શંકરાચાર્યના મઠમાં તિરાડ પડી: અનેક પરિવારનું સ્થળાંતર
દેહરાદૂન: ભેખડો અને જમીન ધસી પડવાની ઘટનાને કારણે જોશીમઠને જોખમી વિસ્તાર જાહેર કરાયો છે અને ત્યાં વસતા લગભગ ૬૦ જેટલા પરિવારને કામચલાઉ રાહત કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે અને વધુ ૯૦ જેટલા પરિવારને ખસેડવાની જરૂર પડશે.
જ્યોર્તિમઠ વિસ્તારમાં આવેલા શંકરાચાર્યના મઠમાં પણ છેલ્લાં ૧૫ દિવસમાં અનેક તિરાડ પડી હોવાનું વરિષ્ઠ અધિકારીઓએ રવિવારે કહ્યું હતું.
આ વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં તિરાડ પડી ગઈ હોવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
લોકોને સલામત સ્થળે ખસેડવા સ્થાનિક વહીવટીતંત્રએ હિમાલયના આ વિસ્તારમાં ચારથી પાંચ રાહત કેન્દ્ર સ્થાપ્યા હોવાનું ગુવહાટીના કમિશનર સુશીલકુમારે કહ્યું હતું.
દરમિયાન, ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને કેટલા ઘરોને નુકસાન પહોંચ્યું હતું તેની જાણકારી મેળવી હતી.
તિરાડ પડી ગઈ હોય તેવાં ઘરમાં વસતા પરિવારોને રાહત કેન્દ્રમાં જતા રહેવાની અપીલ કરી હતી. (એજન્સી)