જમ્મુ-કાશ્મીરના સિદ્રામાં વહેલી સવારે એક જ પરિવારના છ સભ્યો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવતા હડકંપ મચી ગયો હતો. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ છ મૃતદેહ બે ઘરમાંથી મળી આવ્યા છે.
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે બુધવારે તેમના જ ઘરમાં એક જ પરિવારના છ સભ્ય શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ સકીના બેગમ, તેમની બે પુત્રીઓ નસીમા અખ્તર અને રૂબીના બાનો, પુત્ર ઝફર સલીમ અને બે સંબંધીઓ નૂર-ઉલ-હબીબ અને સજ્જાદ અહેમદ તરીકે થઈ છે.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટીમ ઘટનાસ્થળે હાજર છે અને તપાસમાં લાગેલી છે. મૃત્યુનું કારણ ટૂંક સમયમાં જાણી શકાશે.
આ અરેરાટીપૂર્ણ ઘટનાની વિગત મુજબ સૌથી પહેલા એક મહિલાએ પોલીસને ફોન કરીને જણાવ્યું કે તે ઘણા દિવસોથી તેના ભાઈનો સંપર્ક કરી શકી નથી. તે ફોન ઉપાડતો નથી. મહિલાને ડર હતો કે તેના ભાઈને કંઈક થયું તો તે ગયો નથી ને? આ પછી પોલીસે તે વ્યક્તિની શોધ શરૂ કરી. જ્યારે પોલીસ મહિલાના ભાઈની શોધમાં તેના ઘરે પહોંચી તો દરવાજો બંધ હતો, પરંતુ ઘરની અંદરથી લાશની ગંધ આવતી હતી. જે બાદ પોલીસ ટીમ દરવાજો તોડી ઘરની અંદર ગઈ, જ્યાં ચાર મૃતદેહો પડેલા મળી આવ્યા. અહીં એક મહિલા, તેની એક પુત્રી અને અન્ય એક વ્યક્તિની લાશ પણ મળી આવી હતી. બાદમાં જાણવા મળ્યું કે મહિલાનું ઘર ત્યાંથી થોડે દૂર છે.
આ માહિતી મળ્યા બાદ જ્યારે પોલીસ ટીમ મૃતક મહિલાના ઘરે પહોંચી તો તેમને ત્યાં પણ બે મૃતદેહ મળી આવ્યા. એક લાશ મૃતક મહિલાના પુત્ર અને બીજી પુત્રીની હતી. ત્યારબાદ પોલીસે તમામ મૃતદેહોને પોતાના કબજામાં લીધા હતા. ઝેર પીવાથી તેમનું મોત થયું હોવાની આશંકા છે. જોકે, આ બનાવ આત્મહત્યા છે કે હત્યા છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Google search engine