ઉત્તરાખંડઃ ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન અને ઠેક-ઠેકાણે તિરાડોજોવા મળી રહી છે. શુક્રવારે સિંહધાર વોર્ડમાં આવેલું ભગવતી મંદિર ધરાશાયી થઈ ગયું હતું અને અત્યાર સુધી અહીંના 600થી વધુ ઘરોમાં તિરાડો પડી ચૂકી છે, જમીન ફાટી રહી છે. પરંતુ જોશીમઠમાં આ પ્રકારની હોનારત થઈ શકે છે એ વાતની જાણ સરકારને 47 વર્ષ પહેલાં જ કરવામાં આવી હતી. મિશ્રા આયોગના રિપોર્ટમાં જોશીમઠ પર મંડરાઈ રહેલાં જોખમ વિશેની આગાહી કરવામાં આવી હતી, પરંતુ સરકારે એ રિપોર્ટને ગંભીરતાથી લેવાને બદલે હળવાશથી લીધો.
જોશીમઠમાં ઠેકઠેકાણે ધરતી ફાટી રહી છે અને લોકો પણ ગભરાયેલા છે. આ ઘટના પર દેશ જ નહીં દુનિયાભરના પર્યાવરણશાસ્ત્રીઓની નજર ટકી રહેલી છે. લોકોની દલીલો અને કોલાહલ વચ્ચે એક જ સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે કે આખરે અહીંયા આવું કેમ થઈ રહ્યું છે? જોશીમઠમાં એનટીસી પાવર પ્લાન્ટની ટનલમાં કામકાજ ચાલી રહ્યું છે. એવામાં એવી શંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ ટનલને કારણે જોશીમઠમાં આ પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે. એનટીપીસીએ તપોવન વિષ્ણુગાર્ડ પરિયોજનામાં બ્લાસ્ટિંગ નહીં કરીને ટીવીએમ મશીનનો ઉપયોગ કર્યો જેથી બ્લાસ્ટિંગને કારણે થનારા નુકસાનની અસર જોશીમઠ પર ના જોવા મળે. 2009માં જ્યાં સુધી ટનલનું 11 કિમીનું કામ થયું ત્યાં સુધી બધું બરાબર હતું, પણ બાદમાં ટીવીએમ ખુદ જમીનમાં ધસી ગયું અને ત્યાર બાદ તો વારંવાર આવું થતું જ રહ્યું.
એનટીપીસીના આ પ્રોજેક્ટ સિવાય હેલંગ મારવાડી બાયપાસનો પણ જોશીમઠમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. 1976માં જ મિશ્રા આયોગની રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જોશીમઠના મૂળિયા સાથેની છેડછાડ જોશીમઠ માટે મુશ્કેલી નોતરશે. આ આયોગ દ્વારા જોશીમઠમાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં જોશીમઠ એક મોરેન (ગ્લેશિયર સાથે તણાઈ આવેલી માટી) પર વસેલું હોવાનું જણાવવામાં આવ્યું હતું અને તેના સાથે સંકળાયેલા પર્વતો, પથ્થરો, શિલા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવાની મનાઈ કરવામાં આવી હતી, પણ આયોગની આ રિપોર્ટ બસ એક રિપોર્ટ બનીને રહી ગઈ.