મુંબઈઃ છેલ્લાં કેટલાય દિવસથી મુંબઈમાં ચોરી અને હત્યાના ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને મુંબઈના જોગેશ્વરી ઈસ્ટમાંએક વૃદ્ધ દંપતી પર તેમના જ ઘરમાં કામ કરનારા કેરટેકરે જ ચોરી કરવાના હેતુથી ધારદાર શસ્ત્રથી હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધનું જગ્યા પર જ મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આરોપી ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો એ જ સમયે મેઘવાડી પોલીસે દાદર રેલવે સ્ટેશન પરથી તેની ધરપકડ કરી હતી. આરોપીનું નામ પપ્પુ જાલિંદર છે, જ્યારે મૃત્યુ પામનાર વૃદ્ધનું નામ સુધીર ચિપલુણકર છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી અને મૃતકની પત્નીનું નામ સુપ્રિયા ચિપલુણકર છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જોગેશ્વરી ઈસ્ટમાં આવેલી એક સોસાયટીમાં પડોશીઓને ચિપલુણકર દંપતિના ઘરમાંથી જોર જોરથી વાસણ ફેંકવાનો અવાજ આવ્યો હતો. પડોશીઓએ ડોરબેલ વગાડી હતી, જેને કારણે પપ્પુ ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ દરવાજો ખૂલ્યા બાદ સામેનું દ્રશ્ય જોઈને પડોશીઓ હચમચી ગયા હતા. પડોશીઓએ ઈજાગ્રસ્ત સુપ્રિયાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી.
મેઘવાડી પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતાં આ હત્યા ઘરમાં કેરટેકર તરીકે કામ કરતાં પપ્પુએ જ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ પોલીસે આરોપીનો પીછો પકડ્યો હતો. પપ્પુ સિદ્ધેશ્વર એક્સપ્રેસથી ભાગી જવાની તૈયારીમાં હતો એ જ સમયે દાદર રેલવે સ્ટેશન પરથી તેની ધરપકડ કરી હતી. આરોપી સામે મેઘવાડી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ધારા 302, 307 હેઠળ ગુનો નોંધ્યો હતો.
જોગેશ્વરીમાં કેરટેકરે જ કર્યું આવું કંઈક કે પડોશીઓ પણ ધ્રૂજી ગયા
RELATED ARTICLES