‘શોલે’ સાથેના જોગ-સંજોગ

મેટિની

ફિલ્મનામા -નરેશ શાહ

‘ઉડતા પંજાબ’ કરતાંય બદતર વ્યવહાર સેન્સર બોર્ડે ૧૯૭પમાં ‘શોલે’ સાથે કર્યો હતો
દરેક ક્લાસિકનો પોતાનો એક ઈતિહાસ હોય છે, પછી એ મોહક પેઈન્ટિંગ હોય કે બ્લોક બસ્ટર નોવેલ હોય કે રસાકસીભરી મેચ હોય કે ઈતિહાસમાં અંકિત થઈ જનારી ફિલ્મ હોય. ‘શોલે’ પણ આવી દંતકથા સમાન ફિલ્મ છે. આ ફિલ્મનું સૌથી જાણીતું અને લોકપ્રિય પાત્ર ગબ્બર સિંહ (તેને બ્રિટાનિયાની એડ પણ એ જ ગેટઅપમાં મળેલી) અમજદ ખાન ભજવશે એવું માત્ર વીસ દિવસ પહેલાં જ ફાઈનલ થયેલું અને પ્રથમ બે શિડ્યુલ અમજદ એટલા અપસેટ હતા કે તેની સાથે શૂટિંગ કરવામાં જ ન આવ્યું. બાય ધ વે, ‘શોલે’ સવાબે વરસે તૈયાર થઈ હતી અને સાડાચારસો શિફ્ટમાં તેનું શૂટિંગ થયેલું. માત્ર ત્રણ જ શબ્દો (પૂરે પચાસ હજાર) બોલનારા સાંભા ઉર્ફે મેકમોહન ‘શોલે’ના શૂટિંગ માટે એકવીસ વખત મુંબઈથી બેંગલોર ગયા હતા. રશીઝ જોયા પછી એ રડી પડેલા કે તેમના ભાગે ફૂટેજ આવ્યું જ નથી. આ જ કારણે રિલીઝ પછી છેક એક મહિને તેઓ મિનરવામાં ફિલ્મ જોવા ગયા હતા અને લોકોની ચાહના જોઈને છળી પડ્યા હતા. મેકમોહન અને વિજુ ખોટે આજીવન સાંભા અને કાલિયા તરીકે જ ઓળખાયા એ ‘શોલે’ની ચિરંજીવ અસરનો જ પુરાવો.
બીજી ઓક્ટોબર, ૧૯૭૩ના દિવસે ‘શોલે’ (બેંગલોર નજીક બનેલા રામગઢ ગામનો સેટ) ફ્લોર પર ગઈ ત્યારે પ્રેમી અમિતાભ-જયાની ‘ઝંજીર’ રિલીઝ થઈ ગઈ હતી અને બન્નેનાં લગ્ન થઈ ગયાં હતાં. જયા ભાદુરી સેટ પર આવ્યાં ત્યારે તેઓને ત્રણ માસની પ્રેગ્નન્સી હતી. ૧પમી ઓગસ્ટ, ૧૯૭પના દિવસે ‘શોલે’ રિલીઝ થઈ ત્યારે પ્રીમિયરમાં આવેલાં જયા બચ્ચન ફરી (અભિષેક) પ્રેગ્નન્ટ હતાં. બેશક, શ્ર્વેતા વખતની પ્રેગ્નન્સીને કારણે જ રમેશ સિપ્પીએ જયા ભાદુરી પૂરતું શૂટિંગ ચાર-પાંચ મહિના ઠેલવી દીધું હતું, કારણ કે માતૃત્વનો ગ્લો વિધવા (પાત્ર)ના ચહેરા પર સતત ઝળકતો હતો.
ઓક્ટોબર, ૧૯૭૩થી ઓગસ્ટ, ૧૯૭પ દરમિયાન (અને પછી પણ) ‘શોલે’ સાથે ઘણું બધું બની ગયું હતું. એક કરોડમાં બનનારી ‘શોલે’નું બજેટ ત્રણ કરોડ પાર કરી ગયું હતું અને છ મહિનાને બદલે બે વરસ સુધી તેનું મેકિંગ ચાલ્યું હતું (એટલે સ્ટારની તારીખનો પ્રોબ્લેમ દર વખતે નડતો. મનમોહન દેસાઈએ આ કારણે જ બેંગલોરમાં ‘ધરમવીર’નો સેટ બનાવેલો કે જેથી ધરમપાજી ‘શોલે’ અને ‘ધરમવીર’નું શૂટિંગ કરી શકે). બાળ કલાકાર સચિન અને સ્ટ્રગલર અમજદ ખાન બે જ એક્ટર સાવ ફ્રી હતા. અમજદ ખાન તો ગબ્બર ન હોય ત્યારે સિપ્પીના આસિસ્ટન્ટ તરીકે જ કામ કરતા, પણ તેની એક્ટિંગથી ઘણા ખરાને સંતોષ નહોતો. ગબ્બરસિંહ જેવા તગડા કિરદારનો બોજ અમજદનો ખભો નહીં ઉપાડી શકે એ વાત યુનિટમાં એવી સ્ટ્રોંગ ચાલતી કે સલીમ-જાવેદે જ એક વખત (પોતે જ સજેસ્ટ કરેલા) અમજદને બદલાવી નાખવાનું સજેશન રમેશ સિપ્પીને કરવું પડેલું. આ વાતની ખબર અમજદને પડી ગઈ એટલે તેને સલીમ-જાવેદ માટે અભાવ થઈ ગયો. ફિલ્મ પૂરી થયા પછી ડબિંગ વખતે ગબ્બરનું ડબિંગ અમજદની બદલે કોઈ અન્ય પાસે કરાવી લેવાની વાત આવી ત્યારે પણ સલીમ-જાવેદે (ફિલ્મના હિતમાં) પણ સંમતિસૂચક સમર્થન આપ્યું હતું. અલબત્ત, બન્ને વખતે રમેશ સિપ્પી અડીખમ રહેલા (એન્ડ રેસ્ટ ઈઝ હિસ્ટ્રી), પણ અમજદ ખાનના દિમાગમાં સલીમ-જાવેદ માટે ખુન્નસ ભરાઈ ગયું અને તેમણે એ પછી તેમની સાથે કામ જ ન કર્યું.
સિત્તેર એમએમ ફોર્મેટ અને વિદેશથી બોલાવેલા એક્શન માસ્ટરો સાથે શૂટ થયેલી ‘શોલે’ અઢી વરસે (આ દિવસોમાં મળેલા રમેશ સિપ્પી પાસેથી જિતેન્દ્રએ જાણ્યું કે હજુ ‘શોલે’ બની રહી છે, ત્યારે તેણે સિપ્પીને કહેલું: મેં તો (આ સમયમાં) ત્રણ ફિલ્મ પૂરી કરી નાખી ) રિલીઝ માટે રેડી થઈ ત્યારે તેની સાથે ‘ઉડતા પંજાબ’થી પણ બદતર થયું હતું. કટોકટી (ઈમર્જન્સી)ના એ સમયના સેન્સર બોર્ડે વાંધો લીધો કે એક ભૂતપૂર્વ પોલીસ ઓફિસર ભાડૂતી ગુંડાને હાયર કરીને દુશ્મનને પકડે અને એ જ ઓફિસર ગબ્બરસિંહને પગ તળે કચડીને મારી નાખી કાયદો હાથમાં લે એવું તમે ન દર્શાવી શકો. સમાજમાં ખોટો મેસેજ જાય.
રમેશ સિપ્પીએ દલીલ કરી કે ઠાકુર ગબ્બરને પોલીસને સોંપી દે તો (અત્યાર સુધી પોલીસ ક્યાં હતી?) પણ પોલીસનું જ ખરાબ લાગશે, પણ… રિલીઝના પચીસ દિવસ પહેલાં બેંગલોર જઈને રમેશ સિપ્પીએ નવેસરથી શૂટ કરીને ગબ્બરને જીવતો રાખવો જ પડ્યો.
જોકે રિલીઝ પછીના પ્રથમ અઠવાડિયે જ ‘શોલે’નો અંત ફરી રિ-શૂટ કરવાનું રમેશ સિપ્પીએ વિચારવું પડ્યું હતું, કારણ કે ફિલ્મના રિપોર્ટ-રિવ્યુ નબળા આવતા હતા. ‘ઝંજીર’ અને ‘દિવાર’ પછી બચ્ચન મોટું નામ થઈ ગયું હતું એટલે તેને ફરી જીવતો દેખાડવાથી કદાચ ‘શોલે’ ટિકિટ બારી પર જીવી જાય એવું સિપ્પીને લાગ્યું હતું. આમ પણ, ત્રણ કલાક અને વીસ મિનિટ લાંબી (એક કવ્વાલી, સચિનની હત્યા એડિટ કર્યા પછી) ફિલ્મના વિવેચકોએ છોતરાં કાઢી નાખ્યાં હતાં: માના પાત્ર વગરની ફિલ્મ, વફાદારી વગરની દોસ્તી, નવો વિલન, સિમ્બોલિક હિંસા, હિરોઈનના ગેસ્ટ જેવા અપિરિયન્સ…
૧૯૭પમાં આજની જેમ એકસાથે ફિલ્મ રિલીઝ નહોતી થતી. ‘શોલે’ના નામે એ રેકોર્ડ પણ રહેશે કે દેશમાં તેનાં બે વર્ઝન (એક આખી ફિલ્મ, બીજામાં અસરાની-સૂરમા ભોપાલીના સીન વગરની ફિલ્મ) દર્શાવાતાં હતાં, કારણ કે અમુક ડિસ્ટ્રિબ્યુટરનું માનવું હતું કે ફિલ્મ લંબાઈને કારણે બોરિંગ બની જાય છે… રમેશ સિપ્પી સતત પ્રથમ ચાર અઠવાડિયાં લોકોના રિએક્શન જાણવા થિયેટરોમાં ફર્યા પણ સંતોષજનક રિએક્શન મળતાં નહોતાં. સપ્ટેમ્બરમાં રમેશ સિપ્પીને વર્લીની ગીતા ટોકીઝના માલિકે ફોનમાં કહ્યું કે, ફિલ્મ અચ્છી જા રહી હૈ.
આવું કઈ રીતે કહી શકો તમે? સિપ્પીને જવાબ આપતાં ગીતા ટોકીઝના માલિકે કહ્યું: ઈન્ટરવલ મેં આઈસક્રીમ ઔર કોલ્ડ ડ્રિન્ક કી સેલ કમ હો ગઈ હૈ. લોગ અપની ખુરશી છોડતે હી નહીં, ફિલ્મ ઉન્હે ઈતના બાંધે રખતી હૈ. એ દિવસે રમેશ સિપ્પીને સમજાયું કે તેને રિએક્શન કેમ નહોતાં મળતાં. લોકો ફિલ્મ જોઈને સ્તબ્ધતાના આંચકા સાથે શૂન્યમનસ્ક થઈ જતા હતા. ૧૧મી ઓક્ટોબર, ૧૯૭પએ ફિલ્મ પંડિતોએ પણ યુટર્ન માર્યો અને ‘શોલે’ને બ્લોક બસ્ટર ગણાવવાનું શરૂ કર્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.