ઝારખંડમાં 17 વર્ષની છોકરીને પેટ્રોલ છાંટીને સળગાવી, મોત બાદ તણાવ, કલમ 144 લાગુ, સરકારે સ્વીકારી ભૂલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઝારખંડના દુમકા જિલ્લામાં એકતરફી પ્રેમમાં સળગી ગયેલી ધોરણ 12ની વિદ્યાર્થિનીનું રવિવારે વહેલી સવારે સારવાર દરમિયાન મોત થયું હતું. 90 ટકા દાઝી ગયા બાદ 19 વર્ષની છોકરીને ગંભીર હાલતમાં દુમકાની ફૂલ ઝાનો મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની હાલત નાજુક જોતા ડોક્ટરોએ તેને રાંચીના રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS)માં રિફર કર્યો હતો. પાંચ દિવસની સારવાર બાદ શનિવારે મોડી રાતે તેનું નિધન થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ તેના મૃતદેહને સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો.

તેની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. બીજી તરફ પોલીસે ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ જાહેર કરી છે. આરોપીનું નામ શાહરૂખ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની વિગત મુજબ એકતરફી પ્રેમમાં પાગલ શાહરૂખે ધોરણ 12ની વિદ્યાર્થિની અંકિતા પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. ઘટના સમયે તે ઘરમાં સૂતી હતી. તેની ચીસો સાંભળીને પરિવારના સભ્યો જાગી ગયા હતા અને સળગી રહેલી અંકિતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તે 90 ટકા જેટલી દાઝી ગઈ હતી.પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે શાહરૂખ સામે કેસ નોંધી તેની ધરપકડ કરી હતી.

પીડિતા અંકિતાએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આપેલા નિવેદન મુજબ તેની પડોશમાં રહેતો શાહરૂખ એકતરફી પ્રેમમાં પાગલ થઇ તેને હેરાન કરતો હતો. 23 ઓગસ્ટના રોજ જ્યારે તે ઘરમાં સૂતી હતી ત્યારે સાંજે લગભગ 5 વાગ્યે પડોશમાં રહેતા શાહરૂખે બારીમાંથી તેના ઘરમાં પેટ્રોલ નાખ્યું હતું. અને આગ લગાડી દીધી. આનાથી તે ખરાબ રીતે દાઝી ગઈ હતી.

લોકોના મતે, વિસ્તારમાં શાહરૂખની ઈમેજ એક રખડતા છોકરાની છે. તેની સામે ભૂતકાળમાં પણ યુવતીઓની છેડતીની ફરિયાદો થઈ છે. આરોપી અંકિતાને સ્કૂલ અને ટ્યુશનમાં જતી વખતે છેડતી કરતો હતો. તેણે કોઈની પાસેથી અંકિતાનો મોબાઈલ નંબર લીધો હતો. ત્યારથી તે બિનજરૂરી મેસેજ અને કોલ કરવા લાગ્યો હતો. પીડિતાએ મરતા પહેલા કહ્યું હતું કે શાહરૂખે ધમકી આપી હતી કે જો તે તેનો પ્રસ્તાવ નહીં સ્વીકારે તો આખા પરિવારને મારી નાખશે. અંકિતાએ આ વાત તેના પિતાને જણાવી હતી. તેઓ આ બાબતે વાત કરવાના હતા. ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. પણ તેના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. પોલીસ કસ્ટડીમાં પણ તે હસતો હતો.

આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. લોકો હાથમાં બેનરો અને પોસ્ટરો લઈને પુતળા દહન કરીને પ્રદર્શન કરી રહ્યા હતા. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ દુમકા શહેરના દુધની ચોક ખાતે પ્રદર્શન કર્યું અને 19 વર્ષીય પીડિતા માટે ન્યાયની માંગણી કરી હતી. તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દુમકા સબડિવિઝનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે CrPCની કલમ-144 લાગુ કરવામાં આવી છે. આ મામલે હવે રાજકારણ પણ ખેલવામાં આવી રહ્યું છે. ભાજપના નેતાઓએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉઠાવ્યો છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ ડીએસપી નૂર મુસ્તફાએ પર આરોપી શાહરૂખને બચાવવાનો આરોપ લગાવ્યો હતો.

વિદ્યાર્થીના મોત બાદ ઝારખંડના સ્વાસ્થ્ય પ્રધાન બન્ના ગુપ્તાએ પત્રકાર સાથેની વાતચીતમાં સ્વીકાર્યું હતું કે સરકારથી ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે. હેલ્થ મિનિસ્ટરને એમ પણ પૂછવામાં આવ્યું કે તમે છોકરીને જોવા રિમ્સમાં કેમ ન ગયા, પિકનિક પર કેમ ગયા. આ પ્રશ્નનો જવાબ આપતાં તેમણે પોતાને સંવેદનશીલ ગણાવતાં કહ્યું હતું કે રાજ્ય સરકાર દુમકામાં વિદ્યાર્થીનીની હત્યા મામલે ગંભીર છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.