ઝારખંડ: સત્તા વિષાદ યોગ, આ ભૂમિ પર ક્યારેય કોઈ નાયક જન્મશે!

રોજ બરોજ

રોજ બરોજ-અભિમન્યુ મોદી

ઝારખંડ… મૂળ આદિવાસી સમુદાયનો પ્રદેશ, પણ જાણે રશિયાના ઝાર શાશકોનું રાજ હોય તેમ દેશની આઝાદી બાદ ઝારખંડે સ્વતંત્ર રાજ્ય બનવા ભારે સંઘર્ષ કર્યો. ૨૧મી સદીના ઉદય સાથે ઝારખંડને પૂર્ણ રાજ્ય તરીકે સ્વતંત્રતા મળી. આ સ્વાયત્તતાનો ઉદેશ એટલો જ હતો કે ઝારખંડની પ્રજાનું ઉત્થાન થાય, શિક્ષણનું સ્તર વધે, લોકો વિકાસના પરિમાણને સિદ્ધ કરે…પરંતુ પરિસ્થિતિ તદ્દન વિપરીત બની. બાવીસ વર્ષમાં શાસકો સત્તાની સાંઠગાંઠમાં સતત રચ્યા પચ્યા રહ્યા અને હજુ પણ આ સંઘર્ષ યથાવત્ છે. રાજકારણ જેમના લોહીમાં છે એવા ઝારખંડ મુક્તિ મોર્ચા પક્ષના પ્રમુખ અને સીએમ હેમંત સોરેન હવે હિંમત ખોઈ બેઠા છે. મહારાષ્ટ્રમાં બનેલી રિઝોર્ટ પોલિટિક્સની ઘટનાથી તેઓ એટલા ભયભીત થયા કે પોતાના ધારાસભ્યોના કાફલા સાથે સતત ફર્યા જ કરે છે. પાછા જ્યાં પ્રવાસ કરે તેના ફોટાગ્રાફ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હેશટેગ આઉટિંગના કેપ્શન લખે જાણે તેઓ મુખમંત્રી નહીં કોઈ બિઝનેસ ટાઇકૂન હોય… તસવીરમાં તેમના હસતા ચહેરા પાછળ સત્તા બચાવવાનું ગંભીર દુ:ખ છુપાયેલું છે.
સોરેનને ડર છે કે જેમ ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ ફિલ્મમાં સૌરોનની ચમત્કારી વીંટી તેનાથી દૂર થશે તેવી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી. એ જ પ્રકારે ઝારખંડમાં પણ ભાજપે ફેબ્રુઆરીમાં સીએમ સોરેનની સરકાર ધ્વસ્ત થશે તેવી આગાહી કરી દીધી હતી. અલબત્ત આ સોરેન પેલા સૌરોન કરતા ઘણાં સારા છે. પણ ઘરના ઘાતકી હોય ત્યારે સારાપણાનો સ્વભાવ ત્યજી દેવો જ હિતાવહ છે. હવે સોરેનની ગઠબંધનયુક્ત સરકારમાં કૉંગ્રેસના ધારાસભ્યો અચાનક પોતાની અસંતુષ્ટિ દર્શાવી રહ્યા છે. મૂળ તો છેલ્લાં ૮ વર્ષથી ભાજપના પૂર્વ સીએમ રઘુવર દાસ અને વર્તમાન સીએમ હેમંત સોરેન વચ્ચે ટોમ એન્ડ જેરીની જેમ યુદ્ધ ચાલે છે. જયારે ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં કોલ્હાન પ્રમંડલની સીટ પરથી રઘુવર દાસની જીત થઈ ત્યારે અનેક વાર સોરેન તેની નીતિઓ વિરુદ્ધ રેલીઓ અને આંદોલન કરવાનો મોકો ચુકતા જ નહીં. સીએનટી અને એસપીટી ઍક્ટમાં સુધારા માટેના રઘુવર દાસના નિર્ણયના વિરુદ્ધની લડાઈમાં તેઓ બહુ આગળ રહ્યા હતા. તેમણે જમીન-અધિગ્રહણ કાયદામાં સુધારાના રઘુવર દાસની સરકારના નિર્ણયનો પણ વિરોધ કર્યો.
૨૦૧૮માં ઝારખંડમાં લેન્ડગ્રેબિંગની અનેક ઘટનાઓ બની હતી, ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસના નામે અનેક જંગલોનું નિકંદન નીકળી ગયું હતું. ડહોળા પાણીને કારણે બાળકો બીમાર બન્યા હતા. જેને ધ્યાને રાખીને ૨૦૧૯ની ચૂંટણીમાં સોરેને જળ-જંગલ-જમીનના મુદ્દા પર લડ્યા હતા. ભાજપનું નબળું પ્રદર્શન ઉડીને આંખે વળગી રહ્યું હતું.
રઘુવર દાસ એક તો ગઠબંધનના સખ્ત વિરોધી, બીજું તેઓ હિન્દુત્વના સખ્ત હિમાયતી. ઝારખંડમાં પહેલી વિધાનસભાની ચૂંટણી વર્ષ ૨૦૦૫માં યોજાઈ હતી. એ વખતે માત્ર બે જ મુસલમાન ધારાસભ્યો ચૂંટાયા. બીજી વિધાનસભાની ચૂંટણી વર્ષ ૨૦૦૯માં યોજાઈ, જેમાં સૌથી વધારે એટલે કે પાંચ મુસલમાન ધારાસભ્યો તરીકે ચૂંટાયા. આ બન્ને ચૂંટણીમાં બે કૉંગ્રેસેમાં, બે ઝારખંડ મુક્તિ મોરચામાં અને એક બાબુલાલ મરાંડીના પક્ષ ઝારખંડ વિકાસ મોરચામાંથી હતા. જયારે ભાજપે અત્યાર સુધી ઝારખંડમાં કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નથી આપી.
સોરેને મુસ્લિમ મતદારોને પોતાની તરફ કરી લીધા. ઝારખંડના સંથાલ પરગણાના દેવધર, ગોડ્ડા, જામતાડા, સાહેબગંજ અને પાકુડ ઉપરાંત લોહરદગા અને ગિરડીહમાં મુસલમાનોની વસતિ સૌથી વધુ છે. સાહેબગંજ અને પાકુડમાં મુસલમાનોની કુલ વસતિ ૩૦ ટકા છે. જ્યારે દેવધર, ગોડ્ડા, જામતાડા, લોહરદગા અને ગિરિડીહ જિલ્લામાં મુસલમાનોની વસતિ ૨૦ ટકા છે. જેને પગલે લઘુમતી સમુદાય તરફથી સોરેને પૂરેપૂરો સહયોગ સાંપડ્યો.
આ ઉપરાંત સોરેને ભાજપને બાદ કરતા જેએમએમ, કૉંગ્રેસ અને આરજેડી જેવા પક્ષ સાથે ગઠબંધન કરવાની પણ જાહેરાત કરી દીધી હતી. તેની સામે રઘુવર દાસ પોતાને પીએમ મોદી સાથે સરખાવીને એવું કહેતા હતા કે, ‘મને પદ પરથી કોઈ હટાવી ન શકે’. હવે અભિમાન તો લંકાધિપતિ રાવણનું પણ નથી રહ્યું તો લોકતાંત્રિક ઝારખંડમાં રઘુવર દાસ કઈ રીતે સત્તા પર ટકી રહે?
૨૦૧૯ની ચૂંટણીમાં સોરેનની જંગી બહુમતી સાથે જીત થઈ. ઝારખંડ વિધાનસભામાં એ સમયે કુલ ૮૧ બેઠક પર સોરેને પોતાના ૩૦ ધારાસભ્યો, કૉંગ્રેસના ૧૮, આરજેડીનો એક અને એક અપક્ષ મળી ૫૦ સભ્યોની ગઠબંધન યુક્ત સરકાર રચી દીધી. પણ રઘુવર દાસ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ફડણવીસની જેમ સોરેન સરકારનો ઝીણવટ ભર્યો અભ્યાસ કરવા લાગ્યા. હવે સોરેનમાં પણ અભિમાન આવી ગયું. સત્તાના મદથી છકીને તેઓ પણ એક ભૂલ કરી બેઠા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ રઘુવર દાસના નેતૃત્વમાં ભાજપના એક ડેલિગેશને ગવર્નર સાથે મુલાકાત કરી સદસ્યતા રદ કરવાની માગ કરી હતી. ભાજપએ આરોપ લગાવ્યો હતો કે સીએમ સોરેન પદ પર છે છતાં તેમણે અનગડામાં ખાણ લિઝ પર લીધી છે. ભાજપનો આરોપ છે કે આ લોક જનપ્રતિનિધિત્વ એક્ટ ૧૯૫૧ની કલમ ૯અનું ઉલ્લંઘન છે. ભાજપનો દાવો પણ મહદઅંશે સાચો હતો. સત્તા પર હોય ત્યારે કોઈ પણ મોટી સંપત્તિ લીઝ પર લેવી એ ઓફિસ ઓફ પ્રોફિટ મુજબ ગેરકાયદે છે. ગવર્નરે ભાજપની આ ફરિયાદને યોગ્ય ગણીને ચૂંટણીપંચને મોકલી હતી. ત્યાર પછી ચૂંટણીપંચે નોટિસ ફટકારી સોરેન સરકારનો આ અંગે જવાબ માગ્યો હતો. ઓછામાં પૂરું મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થયું એમાં તો સોરેન વધુ ડરી ગયા કે ક્યાંક તેમના ધારાસભ્યો પણ વટલાઇ ગયા તો સરકાર જશે. એટલે હવે તેઓ ધારાસભ્યોને ગળે બાંધીને આઉટિંગ કર્યા કરે છે.
ઝારખંડની ભૂમિ પહેલેથી જ રાજા વિહોણી છે. અહીં જેણે શાસન કરવાનો પ્રયાસ કર્યો તેની સરકાર ટૂંક સમયમાં પડી ગઈ. ૧૫મી નવેમ્બર ૨૦૦૦ના રોજ બિહારથી અલગ થયેલા ઝારખંડમાં જે વ્યક્તિ સતા સ્થાને આવી તેણે સ્વવિકાસમાં ધ્યાન આપ્યું. ઝારખંડમાં પ્રથમવાર બાબુલાલ મરાંડીને અહીંની ભાજપ સરકારમાં પ્રથમ વખત રાજ્યની કમાન મળી. તેઓ નવા બનેલા ઝારખંડના પ્રથમ સીએમ પણ છે. જો કે આંતરિક વિરોધના કારણે તેમણે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. જે બાદ ૧૮ માર્ચ ૨૦૦૩ના રોજ, ભાજપે અર્જુન મુંડાને રાજ્યની કમાન સોંપી. વર્ષ ૨૦૦૫માં અહીં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને ભાજપને બહુમતી મળી ન હતી.
૨૦૦૫માં ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ અને સોરેનના પિતા શિબુ સોરેન પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. પરંતુ તેઓ બહુમતી સાબિત કરી શક્યા ન હતા, જેના પછી બીજેપીના અર્જુન મુંડા બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. અર્જુન મુંડા આગામી દોઢ વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. જે બાદ મધુ કોડા ૧૮ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ પ્રથમ વખત ઝારખંડના સીએમ બન્યા હતા. જો કે તેમનો કાર્યકાળ બે વર્ષ પણ પૂરો થયો ન હતો, ત્યારે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. જે બાદ ૨૮ ઓગસ્ટ ૨૦૦૮ના રોજ શિબુ સોરેન બીજી વખત રાજ્યના સીએમ બન્યા હતા. પરંતુ પછી આ સરકાર છ મહિના કરતાં પણ ઓછા સમયમાં પડી ગઈ.
૧૯ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ, ઝારખંડમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું. આ દરમિયાન ઝારખંડમાં ૨૦૦૯માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, પરંતુ કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળવાને કારણે જૂની સ્થિતિ એવી જ રહી હતી. આ ૨૯ ડિસેમ્બર ૨૦૦૯ સુધી ચાલુ રહ્યું. ૩૦ ડિસેમ્બરે શિબુ સોરેને રાજ્યની બાગડોર સંભાળી હતી. પરંતુ આ વખતે ફરી તેઓ તેમના કાર્યકાળના છ મહિના પણ પૂરા કરી શક્યા નથી. ૩૧ મેના રોજ, શિબુ સોરેને તેમના પદ પરથી રાજીનામું આપ્યું અને ૧ જૂન, ૨૦૧૦ના રોજ, ઝારખંડમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.
૧૦ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત થયું અને ભાજપના અર્જુન મુંડા ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. પરંતુ ૧૮ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ ફરીથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું. અને ૧૩ જુલાઇ, ૨૦૧૩ના રોજ, જ્યારે રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત થયું, ત્યારે હેમંત સોરેન પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા. તેમનો કાર્યકાળ ૨૩ ડિસેમ્બર સુધી ચાલ્યો, ત્યારબાદ ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણી યોજાઈ. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને અહીં સંપૂર્ણ બહુમતી મળી હતી અને રાજ્યમાં પહેલીવાર એક જ સરકાર પાંચ વર્ષ સુધી ચાલી હતી. પણ ભ્રષ્ટનેતાઓની કામગીરીથી કંટાળી પ્રજાએ ૨૦૧૯માં સોરેનને મુખ્યમંત્રી બનાવી દીધા પણ હવે તેમનું આસન પણ ડગમગી ગયું છે. એ દર્શાવે છે કે ઝારખંડના ૨૨ વર્ષના ઈતિહાસમાં ૧૧મી વખત બનશે કે કોઈ મુખ્યમંત્રીએ પોતાનો કાર્યકાળ પુરો કર્યો નથી.
પોતાને ક્રાંતિકારી બિરસા મુંડાના વંશજ કહેતા શાસકો ઝારખંડમાંથી ગાઢ જંગલોને એક પછી એક શોષતા ગયા. દેશમાં કુલ ખનીજોના ૪૦% માત્ર ઝારખંડ રાજ્યમાંથી મળે છે. ઝારખંડ રાજ્યમાં આવેલું ધનબાદ ‘કોલ કેપિટલ’ તરીકે ઓળખાય છે. ધનબાદમાં કુલ ૧૧૨ કોલસાની ખાણ આવેલી છે જે દૈનિક ૨૭.૫ મેટ્રિક ટન જેટલા કોલસાનું ઉત્પાદન કરે છે. કોલસા અને ખનીજ પ્રાપ્ત કરવાની ભૂખમાં આજનું ધનબાદ જ્વાળામુખીની રાખ પર બેઠું છે. વૈજ્ઞાનિક ચેતવણી પણ આપી દીધી કે આ જગ્યા ખાલી કરીને બને એટલે જલ્દી નાસી જાવ પણ લોકો તેમની આગાહીને અવગણીને હજુ પણ મુક્ત પણે વિહરે છે. ઝારખંડ આજે પણ ગરીબી, ભઊખમરો અને સાક્ષરતા સામે ઝઝૂમે છે ત્યારે જોવાનું રહેશે કે હવે સત્તાની સાંઠગાંઠમાં પ્રજાનો વિષાદ યોગ પૂર્ણ થશે કે નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.