ઝારખંડમાં રાજકીય સંકટ ઘેરાઇ રહ્યું છે. મુખ્ય પ્રધાન હેમંત સોરેનના નેતૃત્વમાં સત્તારૂઢ યુપીએ ગઠબંધનના તમામ ધારાસભ્યોને છત્તીસગઢની રાજધાની રાયપુર લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ માટે કોંગ્રેસ કમિટીના નામે બે પ્લેન બુક કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને વિશેષ ચાર્ટર એરક્રાફ્ટ સાંજે 4.30 વાગ્યે બિરસા મુંડા એરપોર્ટ પર ઉતરશે. હાલ મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાનમાં યુપીએ ગઠબંધનના ધારાસભ્યો સુધી પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બધા ધારાસભ્યો અહીં ભેગા થશે ત્યાર બાદ તેમને રાયપુર લઇ જવામાં આવશે.
ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની વિધાનસભા સદસ્યતા મામલે ન તો રાજ્ય ભવન અને ન તો ચૂંટણી પંચે કોઈ નિર્ણય લીધો છે. આને કારણે યુપીએ ગઠબંધનમાં અસમંજસ પ્રવર્તી રહી છે. ધારાસભ્યોને એક રાખવા તેમજ હોર્સ ટ્રેડિંગથી બચાવવા માટે હેમંત સોરેન સરકાર તેમને રાયપુર લઈ જવાની તૈયારી કરી રહી છે. મુખ્ય પ્રધાને કેન્દ્ર સરકાર પર સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ પણ લગાવ્યો છે.
ધારાસભ્યોને રાયપુર લઇ જવાની તૈયારી એટલા માટે કરવામાં આવી રહી છે, કારણ કે છત્તીસગઢ ઝારખંડનું પડોશી રાજ્ય છે અને ત્યાં કોંગ્રેસની સરકાર છે. તેથી યુપીએના ધારાસભ્યો માટે છત્તીસગઢ સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે. આ ઉપરાંત, જો મુખ્ય પ્રધાન હેમંત સોરેન વિરુદ્ધ રાજ્યપાલનો નિર્ણય આવે અને વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની જરૂર હોય, તો માત્ર થોડા કલાકોમાં જ છત્તીસગઢથી ઝારખંડની રાજધાની રાંચી પહોંચી શકાય છે.

Google search engine