Homeધર્મતેજસ્વાર્થનો સંઘર્ષ છેતરવા કરતાં છેતરાઈ જવું સારું

સ્વાર્થનો સંઘર્ષ છેતરવા કરતાં છેતરાઈ જવું સારું

જિનદર્શન – મહેન્દ્ર પુનાતર

સ્વાર્થ અને લોભમાં સંબંધોનું કોઈ મૂલ્ય રહેતું નથી: દીકરો બાપ સાથે ઝઘડે છે. ભાઈઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય છે. સ્નેહીઓ વચ્ચે દીવાલો રચાય છે અને ગાઢ મૈત્રી તૂટે છે

જીવનમાં સ્વાર્થનો સંઘર્ષ છે. પ્રત્યેક માણસ વધતે ઓછે અંશે પોતાનો સંકુચિત સ્વાર્થ જુએ છે અને તેમાં સુખ સમાધાન માને છે. રાગ દ્વેષનો આ સંગ્રામ છે. સ્વાર્થ વધુ ઘેરો બને છે ત્યારે તેમાં મતાગ્રહ, હઠાગ્રહ અને ઝનૂન ઉમેરાય છે. માણસમાં પ્રેમ, કરુણા, મૈત્રી, પરોપકાર, અને દયાના ઝરણાઓ અને સ્ત્રોતો અનેકવિધ સ્વરૂપે વહેતા હોય છે. પણ સ્વાર્થની પાળોથી આ વહેણો અટકી જાય છે. પોતાનો સ્વાર્થ સધાતો હોય ત્યારે માણસ બધું કરી છૂટે છે. સ્વાર્થ ભાવનામાં સંબંધોનું કોઈ મૂલ્ય રહેતું નથી. દીકરો બાપ સાથે ઝઘડે છે. સ્નેહીઓ વચ્ચે દીવાલો રચાય છે. ગાઢ મૈત્રી તૂટે છે અને ભાઈઓ ભાઈઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય છે.
પોતાના થોડા એવા સ્વાર્થ માટે બીજાનું પારાવાર નુકસાન કરી નાખે છે. સ્વાર્થ આવે ત્યારે માણસ અંધ બની જાય છે, દ્રષ્ટિ સીમિત થઈ જાય છે. પોતાના લાભ સિવાય તેને બીજું કશું દેખાતું નથી. સ્વાર્થ માટે માણસ અસત્ય, હિંસા અને અનીતિનો આશરો લે છે, જૂઠું બોલે છે, કપટ આચરે છે અને બીજાને એક યા બીજી રીતે છેતરતો રહે છે. જીવનમાં બધા દુ:ખોનું મૂળ સ્વાર્થ છે અને તેના કારણે લોભ અને મોહ ઊભો થાય છે. અને માણસ ન કરવાના કામો કરે છે.
હાલના સમયમાં માણસ અનેક પ્રશ્ર્નો અને મૂંઝવણોથી ઘેરાયેલો છે. સામાન્ય માણસ આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી બચવા મથામણ કરે છે. સુખ ઝંખે છે. મુશ્કેલીઓ ટાળવા મથામણ કરે છે. તે સત્ય – અસત્ય, નીતિ -અનીતિ, પ્રામાણિકતા -અપ્રામાણિકતા વચ્ચે ખેંચતાણ અનુભવતો હોય છે. સામાન્ય માણસો થોડુંક કહેવાતું સુખ મેળવવા માટે અબુધપણે અજ્ઞાનવસ અનીતિ આચરે છે. શક્તિશાળી માણસો સત્તા, કીર્તિ, પદ અને પ્રતિષ્ઠા માટે જૂઠ અને અનીતિનો સહારો લેતા હોય છે. સ્વાર્થ લોભ અને મોહના કારણે માણસ જૂઠ, કપટ અને કાવાદાવા રચે છે. આમ છતાં જન સમાજ અને સમુદાય સર્વથા મનુષ્યત્વ ગુમાવી બેઠો નથી. દરેક માણસ સારો અને સદાચારી બનવા ઈચ્છે છે પણ સંજોગો અને પ્રકૃતિ અનુસાર તે સ્વાર્થમાં ખેંચાય છે. આમ છતાં સ્વાર્થ ભાવના વચ્ચે પણ કદી કદી સારાઈના તત્ત્વો બહાર આવે છે. કોઈ માણસ બધી રીતે સારો કે ખરાબ નથી. ખરાબ માણસ પણ સારું કરે છે ત્યારે તે ભગવાનનો માણસ લાગે છે. આવું બને છે ત્યારે પ્રેમના પુષ્પો ખીલી ઊઠે છે. માનવતાનો ઉજાસ દેખાય છે. સાધુ સંતો પણ સર્વથા સર્વ ગુણ સંપન્ન હોતા નથી. જગતમાં સારું અને ખરાબ બંને છે. તે દ્વંદ્વો અને વિરોધાભાસ વચ્ચે ચાલી રહ્યું છે. શુભ અશુભ, સારું નરસુ, સુખ દુ:ખ, ચડતી પડતી, આશા નિરાશા, જય પરાજય બધું સાથે સાથે ચાલી રહ્યું છે.
જિંદગી એ સમયનો સરવાળો છે એમાં આપણે ગુણાકાર કરતા રહીએ છીએ અને છેવટે ભાગાકાર થઈ જાય છે. ટૂંકા સ્વાર્થ અને બીજાને ઓછું પોતાને વધુ મળી જાય એવી લાલસામાં આપણે ઘણું બધું ગુમાવી દેતા હોઈએ છીએ પણ આપણને ખ્યાલ આવતો નથી. એક બોધ કથા આ અંગે પ્રેરક છે.
એક કુંભારને ગધેડા ચરાવતા ચરાવતા નદીના પટની ઉપરવાસના ભાગમાંથી એક ચમકતો પથ્થર દેખાયો. તેજના ઝગારા મારતો આ ગોળમટોળ પથ્થર એટલો આકર્ષક હતો કે તેણે ઊંચકીને ફેરવી ફેરવીને જોયો અને ગમી જતાં ગધેડાની ડોકે બાંધી દીધો.
એક દિવસ એ ગધેડાને લઈને જતો હતો ત્યાં સામેથી ગામનો ઝવેરી મળ્યો. ગધેડાની ડોકમાં આ ચમકતા પથ્થરને જોઈને તેને આશ્ર્ચર્ય થયું. પાસે જઈને આ પથ્થરને ચોમેરથી નિહાળ્યો. તેને આ હીરો હોવાનું જણાયું.
ઝવેરીએ પૂછ્યું ; તારે આ પથ્થર વેચવો છે ? કુંભારે હા પાડી. શેઠે કહ્યું બોલ કેટલાં પૈસા આપું. કુંભારને થયું શેઠ આમ અમથાં અમથાં પૈસા આપે તેવા નથી. તેમને આ પથ્થર કામનો લાગે છે એટલે ઓછા પૈસા લેવા નહીં. કુંભારે કહ્યું આના પૂરા સો રૂપિયા લઈશ.
ઝવેરીએ કહ્યું ; કેમ ગાંડો થઈ ગયો છે. આના સો રૂપિયા હોય. તને કોઈ પાંચ રૂપિયા પણ નહીં આપે. રકઝક પછી ઝવેરી પચાસ રૂપિયા આપવા તૈયાર થયો પણ કુંભારે જીદ પકડી. સો રૂપિયાથી કાંઈ ઓછું નહીં.
ઝવેરીને થયું ગામમાં આની કિંમતની કોને ખબર છે. આજે નહીં તો કાલે એ દોડતો આવશે. એક બે દિવસમાં ક્યાં ખાટા મોળું થઈ જવાનું હતું.
એક બે દિવસ થયા કુંભાર આવ્યો નહીં એટલે કાંઈ બહાનું કાઢીને ઝવેરી કુંભાર વાડામાં ગયાં. અને ગધેડાની ડોકમાં હીરો નહીં જોતાં તેને આંચકો લાગ્યો. તેણે કુંભારને પૂછ્યું ગધેડાની ડોકમાંથી પેલો પથ્થર કેમ કાઢી નાખ્યો.
કુંભારે કહ્યું તમે ગયા પછી હું ગધેડા ચરાવવા ગયો ત્યારે એક ઘોડે સવાર ત્યાંથી પસાર થયો. અને તેણે આ ચમકતાં પથ્થરને જોયો અને તેને ગમી જતાં તેણે મને રૂપિયા બસો આપી ખરીદી લીધો.
ઝવેરીએ માથું કૂટ્યું અને કહ્યું મૂરખ આ હીરો હતો. લાખ રૂપિયાની ચીજ તે ૨૦૦ રૂપિયામાં પધરાવી દીધી.
કુંભારે કહ્યું ; હું તો અબૂધ છું. મને કિંમતની શી ખબર. આમ છતાં હું ફાયદામાં રહ્યો. મને સોને બદલે બસો રૂપિયા મળ્યા, પરંતુ તમે ઝવેરી થઈને માત્ર ૫૦ રૂપિયાનાં લોભમાં લાખ રૂપિયા ગુમાવ્યા. મૂરખ કોણ હું કે તમે ?
ઓશોએ ટાંકેલી થોડા ફેરફાર સાથેની આ કથા હ્રદય સોંસરવી ઉતરી જાય તેવી છે. જીવનમાં થોડા માટે આપણે કેટલું બધું ગુમાવીએ છીએ તેનો ખ્યાલ આવતો નથી. થોડા પૈસા, થોડી મિલ્કત, થોડી ચીજ વસ્તુઓ માટે સ્વાર્થ અને લોભમાં તણાઈને કુટુંબ, પરિવાર અને સમાજમાં આપણે કેટલી મોટી કિંમત ચૂકવવીએ છીએ તેનું ભાન રહેતું નથી. ભાઈઓ જુદાં પડે છે, કુટુંબના ભાગલાં પડે છે, પરિવારમાં ઝઘડાં થાય છે, મૈત્રી તૂટે છે, બોલવાનો વહેવાર રહેતો નથી. અને સૌ વેરવિખેર થઈ જાય છે. જે ગુમાવીએ છીએ તેની સામે જે કંઈ મળે છે તેની કોઈ કિંમત રહેતી નથી. અબુધ માણસો આવું કરે તે સમજી શકાય છે, પરંતુ શિક્ષિત અને સમજદાર લોકો બધું હોવા છતાં કુટુંબમાં સ્વાર્થના કાવાદાવા રચે છે ત્યારે સમજાતું નથી કે તેઓ આખરે શું મેળવવા માંગે છે.
મોટા લોકોને મોટો લોભ, મોટો સ્વાર્થ અને મોટો અહ્મ. જે માણસ પ્રેમ, સ્નેહ અને સંબંધોમાં પણ ફાયદાનો, ગણતરીનો અને નફા નુકસાનનો વિચાર કરે છે તે કેટલીક વખત મોટી ખતા ખાય છે.
આપણી આસપાસ જાત જાતના અને ભાત ભાતના લોકો છે. કેટલાક લડે છે, કેટલાક લડાવી મારે છે. કેટલાક ઘૂસણિયા, કેટલાક માખણિયા, કેટલાક સ્વજન હોવાનો, મિત્ર હોવાનો અને પર દુ:ખ ભંજન હોવાનો દાવો કરીને કુટુંબ અને પરિવારમાં ફૂટ પડાવે છે અને પોતાનો સ્વાર્થ સાધે છે. મીઠું મીઠું બોલીને છેતરી જનારા લોકોનો તોટો નથી. તેઓ પોતાના ફાયદા માટે કપટ આચરે છે. જુઠાણાં ફેલાવે છે અને કોઈને ઉલ્લું બનાવીને બીજાને ખંખેરવામાં આનંદ અનુભવે છે. માણસ સત્યની, ઉદારતાની, નીતિમત્તાની, પ્રામાણિકતાની વાતો કરે છે પણ તેને જીવનમાં ઉતારવાનું બહુ કઠિન છે.
સ્વાર્થ તો વધતે ઓછે અંશે બધામાં હોય છે. પણ માણસે એટલું નક્કી કરવું જોઈએ કે તે કદાચ છેતરાઈ જશે પણ બીજાને છેતરશે નહીં, બીજાના હક્કનું ઝૂંટવી લેશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular