Homeઉત્સવજોજો માનવ અધિકારના નામે ચરી ખાતી એમ્નેસ્ટી ફરીથી ભારતમાં પગપેસારો ના કરે!

જોજો માનવ અધિકારના નામે ચરી ખાતી એમ્નેસ્ટી ફરીથી ભારતમાં પગપેસારો ના કરે!

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

એનડીએની સરકારે સત્તામાં આવ્યા પછી એક ખૂબ જ અગત્યનું કામ કર્યું હતું. એનજીઓ (બિન સરકારી સંસ્થા) એમ્નેસ્ટી ઇન્ટરનેશનલની ભારત શાખાને ભારતમાંથી ભગાવી દેવાનું કામ. આમ તો એમ્નેસ્ટીની કામગીરી દરેક દેશમાં માનવઅધિકારના રક્ષણ કરવાનું કહેવાય છે, પરંતુ ’રક્ષક’ના મહોરા પાછળના એના અસલી ચહેરાનો પર્દાફાશ થઈ ગયા પછી કેન્દ્ર સરકારે એની સામે કાયદાની તલવાર વિંઝવાનું ચાલુ કર્યું. ચોરની મા કોઠીમાં મોઢું નાખીને રડે, એ રીતે એમ્નેસ્ટીની ભારત શાખાના કર્તાહર્તાઓ સમજી ગયા કે હવે એમના દિવસો ભરાઈ ગયા છે.
૨૦૨૦ના સપ્ટેમ્બર મહિનામાં એમ્નેસ્ટીએ એમની ભારતની ‘દુકાન’ને તાળાં મારી દીધાં હતાં. ૧૫૦ જેટલા કર્મચારીઓને છૂટા કરી દઈ એમણે એવું નિવેદન આપ્યું હતું કે ભારત સરકારે એમના તમામ બેન્ક એકાઉન્ટ સ્થગિત કરી દીધા હોવાથી તેઓ હવે ભારતમાં કામ કરી શકે એમ નથી. ભારત સરકાર એમને નિશાન બનાવતી હોવાની ટીકા પણ એમણે કરી હતી. સંસ્થાના કહેવા પ્રમાણે દેશમાંથી લગભગ ૧ લાખ લોકો એમની ‘સારી કામગીરી’ને ટેકો આપી દાન કરતા હતા. નવાઈની વાત એ છે કે વિદેશી ભંડોળ મેળવવાના એફસીઆરએ કાયદા હેઠળ એમ્નેસ્ટીએ કદી નોંધણી કરાવી નહોતી. વિદેશથી મેળવવામાં આવતું ભંડોળ કાયદેસર હોવાનું રટણ એમ્નેસ્ટીએ કર્યે રાખ્યું, પરંતુ સરકારની કેન્દ્રીય એજન્સી ઇડીનું માનવું છે કે વિદેશી ભંડોળનો ભરપૂર દૂરઉપયોગ આ સંસ્થાએ કર્યો છે. થોડા સમય પહેલા અમેરિકાના કેટલાક ભારત વિરોધી સાંસદોએ કાશ્મીરના મુદ્દે બોલાવેલા ભારત વિરોધી અધિવેશનમાં પણ એમ્નેસ્ટીએ ભાગ લીધો હતો. દેશમાં કોમવાદી હુલ્લડો થાય ત્યારે એમ્નેસ્ટી હંમેશા એકપક્ષીય સ્ટેન્ડ જ લેતી હતી. કાશ્મીરના મુદ્દે એણે હંમેશાં આતંકવાદીઓની તરફેણ કરી હતી. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલની ભારતની શાખા, બ્રિટનની સરકાર અને આંતરરાષ્ટ્રીય જેહાદી તત્ત્વોએ મળીને ભારતને બદનામ કરવાનું કાર્ય કર્યું હતું. ભારતની આંતરિક બાબતમાં પણ એમ્નેસ્ટીનો સતત ચંચૂપાત રહેતો હતો. ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું હતું કે ભારત વિરુદ્ધના જૂઠા સમાચારો એમ્નેસ્ટી ફેલાવતી હતી. શહેરી નક્સલોને પણ એ છૂપો ટેકો આપતી હતી. વિશ્ર્વના વિવિધ દેશો પાસેથી મોટા પ્રમાણમાં ડોનેશન મેળવ્યા પછી એ ફંડનો ઉપયોગ ભારત વિરોધી કામગીરી કરવા માટે થતો હોવાનો આક્ષેપ પણ એમ્નેસ્ટી સામે થયો હતો.
લોકસભાની ચૂંટણી દરમિયાન પણ આ સંસ્થાએ ચૂંટણીનાં પરિણામોને પ્રભાવિત કરવા માટેના પ્રયત્નો પણ કર્યા હતા. આમ કરવા માટે એણે ફિલ્મ એક્ટર નસરૂદ્દીન શાહને સાધ્યા હતા. ભારતનું બંધારણ ખતરામાં છે એવા મતલબનું નિવેદન કરતો નસરૂદ્દીન શાહનો વીડિયો પણ એમણે વાયરલ કર્યો હતો. એમ્નેસ્ટી ઇન્ડિયા હંમેશાં એવો ખોટો પ્રચાર કરતી રહી હતી કે ભારતમાં વિરોધીઓને કચડી નાખવામાં આવે છે અને અહીં માનવ અધિકારનો સતત ભંગ થતો રહે છે. નક્સલવાદી સંગઠનો સાથે સંપર્ક ધરાવતા માઓવાદી અરૂણ પરેરાની ધરપકડ જ્યારે કરવામાં આવી ત્યારે એમ્નેસ્ટીએ કાગારોળ મચાવી દીધી હતી કે ભારતમાં નિર્દોષોને પકડવામાં આવે છે. હકીકત એ હતી કે મહારાષ્ટ્રના કોરેગાંવ ભીમા ખાતે થયેલાં હિંસક તોફાનો માટે પરેરાની ધરપકડ કરવામાં આવી હતી. એ વખતે એવી હકીકત પણ બહાર આવી હતી કે કેટલાક નક્સલવાદીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું પણ કાવતરુ ઘડ્યું હતું. માઓવાદી નેતા પ્રહાદસિંહે એક મુલાકાતમાં કબૂલ કર્યું હતું કે ૨૦૦૬ની સાલમાં જ્યારે માઓવાદીઓ આયોજન માટે ભેગા થયા હતા ત્યારે પરેરા પણ ત્યાં હાજર હતો. આ મીટિંગમાં આતંકવાદ ફેલાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ કહેવાય છે.
એમ્નેસ્ટીએ હંમેશાં પોતાને મહાન ગણવાનું કામ કર્યું છે. સરકાર કઈ રીતે ચલાવવી એનું તમામ જ્ઞાન એમની પોતાની જ પાસે હોય એવી વર્તણુક એમની રહી છે. સરકારે જ્યારે એમની સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી શરૂ કરી ત્યારે પણ એમનું માનવું તો એમ જ હતું કે તેઓ કાયદાથી પર છે. એમ્નેસ્ટી ભારતના મોટા ભાગના સભ્યો શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરવા માટે કુખ્યાત રહ્યા છે. બ્રાહ્મણો સામે હિંસા કરવા માટે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણી કરનારાઓ પણ આ સંસ્થા સાથે જોડાયેલા હતા.
વિશ્ર્વ આખાને પારદર્શકતાની શિખામણ આપતી એમ્નેસ્ટી સંસ્થા પોતાના કર્મચારીઓને જ દબાવીને રાખે છે. થોડા સમય પહેલા એક મહિલા સાથે દૂરવ્યવહાર થયો ત્યારે એ મહિલાને મીડિયા સમક્ષ બોલવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. એમ કહેવાય છે કે એમ્નેસ્ટીમાં કામ કરવાનું વાતાવરણ ખૂબ જ ખરાબ હતું. એમના બે સભ્યોએ જ્યારે આત્મહત્યા કરી હતી ત્યારે ત્યાંની કામ કરવાની પદ્ધતિ બાબતે તપાસ કરનાર મનોચિકિત્સકોએ એવું તારણ કાઢ્યું હતું કે એમ્નેસ્ટીની ઓફિસમાં સંચાલકો દ્વારા સ્ટાફને સતત અપમાનિત કરવામાં આવે છે. વંશવાદ અને દંભ એમ્નેસ્ટીનો ટ્રેડ માર્ક રહ્યા છે. સિનિયર મેનેજરો નીચેના સ્ટાફને હંમેશાં દબાવીને રાખે છે અને કર્મચારીઓ સાચી હકીકત બહાર નહીં લાવે એ માટે એમને ચૂપ કરી દેવામાં આવે છે.
જ્યારે દિલ્હીમાં સીએએના કાયદા વિરુદ્ધ હિંસક દેખાવો શરૂ થયા હતા ત્યારે એ ટોળાને પડખે એમ્નેસ્ટી ઊભી રહી હતી. એમ્નેસ્ટીએ જે આંદોલનને શાંતિપૂર્ણ ગણાવ્યું હતું એ આંદોલન પછીથી હિંસક બન્યું અને ૫૦ થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ જ આંદોલનમાં ‘જિન્હાવાલી આઝાદી’ના નારા લાગ્યા હતા અને છરાબાજી પણ થઈ હતી. સાચી હકીકતનો સ્વીકાર કરવાને બદલે એમ્નેસ્ટીએ એવું નિવેદન આપ્યું હતું કે શાંતિપૂર્વક દેખાવ કરનારા પર સરકારે અત્યાચાર કર્યા છે. ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે અને પોલીસના બળ વડે વિરોધીઓને ચૂપ કરી દેવામાં આવ્યા છે. દેશ અને દુનિયામાં જ્યારે આતંકવાદી હુમલાઓ થાય છે ત્યારે આ જ એમ્નેસ્ટી ચૂપ થઈ જાય છે. એમ્નેસ્ટીના કેટલાક ટીકાકારોનું કહેવું છે કે ‘બ્રિટનના કેટલાક લોકો હજુ ભારતને ગુલામ જ સમજે છે અને પોતાને સર્વોચ્ચ સમજવાની માનસિકતામાંથી બહાર આવતા નથી. માનવ અધિકારના બચાવના નામે કેટલાક દેશોમાં ઘૂસી જઈ અંધાધૂંધી ફેલાવવાનું કામ જ એમ્નેસ્ટીનું છે.’
એમ્નેસ્ટીનું મુખ્ય મથક યુકેમાં છે. લોકોની સેવાના નામે આખા વિશ્ર્વમાંથી તેઓ ડોનેશન ભેગું કરે છે. ૧૯૬૧માં લંડન ખાતે એમ્નેસ્ટીની સ્થાપના કરવામાં આવી હતી. ઘણાનું માનવું છે કે એમ્નેસ્ટીનો ઉદ્દેશ પહેલેથી જ શંકાસ્પદ રહ્યો છે. નહીં તો ગેરકાયદેસર રીતે બર્માથી ભારતમાં ઘૂસેલા રોહિંગ્યાનું ઉપરાણું એણે શા માટે લેવું જોઇએ?
ઉત્તર પ્રદેશમાં થતા પોલીસ એન્કાઉન્ટર બાબતે પણ એમ્નેસ્ટીએ જૂઠાણાં ચલાવ્યાં હતાં. પછી જ્યારે એમના ગપ્પા પકડાઈ ગયા એટલે ટ્વિટર પર લખેલી એ માહિતી એમણે ડિલીટ કરી નાખી હતી!
હમણાં તો ભારતમાંથી એમ્નેસ્ટીની ગેંગ ઉચાળા ભરી ગઈ છે એ દેશ હિતમાં જ થયું છે અને ભવિષ્યમાં તેઓ પાછા ભારતમાં ઘૂસે નહીં એની કાળજી સરકાર સહિત બધાએ રાખવાની છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular