જિનદર્શન – મહેન્દ્ર પુનાતર
ભૂતકાળ જે વીતી ગયો છે અને ભવિષ્ય જે અગોચર છે તે અંગે વ્યથા અનુભવવાનો કોઈ અર્થ નથી
—
ચિંતા, આધિ, વ્યાધિ અને ઉપાધિ દરેક માણસને સતાવે છે. ભય, લાલસા, લોભ અને આસક્તિના કારણે ચિંતા ઊભી થાય છે. ચિંતા અને ઉપાધિ માણસને અંદરથી કોતરી નાખે છે. મોટેભાગે માણસ ખોટી નાહકની ચિંતા કરતો હોય છે. જે માણસો ભૂતકાળ અને ભવિષ્યને નજરમાં રાખીને જીવતા હોય છે તેઓ ચિંતા અને તનાવનો બોજો લઈને ફરતા હોય છે.
માણસને આજની જેટલી ચિંતા નથી એટલી ભવિષ્યની છે. ભવિષ્યમાં શું થશે તેની કલ્પના કરીને માણસ દુ:ખી થતો હોય છે. માણસના જીવનમાં મુશ્કેલી અને આફતો આવ્યા કરે છે તે વર્તમાન પૂરતી ક્ષણિક હોય છે. તેનો સ્થિરતાથી મક્કમતાથી સામનો કરવામાં આવે તો તે મુશ્કેલીને ટાળી શકાય છે. માણસો નાની એવી બાબતોને મોટું સ્વરૂપ આપી દે છે, અને કાલ્પનિક ભયોને મનમાં રાખીને મૂંઝાયા કરે છે.
દરેક માણસ સુખ ઝંખે છે અને દુ:ખને ટાળવા મથે છે. જરાક મુશ્કેલી આવે, થોડું દુ:ખ પડે ત્યારે માણસ હલબલી ઊઠે છે. અનેક તર્ક-વિતર્કો કરે છે અને કાલ્પનિક ભયના દુ:ખોની હારમાળા સર્જે છે. માણસને આજની નહીં, પરંતુ આવતીકાલની ચિંતા છે. પોતાની ભાવી પેઢીનું શું થશે, પોતે જમા કરેલી માલમિલકતનું શું થશે, પોતાના પરિવારનું શું થશે વગેરે ચિંતા માણસોને સતાવતી હોય છે. કારણ કે માણસને ભવિષ્યનો ભરોસો નથી, આત્મશ્રદ્ધા અને વિશ્ર્વાસ નથી. પેઢીઓના પેઢીઓ સુધી ચાલે તેટલું મૂકી જવાની એષણા છે. જીવનમાં પરિગ્રહ છે એટલે ભય છે. અને ભય છે એટલે ચિંતા અને ઉપાધિ છે. ધર્મ આપણને ભય રહિત બનવાનું શીખવે છે. જે માણસ ડરે છે તે ક્ષણે ક્ષણે મરતો રહે છે. માણસ કામથી થાકતો નથી, પરંતુ ચિંતાઓ તેને થકવી નાખે છે. ઘણીવાર તો સમસ્યા, મુશ્કેલી અને આપત્તિ આવી રહી છે એવું વિચારીને, સમજીને જીવ બાળ્યા કરે છે. જીવનમાં પ્રશ્ર્નો તો ઊભા થવાના છે. કોઈ પ્રશ્ર્ન એવો નથી જેનું સમાધાન ન હોય. આવા સમયે ધૈર્ય અને ડહાપણની જરૂર હોય છે. કાલ્પનિક અને અનિશ્ર્ચિત દુ:ખોમાંથી બચવાની મથામણમાં ઘણીવાર આપણે ખરાં દુ:ખો માથે વોહરી લેતા હોઈએ છીએ. મૂળ વાત એ છે કે માણસને જીવનમાં સંતોષ નથી આને કારણે નિરાશા-હતાશા અને ચિંતાઓ જન્મે છે. ભૂતકાળ જે વીતી ગયો છે અને ભવિષ્ય જે અગોચર છે એ બંને અંગે ચિંતા અને વ્યથા અનુભવવાનો કોઈ અર્થ નથી. વર્તમાનને નજર સમક્ષ રાખીને જે માણસ રહે છે તેને ભવિષ્યની કોઈ ચિંતાઓ સતાવતી નથી. સમય સમયનું કામ કરે છે. નાહકની ચિંતા કરવાથી કશું વળવાનું નથી. તેનાથી દુ:ખ કે મુશ્કેલી દૂર થવાની નથી. પછી તેને વાગોળ્યા કરવાનો શો અર્થ છે ? આ અંગે એક સરસ ઉક્તિ છે
ચિંતાસે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ, બલ,
જ્ઞાન, ચિંતા બડી અભાગણી,
ચિંતા ચિતા સમાન
જીવનની સમસ્યાઓ હંમેશાં માણસને મૂંઝવતી રહે છે. હવે આ સમસ્યાઓએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. દરેકને પોતપોતાના પ્રશ્ર્નો છે, ચિંતાઓ છે. કોઈ પણ સંપૂર્ણપણે ઉપાધિમાંથી મુક્ત નથી. મોટાભાગનાં દુ:ખો અને ચિંતા માણસનું પોતાનું સર્જન છે. આવી પરિસ્થિતિમાં માણસને માણસ તરીકે ટકાવી રાખવો, તેનામાં રહેલાં મૂળભૂત તત્ત્વોમાં વિશ્ર્વાસ પેદા કરવો અને તેનામાં રહેલાં સારાઈનાં તત્ત્વોને બહાર લાવવા એ આજનો સૌથી મહત્ત્વનો પ્રશ્ર્ન છે. ચિંતા અને તનાવમાંથી મુક્ત થવા નીચેની કેટલીક બાબતો વિચારપ્રેરક અને સોનેરી સૂત્રો જેવી છે…
(૧) જગતના આપણે માત્ર એક અંશ છીએ. આ જગત આપણા વિના પણ ચાલવાનું છે. તેથી નાહકની ફિકર ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. ગમે તેટલું વ્યવસ્થિત કરીને જશો તો પણ સમય અને સંજોગોની સાથે બધું બદલાવાનું છે. એટલે પરિવર્તનના આવિષ્કારોને સહજ રીતે સ્વીકારીને તેને અનુરૂપ ચાલવું જરૂરી છે.
(૨) બીજાની શક્તિમાં વિશ્ર્વાસને અભાવે માણસ મોટાભાગનો બોજો જાતે ઊંચકીને ફરતો હોય છે. બીજા પર વિશ્ર્વાસ રાખો, સંતાનોને યોગ્ય તાલીમ આપી બધું તેમના પર છોડી દો. તમે માત્ર માર્ગદર્શક બનો. આવું જ વલણ કર્મચારીઓ પ્રત્યે રાખો. શક્ય છે કે તમે જેટલું ચિવટથી કામ કરી શકો છો તેટલું બીજા ન કરી શકે. કદાચ કોઈ ભૂલ પણ કરી બેસે. માણસ અનુભવમાંથી ઘડાય છે.
(૩) ઘણા બધા કામો એક સાથે કરી નાખવાની કોશિશ કરો નહીં. આને કારણે તણાવ ઊભો થાય છે. કાંઈ
ઊંધુંચતું થાય તો મગજ ગરમ થઈ જાય છે. અને આ ગુસ્સો નીચેના માણસો પર અને છેલ્લે ઘર સુધી પહોંચે છે.
(૪) એક કામ અધૂરું રાખીને બીજું કામ શરૂ કરો નહીં. જે કામ હાથમાં લીધું હોય તે પૂરું કરો. તેમાં પ્રેમપૂર્વક બીજાનો સહકાર પ્રાપ્ત કરો. કામના બોજાની વહેંચણી કરી નાખો.
(૫) આખા દિવસના કામની યોજના બનાવી કયાં કામ મહત્ત્વના છે તેની પસંદગી કરી લો. બાકીની બાબતો મગજમાંથી કાઢી નાખો. નાની-નાની બાબતો બીજા પર છોડી દો. કેટલાંક કામો બીજાની વિવેક બુદ્ધિ પર છોડવા જરૂરી છે.
(૬) ઓફિસમાં હો ત્યાં સુધી કામ ધંધાની ચિંતા કરો. ઓફિસ છોડ્યા પછી ધંધાને ભૂલી જાવ. ઘરમાં બાળકો સાથે થોડો સમય વિતાવો. ઘરમાં એ વિષયની જ ચર્ચા કરો જેમાંથી આનંદ મળે.
(૭) તર્ક યુક્ત મહત્ત્વાકાંક્ષા રાખો. વધારે પડતી અપેક્ષાઓ જીવનમાં દુ:ખ ઉત્પન્ન કરે છે. જાત પ્રત્યે પ્રામાણિક રહીને માત્ર એટલું જ વિચારવાનું કે આપણે શું કરી શકીએ તેમ છીએ. જે નથી કરી શકવાના તેનો મોહ છોડી દો.
(૮) જીવનમાં જેટલું શક્ય હતું તે આપણે પ્રાપ્ત કર્યું છે જે નથી મળ્યું તેનો અફસોસ કરવો નહીં. અને જે મળ્યું છે તેનો ભરપૂર આનંદ માણવો.
(૯) તમારા જીવનની બીજાની સાથે સરખામણી કરો નહીં. બીજાથી તમે આગળ રહેવા જોઈએ તેવી કામના કરો નહીં. અને આને માટે ઊંધું ઘાલીને ડોટ મૂકો નહીં. તમે જે પ્રાપ્ત કર્યું છે તેનાથી સંતોષ માનો. બીજા આગળ વધી ગયા અને હું રહી ગયો એવો તુચ્છ વિચાર મનમાંથી કાઢી નાખો.
(૧૦) બીજાની ઈર્ષા અદેખાઈ ન કરો. તમારી પાસે જે છે તે પ્રભુની કૃપા માની તેમાંથી આનંદ અને સંતોષ મેળવો. દરેક બાબતને પૈસાના ત્રાજવે તોળો નહીં.
(૧૧) બધા જ તમારી સાથે સહમત થાય અને તમારા કહ્યા પ્રમાણે કરે અને તમારી ઈચ્છા પ્રમાણે ચાલે એવી અપેક્ષા કદી રાખો નહીં. સૌને પોતાના ગમા-અણગમા હોય છે.
(૧૨) બધા તમારા જેવા બને એવી આશા રાખો નહીં. દરેકની પ્રકૃતિ અને સ્વભાવ જુદા હોય છે. તમે તમારી રીતે ચાલો અને બીજાને તેમની રીતે ચાલવા દો.
(૧૩) દરેકને ખુશ રાખવાની મથામણ કરો નહીં. કોઈને દુ:ખ ન પહોંચે તેનું જરૂર ધ્યાન રાખો. બધાને રીઝવવા અશક્ય છે. તેથી નાહકની ચિંતા અને વ્યગ્રતા અનુભવવી નહીં. મૈત્રીપૂર્ણ અને નિષ્કપટ રહો એટલે ઘણું.
(૧૪) નિષ્ઠુર બનો નહીં અને વધુ પડતા લાગણીશીલ પણ બનો નહીં. બીજા પાસેથી અપેક્ષા રાખો નહીં. પરિણામ અને ફળની આશા વગર કર્તવ્ય નિભાવે જાવ.
(૧૫) સહજ રીતે જીવો. ખોટો દંભ કરો નહીં. જીવન પદ્ધતિને વધુ અર્થપૂર્ણ અને વિવેકપૂર્ણ બનાવો. સતત કામના બોજા હેઠળ રહેવાનું ટાળો. ઉતાવળમાં
રહેવાની ટેવથી બચો. આરોગ્ય અને ભોજન પાછળ નિરાંતનો સમય આપો.
(૧૭) ચિંતા, વ્યથા અને મુંઝવણને અંદર દબાવી રાખો નહીં. કોઈ સહૃદયી વ્યક્તિ પાસે પોતાનું દિલ હળવું કરી નાખવું. પરંતુ આ માટે સાચી વ્યક્તિને પસંદ
કરજો. બધા મિત્રો અને સ્નેહીઓ પાસે દિલ ખોલી શકાતું નથી.
(૧૮) સાચી વાતનો સ્વીકાર કરો. આપણે સાચા છીએ અને બીજા ખોટા છે. આવા ભ્રમમાં કદી રહેશો નહીં. બીજાને માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખો.
(૧૯) દરેક બાબતમાં આગળ નીકળી જવાની અને પ્રથમ નંબર પ્રાપ્ત કરવાની મહેચ્છા રાખો નહીં. આ નંબર વનનું સ્થાન ટકાવી રાખવા માટે અપાર મથામણ કરવી પડે છે. અને આ નંબર છીનવાઈ જાય ત્યારે દુ:ખનો પાર રહેતો નથી.
(૨૦) દરેક બાબતમાં બીજાના દોષ કાઢવાની વાતથી દૂર રહો અને ગુણગ્રાહી બનો.
(૨૧) જીવનમાં હંમેશાં બધું મેળવવું એ જરૂરી નથી. કેટલીક વખત ગુમાવવાનું પણ અદકેરું મહત્ત્વ હોય છે. ગુમાવે છે એ મેળવે પણ છે. બીજ મટી જાય છે ત્યારે જ નવા વૃક્ષનો જન્મ થાય છે.
ઓશોના કથન મુજબ
“વર્તમાનમાં જીવો, સહજ રીતે જીવો, અને એકલા જીવો આનો અર્થ એ છે કે વર્તમાનને નજર સમક્ષ રાખીને સાહજિકતાથી પોતાની રીતે જીવો અને જીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરો. ચિંતા અને તનાવમાંથી મુક્ત રહેવું એ જ સાચો આરામ છે. ચિંતાઓ છોડો ચિંતવન કરો, જીવનને ઉલ્લાસ અને પ્રસન્નતાથી ભરી દો. બાળકોના સ્મિતમાં, કલકલ વહેતા ઝરણામાં, પક્ષીઓના કલરવમાં, પુષ્પોના પમરાટમાં જીવનનું સંગીત માણો. આ બધા નિજાનંદ માટે થોડો સમય કાઢો અને પછી જુઓ તમને લાગશે કે વૃદ્ધાવસ્થા હજી ઘણી દૂર છે. જીવન જીવવા જેવું છે.