જિનદર્શન – મહેન્દ્ર પુનાતર
જીવનના ચાર પુરુષાર્થોમાં ધર્મ પછી ધન છે. આમ છતાં ધન સર્વસ્વ નથી. માત્ર એક સાધન છે એનાથી સુખ મળશે એ પણ નિશ્ર્ચિત નથી. પૈસો હાથનો મેલ હવે રહ્યો નથી તે ભલભલાના હાથનો મેલ ધોઈ નાખે છે. અને બધી બુરાઈઓને ઢાંકી દે છે. પૈસાનો ચળકાટ લોહચુંબક જેવો છે. તે સૌને આકર્ષે છે. આ માણસની પહેચાન છે. આ સિદ્ધિ, સફળતા અત્યારના અર્થમાં પૈસા સિવાય બીજું છે પણ શું ?
જીવનમાં પૈસા જરૂરી છે તેના વગર કશું થઈ શકે નહીં. ગમે તેટલી નશ્ર્વરતાની અને ત્યાગની વાત કરીએ પણ વાસ્તવિકતા એ છે કે ગમે તેટલું ધન હોય પણ કોઈ કહેશે નહીં કે મારે હવે વધારે જોઈતું નથી. ધન વધવાની સાથે તેની પક્કડ પણ વધે છે. ધનનો પ્રભાવ ચોમેર વધ્યો છે. કુટુંબ, સમાજ, ધર્મ અને જીવનના હર ક્ષેત્રમાં પૈસાની બોલબાલા છે. પૈસા હોય તો લોકો સલામ કરે, ઊંચા આસને બેસવા મળે, પ્રશંસા અને વાહવાહ થાય, આબરૂ અને પ્રતિષ્ઠા વધે. પૈસા ગયા તો બધું ખલાસ. માણસ કોડીનો થઈ જાય. નજીકના લોકો દૂર ખસી જશે, મિત્રો વિદાય થશે, સૌ કોઈ મુખ ફેરવી લેશે. લોકો માણસને નહીં પણ પૈસાને પૂજે છે.
પૈસા બહુ કામની ચીજ છે પણ તે એક સાધન છે સાધ્ય નહીં તેમાંથી સુખ મળશે એ નિશ્ર્ચિત નથી, પરંતુ સગવડો અને સુવિધાઓ જરૂર મળશે. તેનાથી દુ:ખ ઓછું થઈ જશે એમ કહેવાય નહીં, પરંતુ કષ્ટ જરૂર ઓછું થઈ જશે. ધન શ્રીમંતો માટે દુ:ખનું કારણ બની શકે છે જ્યારે ગરીબો માટે તે કષ્ટ નિવારણ છે. દુ:ખ મનસિક છે અને કષ્ટ શારીરિક છે. શ્રીમંતોને કષ્ટ હોતું નથી દુ:ખ હોય છે. જ્યારે ગરીબોને દુ:ખ હોતું નથી પણ કષ્ટ હોય છે.
ધનના સારા ગુણો એ છે તેનાથી આત્મવિશ્ર્વાસ વધે છે, સલામતીનો અહેસાસ થાય છે. સાચું કહેવાની,અને પોતાનો મત વ્યક્ત કરવાની હિંમત વધે છે. માણસ થોડો ઉદાર બને છે. અને કદીક સારું કરવાના વિચારો પણ પ્રગટે છે. પૈસાથી બધું ખરાબ થયું છે એવું નથી, ઘણું સારું પણ થઈ શક્યું છે.
પૈસા આપણને વહાલા છે. આપણે તેને સાચવીએ છીએ, તેનું જતન કરીએ છીએ. પૈસા આપણને ગમે છે પણ પૈસાને આપણે ગમીએ છીએ કે કેમ તે પ્રશ્ર્ન છે. કાલે આ પૈસા બીજાં પાસે જશે તો બીજાને ગમવા લાગશે. પૈસા એમ નહીં કહે કે હું તમને ચાહું છું એટલે હું તમારી પાસે અને તમારી સાથે જ રહીશ. હું તમને છોડીને બીજા કોઈ પાસે જઈશ નહીં. એ તો જેની પાસે જશે તેને પ્રેમ કરવા લાગશે. તેને સહાય કરશે, તેને ઉપયોગી થશે. પૈસા આપણી પાસેથી ગયા તો આપણે વિલાપ કરીશું. પૈસાને કશું દુ:ખ થશે નહીં. ધન કાયમને માટે કોઈનું રહ્યું નથી. પૈસાથી અભિમાન આવે, અહંકાર ઊભો થાય, દંભ વધે અને તુમાખી આવે તો તેમાં ધનનો કોઈ વાંક નથી. દોષ આપણો છે. ધન સારું કે ખરાબ નથી. આપણે તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેના પર બધો આધાર છે. પ્રામાણિકપણે શુદ્ધ દાનતથી પરિશ્રમ દ્વારા નીતિને માર્ગે જે ધન આવે છે તેનો આનંદ અપાર હોય છે. સહેલાઈથી મહેનત વગર જે ધન મળે છે તેને જતા પણ વાર લાગતી નથી. પૈસા હોવા છતાં તેનું બેહૂદુ પ્રદર્શન ન થાય, અહમ્ના આવે અને નાના માણસ સાથે પણ નમ્રતાપૂર્વક, પ્રેમપૂર્ણ વ્યવહાર કરે તેનું ધન દીપી નીકળે છે. આ તેની સાચી શ્રીમંતાઈ છે. જીવનમાં જે ચાર પુરુષાર્થ કહ્યા છે તેમાં ધર્મ પછી ધનનું બીજું સ્થાન છે. આમ છતાં પૈસા સર્વસ્વ નથી. પૈસાથી જીવનમાં બધાં સુખો મળશે એવી આશા રાખવી નકામી છે. જીવનની જરૂરિયાત પૂરી થાય અને વહેવાર સચવાય એટલો પૈસો જરૂરી છે. બાકીનો પૈસો મોજમજા અને એશ આરામમાં વપરાય છે. સંતો અને મુનિ મહારાજો કહે છે પ્રામાણિકપણે આવે અને સન્માર્ગે વપરાય તે ધન સારું. પણ આની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. લોકો કહે છે પ્રામાણિકતાથી ધંધો કરવા બેસીએ તો માંડ માંડ રોટલા નીકળે. બીજું કશું વળે નહીં. સાચું શું અને ખોટું શું એની પણ વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. દરેકને એમ લાગે છે કે પોતે જે કાંઈ કરી રહ્યો છે તે સાચું છે. ધન આજે સન્માર્ગે ઓછું વપરાય છે. મોજશોખ અને શાન શોહરત માટે તેનો વધુ ઉપયોગ થાય છે. ધન મળ્યા પછી બધાને સારા, મોટા દેખાવું છે અને આ અંગે હોડ ચાલી રહી છે.
જીવનમાં ધન આવવાની સાથે જરૂરિયાતો વધતી જાય છે. અને માણસ સુખનો એદી બની જાય છે. મહેનત, પરિશ્રમ ઓછો થઈ જાય છે. અને આધિ, વ્યાધિ અને ઉપાધિ વધે છે. સુખ જરા ઓછું થઈ જાય તો દુ:ખના ડુંગરો આવી ગયા હોય એવું લાગે છે. જીવનમાં બધું થોડું થોડું મીઠું છે. એક સામટું સુખ અને એક સામટું દુ:ખ માણસને ડગમગાવી નાખે છે.
ધન વધવાની સાથે જો તેનો સદુપયોગ ન થાય તો સંચયની વૃત્તિ વધે છે અને માણસ પરિગ્રહી બની જાય છે. જે મળે તે ઓછું લાગે છે. સાચું સુખ સંતોષમાં છે. પૈસા આવે તેમ ઉદારતા વધવી જોઈએ. માણસ મનથી દરિદ્ર હોય તો ધન દોલત પણ તેને સુખ આપી શકે નહીં. ધન કેટલીક વખત સંકુચિત અને જડ બનાવી નાખે છે. માણસ પૈસા ગણતો થઈ જાય છે. પરિગ્રહમાં પણ સૂક્ષ્મ હિંસા સાથે ભય રહેલો છે. કોઈ પણ વસ્તુની માલિકી પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે તેની ગુલામી પણ સ્વીકારી લેતા હોઈએ છીએ. જે કાંઈ મળ્યું છે તે ચાલ્યું તો નહીં જાય ને, કોઈ છીનવી તો નહીં લેને, ખોટ તો નહીં જાય ને, એવો ભય હંમેશાં સતાવ્યા કરે છે. વધુ મેળવવાની લાયમાં કેટલીક વખત પૈસા ગુમાવવા પડે છે. જેટલી કિંમતી વસ્તુ આપણી પાસે હોય તેટલો ભય વધારે. મોટાભાગના લોકો ધન દોલતને પકડીને બેસી જાય છે. ધનથી માણસ બંધાઈ જાય છે. સાચો ત્યાગ એ છે કે તમે કોઈ વસ્તુમાં બંધાવ નહીં. પ્રાપ્તિ અને તેના અભાવમાં પણ સુખ માણો.
જેમની પાસે વધુ હોય છે તેમની તૃષ્ણા અને લાલસાનો કોઈ અંત નથી જેમની પાસે ઓછું હોય છે તેમની આશા તૃષ્ણા ધીરે ધીરે મરતી જાય છે. તેવો પરિસ્થિતિને સ્વીકારી લે છે. મેળવવાની અને ગુમાવવાની તેમની શક્તિ સીમિત બની જાય છે. માણસ બહારથી સમૃદ્ધ બને છે તેમ અંદરથી પણ સમૃદ્ધ બનવો જોઈએ. મોરારિબાપુએ સુખની વ્યાખ્યા બતાવી છે “ધન ઓછું, તન મધ્યમ અને મન મોટું એ માણસ સુખી.
ધન કોઈ સાથે લઈ જઈ શક્યું નથી. બધું અહીંને અહીં રહેવાનું છે. ધનનો જો સદુપયોગ થશે તો લોકો તેને યાદ રાખશે. બાકી દુનિયા કોઈને યાદ કરતી નથી. ધન, શક્તિ અને સત્તા મેળવવી સહેલી છે, પરંતુ તેનો સદુપયોગ કરવો મુશ્કેલ છે. ધનની ત્રણ ગતિ છે દાન, ભોગ અને નાશ. જે માણસ ધન આપતો નથી અને ભોગવતો નથી તેનું ધન નાશ પામે છે અથવા તિજોરીમાં પડ્યું રહે છે. ધનનો શ્રેષ્ઠ ઉપયોગ છે દાન. બીજાના આંસુ લૂછવામાં ધનનો ઉપયોગ થાય તો તેના જેવો બીજો કોઈ ધર્મ નથી. ઉ