ઝુનઝુનવાલા રોકાણકારોના અસલી હીરો હતા

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

રવિવારે વહેલી સવારે રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થઈ ગયું ને લોકોને આંચકો લાગી ગયો કેમ કે ઝુનઝુનવાલાની ઉંમર માત્ર ૬૨ વર્ષ જ હતી. મેડિકલ ટેકનોલોજીનો વિકાસ અને ઝુનઝુનવાલાની ગમે તેવી સારવાર મેળવવાની તાકાત જોતાં એ અચાનક ગુજરી જાય એવી કોઈને કલ્પના પણ નહોતી. તેમની તબિયત ખરાબ હતી ને એ મોટા ભાગે વ્હિલ ચેરમાં રહેતા પણ એટલી ખરાબ નહોતી કે ગુજરી જાય તેથી સૌને આંચકો લાગે એ સ્વાભાવિક છે.
કોલેજમાં ભણતા ત્યારે ૫૦૦૦ રૂપિયાથી શેરોમાં રોકાણ શરૂ કરીને રૂપિયા ૪૪ હજાર કરોડની સંપત્તિ એકઠી કરનારા ઝુનઝુનવાલાએ ગયા અઠવાડિયે ’અકાસા’ એરલાઇન સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો હતો. તેના પરથી જ સ્પષ્ટ છે કે, ઝુનઝુનવાલાને પોતાને પણ પોતે લાંબું જીવશે એવો વિશ્ર્વાસ હતો પણ આ વિશ્ર્વાસ સાચો ના પડ્યો.
શેરમાર્કેટમાં રોકાણકારોની જીભે ઝુનઝુનવાલાનું નામ સતત રમ્યા કરતું, ઝુનઝુનવાલા શેરબજારમાં શું કરે છે તેના પર સૌની નજર રહેતી તેથી બહુ મોટા વર્ગમાં એ લોકપ્રિય હતા. સામાન્ય રોકાણકારો શેરબજારમાં પૈસા ગુમાવી રહ્યાં હોય ત્યારે પણ ઝૂનઝૂનવાલાની કમાણી ચાલુ રહેતી તેના કારણે સૌની તેમના પર નજર રહે એ સ્વાભાવિક છે. ઝુનઝુનવાલાને ઘણા બિગ બુલ કહે છે પણ વાસ્તવમાં ઝૂનઝૂનવાલા બેરીશ હતા. શેરોના ભાવ ઘટે ત્યારે ખરીદવા ને ધીરજથી રાહ જોવી એ તેમની ખાસિયત હતી. આ ખાસિયતે જ તેમને ભારતીય શેરબજારના જાદુગર બનાવ્યા.
રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ તરીકે કહેવામાં આવે છે પણ ઝુનઝુનવાલાનો રસ માત્ર શેરબજાર પૂરતો નહોતો. થોડા સમય પહેલાં ઝુનઝુનવાલાએ એરલાઇન સેક્ટરમાં પણ પ્રવેશ કર્યો હતો. ઝુનઝુનવાલાએ નવી એરલાઇન કંપની અકાસા એરમાં મોટું રોકાણ કર્યું હતું. ૭ ઑગસ્ટથી આ કંપનીએ કામગીરી શરૂ પણ કરી દીધી છે. સામાન્ય માન્યતા એવી છે કે, શેરબજારમાંથી જંગી કમાણી કર્યા બાદ ઝુનઝુનવાલાએ નવું સાહસ કર્યું છે પણ આ માન્યતા ખોટી છે.
ઝુનઝુનવાલા પહેલાંથી બે સફળ કંપની ચલાવી જ રહ્યા છે. એપ્ટેક ભારતમાં વોકેશનલ ટ્રેઈનિંગ સર્વિસ આપતી ટોચની કંપની છે. એરેના એનિમેશ સહિતની બ્રાન્ડ એપ્ટેકની છે. ઝુનઝુનવાલાએ શેરબજારમાંથી કમાણી કરી તેના બહુ પહેલાં એટલે કે ૧૯૮૬માં આ કંપની શરૂ કરેલી. ઝુનઝુનવાલાએ ૧૯૯૯માં હંગામા ડિજિટલ મીડિયા એન્ટરટેઈનમેન્ટ કંપની બનાવેલી. બાળકો માટેની હંગામા ટીવી ચેનલ અને બોલીવૂડ હંગામા વેબસાઈટ આ કંપનીની છે. ઝુનઝુનવાલા આ બંને કંપનીના ચેરમેન છે.
ઝુનઝુનવાલા શ્રીદેવીને નેશનલ એવોર્ડ અપનાવનારી ફિલ્મ ઈંગ્લીશ વિંગ્લીશના પણ નિર્માતા હતા. આ તો તેમનાં શેરબજાર સિવાયનાં મુખ્ય રોકાણોની વાત કરી પણ બીજી ઘણી કંપનીઓમાં તેમનાં રોકાણ હતાં. અલબત્ત તેમનો મુખ્ય રસ શેરબજાર જ હતો તેથી મુખ્ય ધ્યાન શેરબજારમાં રોકાણ પર જ કેન્દ્રિત કર્યું.
ઝુનઝુનવાલાએ શેરોમાં રોકાણમાં હંમેશા નૈતિકતા સાથે કરીને એક નવો આદર્શ સ્થાપિત કર્યો એમ કહીએ તો ખોટું નથી. ભારતમાં શેરબજારના રોકાણકારોમાં હર્ષદ મહેતા અને કેતન પારેખ જેવા લોકો પણ એક સમયે હીરો બની ગયેલા. હર્ષદ મહેતા અને કેતન પારેખ જે શેરમાં હાથ નાંખે એ સોનું બની જાય એવી માન્યતા હતા. તેના કારણે શેરબજારના રસિયા એવા રોકાણકારો હર્ષદ મહેતા અને કેતન પારેખ શું કરે છે તેના પર મીટ માંડીને બેસતા, તેમને અનુસરતા હતા.
જો કે હર્ષદ મહેતા અને કેતન પારેખ બંનેએ બૅંકોનું કરી નાંખીને સંપત્તિ એકઠી કરેલી તેથી તેમનો ફુગ્ગો ફૂટી ગયો. રાકેશ ઝુનઝુનવાલા કદીય હર્ષદ મહેતા અને કેતન પારેખની જેમ રોકાણકારોના હીરો ના બન્યા પણ કદી અનૈતિકતા ના આચરી તેથી તેમનો ફુગ્ગો મોટો થતો ગયો, કદી ફૂટ્યો નહીં. બલકે ફૂટે એમ જ નથી એ જોતાં શેરબજારના અસલી હીરો એ જ હતા.
વાસ્તવમાં રાકેશ ઝુનઝુનવાલા વિશે રોકાણકારોને ખબર જ બહુ મોડી પડી. છેલ્લા એકાદ દાયકાથી જ તેમનું નામ સામાન્ય રોકાણકારોની જીભે રમતું થયું, બાકી ઝુનઝુનવાલા તો ચાર દાયકાથી રોકાણ કરતા હતા. માત્ર પાંચ હજાર રૂપિયાથી રોકાણ શરૂ કરનારા રાકેશ ઝુનઝુનવાલાની સંપત્તિ ૪૪ હજાર કરોડ રૂપિયા થઈ એ શેરબજારમાં રોકાણનો જ પ્રતાપ છે.
નોંધવા જેવી વાત એ છે કે, રાકેશ ઝુનઝુનવાલા હજારો કરોડ રૂપિયાની સંપત્તિમાં આળોટતા થઈ ગયા છતાં તેમણે કદી કોઈ ગોલમાલ કરી હોય કે કોઈ વિવાદમાં ફસાયા હોય એવું બન્યું નથી. એક અપવાદરૂપ કિસ્સો સેબી દ્વારા બે વર્ષ પહેલા કરાયેલી ઈનસાઈડર ટ્રેડિંગની ફરિયાદ છે. રાકેશ ઝુનઝુનવાલા અને તેમનાં પત્ની રેખા બંને સામે સેબીએ તપાસ કરેલી. રાકેશ ઝુનઝુનવાલાનો દાવો પોતે કશું ખોટું નહી કર્યું હોવાનો હતો પણ વિવાદ ચગે નહીં એ માટે રાકેશ ઝુનઝુનવાલા અને તેમના સાથીઓએ ૩૫ કરોડ રૂપિયા ભરીને વાતનો નિવેડો લાવવાનું પસંદ કરેલું.
રાકેશ ઝુનઝુનવાલાએ પોતે ૧૮ કરોડ અને તેમનાં પત્ની રેખાએ ૩.૨ કરોડ રૂપિયા ભરેલા. રાકેશ ઝુનઝુનવાલા શેરબજારને બિઝનેસ તરીકે લેતા હતા, લોકોનું કરી નાંખવાનું માધ્યમ નહીં તેનો આ પુરાવો છે.
રાકેશ ઝુનઝુનવાલાનું ભારતીય અર્થતંત્રમા કે જાહેર જીવનમાં એવું બહુ મોટું યોગદાન નથી કે જેના કારણે તેમના જવાથી બહુ મોટી ખોટ પડી જાય પણ ઝુનઝુનવાલા શેરબજારના રોકાણકારો માટે એક મંત્ર મૂકતા ગયા છે. આ મંત્ર શેરબજારના દરેક રસિયાએ યાદ રાખવા જેવો છે. ઝુનઝુનવાલાએ શીખવ્યું કે, શેરોમાં રાતોરાત કમાણી કરીને કરોડપતિ નથી બનાતું પણ ધીરજપૂર્વક વરસોનાં વરસો રોકાણ કરવું પડે છે, રાહ જોયા કરવી પડે છે.
વોરન બફેટ સહિતના વિશ્વના મહાન રોકાણકારો સતત જે સલાહ આપ્યા કરે છે તેને ઝુનઝુનવાલાએ બરાબર પચાવી હતી, તેનો જિંદગીભર અમલ કર્યો ને તેના કારણે જ કોઈએ ધારી ના હોય એટલી સંપત્તિ ઊભી કરી. ઝુનઝુનવાલાની જિંદગી એ જ શીખવે છે કે, તમે પણ શેરબજારમાંથી કરોડો કમાઈ શકો પણ તેના માટે ઝુનઝુનવાલા જેવી ધીરજ જોઈએ, શેરબજારના આંચકાઓને પચાવવાની હિંમત જોઈએ. સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટ હતો અને આજે ૫૫ હજારને પાર છે. આ સફરમાં ઘણા ખુવાર થઈ ગયા પણ ઝુનઝુનવાલા ટકી ગયા કેમ કે તેમનામાં ધીરજ હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.