Jharkhand: ઝારખંડની રાજધાની રાંચીમાં(Ranchi) આવેલા મુખ્ય પ્રધાનના આવાસમાં એકઠા થયેલા યુપીએના વિધાનસભ્યોને કથિત રીતે રાજ્યની બહાર લઈ જવામાં આવી રહ્યા છે. વિધાનસભ્યોને લઇને ત્રણ બસ મુખ્યપ્રધાન નિવાસસ્થાનની બહાર નીકળી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યપ્રધાન હેમંત સોરેન પણ વિધાનસભ્યોની સાથે રાજ્યની બહાર જઈ રહ્યા છે. મુખ્યપ્રધાનનો સુરક્ષા કાફલો પણ બસો સાથે નીકળી પડ્યો છે. મુખ્યપ્રધાન હેમંત સોરેન, પ્રધાન બન્ના ગુપ્તા, પ્રધાન જોબા માંઝી, ધારાસભ્ય કુમાર જૈમંગલ ઉર્ફે અનૂપ સિંહ બસની પહેલી સીટ પર બેઠેલા જોવા મળ્યા હતા. આ સાથે જ વિધાનસભ્યોના બસમાંથી બહાર નીકળવાની સાથે જ ચર્ચાઓનો માહોલ જામ્યો છે કે આ બસ ક્યાં જઈ રહી છે?
એવું કહેવમાં આવી રહ્યું છે ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસ ચૂંટણી પંચની સલાહ પર મુખ્યપ્રધાન હેમંત સોરેનની સદસ્યતા અંગે નિર્ણય લે તે પહેલા વિધાનસભ્યોને છત્તીસગઢની રાજધાની રાયપુર મોકલવામાં આવી રહ્યા છે.
આ સમગ્ર મામલે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે યુપીએના 10-11 વિધાનસભ્યો ગાયબ છે. તેમણે દાવો કર્યો હતો કે યુપીએના 33 વિધાનસભ્યો ભાજપ સાથે છે. તેમણે કહ્યું કે અમે વિપક્ષમાં છીએ પરંતુ સરકાર ડરેલી છે અને તેઓ પોતાના વિધાનસભ્યો સાથે ભાગી રહ્યા છે.
આ સિવાય જેએમએમ નેતા બસંત સોરેને કહ્યું કે અમે લોકો પિકનિક પર જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ બસોને ખુંટી લઈ જવામાં આવી રહી છે. નેતરહાટમાં સરકારી હોટલ અને ગેસ્ટ હાઉસ ખાલી કરાવવામાં આવ્યા છે. વિધાનસભ્યોને પોતાની બેગમાં સામાન ભરી સીએમ આવાસમાં બોલાવવામાં આવ્યા હતા. જો કે JMM નેતા સુપ્રિયો ભટ્ટાચાર્યએ આ દાવાઓને ફગાવી દીધા હતા.

Google search engine