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. મધુરીબહેનના અંતિમ સંસ્કાર વખતે એમનાં પુત્રો મૌલિક કોટક -બિપિન કોટક, પુત્રી રોનક ભરત કાપડિયા, પુત્રવધૂ રાજુલ મૌલિક કોટક, રેખા બિપિન કોટક, પૌત્ર અને ‘ચિત્રલેખા’ના વાઈસ-ચૅરમૅન મનન મૌલિક કોટક, અન્ય પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.મધુરીબહેનની પ્રાર્થનાસભા ૯ જાન્યુઆરી ને સોમવારના રોજ સાંજે ૫.૦૦થી ૭.૦૦ મુંબઈના પરા વિલે પારલેના જલારામ હૉલમાં રાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular