મુંબઈ: ઘાટકોપરમાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૭ની ઑફિસની સામે જ આવેલી જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના બનતાં ચકચાર ફેલાઈ ગઈ હતી. બારીની ગ્રિલ કાપી દુકાનમાં ઘૂસેલા ચોર અંદાજે ૪૬ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા.
ઘાટકોપર પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારે સવારે પ્રકાશમાં આવી હતી. ઘાટકોપર પશ્ર્ચિમમાં એમ. જી. રોડ પરની પી. બી. જ્વેલર્સમાં ચોરીની ઘટના બની હતી. રોજના સમયે મંગળવારની રાતે દુકાન બંધ કરવામાં આવી હતી. બુધવારે સવારે દુકાન ખોલવામાં આવી ત્યારે ચોરીની જાણ થઈ હતી.
બનાવની જાણ થતાં ઘાટકોપર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રથમદર્શી મધરાતે દુકાનના પાછળના ભાગમાં આવેલી બારીની ગ્રિલ કાપી ચોર દુકાનમાં પ્રવેશ્યા હતા. તિજોરીમાં મૂકેલા દાગીના પર ચોર હાથફેરો કરી શક્યા નહોતા. જોકે દુકાનમાંથી ૪૬ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરાયા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
એક અધિકારીના જણાવ્યા મુજબ દુકાનમાંના અને આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં. ફૂટેજને આધારે શકમંદની શોધ ચલાવાઈ રહી છે. દરમિયાન આ ઘટનાની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.

Google search engine