પુણેઃ પુણેમાં ગુનાખોરી આત્મહત્યાનું પ્રમાણ છેલ્લાં કેટલાય સમયથી વધી રહ્યું છે અને હવે પિંપરી-ચિંચવડમાં એક યુવકે જીવવામાં મજા નથી આવતી એ કારણસર અગિયારમા માળથી કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનાર યુવકનું નામ વિરેન જાધવ છે. 27 વર્ષીય યુવક એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. નોકરી-પગાર અને તમામ સુખ-સુવિધા હોવા છતાં પણ જીવવામાં રસ નથી પડતો તો પછી જીવવાનો શું અર્થ? એવો ઉલ્લેખ વિરેનની ડાયરીમાં તેણે કર્યો છે. આ જ કારણસર તેણે આવું આત્મહત્યા જેવું હિચકારું પગલું ઉઠાવ્યું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે, એવી માહિતી ચિખલી પોલીસ દ્વારા આપવામાં આવી હતી. વિરેન તેના માતા-પિતા સાથે રહેતો હતો. પિતા કંઈ કામ માટે બહારગામ ગયા હતા અને માતા ઘરમાં જ હતી. એ સમયે ઘરની બહાર જઈને કોમન પેસેજમાંથી જઈને વિરેને 11મા માળથી કૂદકો મારીને જીવનનો અંત આણ્યો હતો. ઘટનાસ્થળે જ વિરેનનું મૃત્યુ થઈ ગયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પૂણેના ઔંધમાં રહેતા સુદિપ્તો ગાંગુલી નામના આઈટી એન્જિનિયરે પત્ની અને આઠ વર્ષના દીકરાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. પત્ની અને દીકરાની પોલિથિનથી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પુણે પહેલાં દિલ્હીમાં પણ આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જ્યાં એક વ્યક્તિએ ચાર વર્ષના દીકરા સામે પત્ની અને બે વર્ષના દીકરાની ચાકુ ભોંકીને હત્યા કરી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આ વ્યક્તિને પત્નીના અનૈતિક સંબંધો અંગે શંકા હતી અને એને કારણે જ બંને વચ્ચે અવારનવાર વિવાદ થતા રહેતા હતા. માત્ર પુણે જ નહીં પણ મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ યુવાનોની આત્મહત્યાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. બધા ક્ષેત્રમાં જોવા મળી રહેલી સ્પર્ધા આ માટે કારણભૂત હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ આ આત્મહત્યા પાછળના કારણો એકદમ ક્ષુલ્લક હોવાનું અત્યાર સુધીની ઘટનાઓને જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે