થાણે: પાલિકા અધિકારી પર હુમલાના કેસમાં એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડને થાણેની કોર્ટે ધરપકડ પૂર્વે જામીન આપ્યા છે. થાણે પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મહેશ આહેર પર હુમલો કરવા બદલ તેમની અને એનસીપીના કેટલાક કાર્યકરો સામે નોંધાયેલા કેસમાં શુક્રવારે વધારાના સેશન્સ જજ એ.એસ. ભાગવતે આવ્હાડને ધરપકડ પૂર્વેના જામીન મંજૂર કર્યા હતા.
આહેરને કથિત રીતે ધમકીઓ આપતી એક ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ ૧૫મી ફેબ્રુઆરીએ એનસીપીના કાર્યકરો દ્વારા કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. નૌપાડા પોલીસે ભારતીય દંડસંહિતાની ૩૫૩, ૩૦૭ અને અન્ય સંબંધિત જોગવાઇ હેઠળ વિધાનસભ્ય અને અન્ય છ જણ સામે ગુનો નોંધ્યો હતો.
આવ્હાડે તેમની અરજીમાં જણાવ્યું હતું કે તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને તેમની સામે પ્રથમ દૃષ્ટિએ કોઇ કેસ કરવામાં આવ્યો નથી. અરજીનો વિરોધ કરતાં ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે જો અરજદારને જામીન આપવામાં આવશે તો તપાસમાં અવરોધ આવશે. આથી યોગ્ય તપાસ માટે તેમની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.
બંને પક્ષને સાંભળ્યા બાદ ન્યાયાધીશે નોંધ્યું હતું કે કેસના અન્ય આરોપીઓએ પાલિકા અધિકારી પર હુમલો કર્યો હતો અને દાવો કર્યો હતો કે એનસીપીના નેતાએ તેમને મોકલ્યા હતા અને તેમને ગોળી મારી દેવાની ધમકી આપી હતી. જોકે એનસીપીના વિધાનસભ્ય આવ્હાડ અને અન્ય આરોપીઓ વચ્ચે ગુનાહિત કાવતરું હોવાના કોઇ પુરાવા નથી, એવું કોર્ટે જણાવ્યું હતું. (પીટીઆઈ)
પાલિકા અધિકારી પર હુમલાના કેસમાં જિતેન્દ્ર આવ્હાડના આગોતરા જામીન મંજૂર
RELATED ARTICLES