ત્રાણુમા જન્મદિવસે રૂપાળી પ્રેમિકા સાથે ચોથા લગ્ન કરનારા એસ્ટ્રોનોટ બઝ ઓલ્ડ્રીનની અકલ્પ્ય જીવનસફર
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
એન્જિનિયર, ફાઇટર પાઇલટ અને એસ્ટ્રોનટ બઝ ઓલ્ડ્રીને ત્રાણુમા જન્મદિવસે ચોથા લગ્ન કર્યા. એ વિષે તેમણે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૩ના દિવસે ટ્વિટ કરી કે મારા ત્રાણુમા જન્મદિવસે હું જાહેર કરતા આનંદ અનુભવું છું કે મારી લાંબા સમયની પ્રેમિકા ડોક્ટર ઍન્કા ફોરની સાથે હું લગ્નબંધનથી જોડાઈ ગયો છું. અમે લોસ એન્જેલસમાં એક નાનકડા ખાનગી સમારંભમાં લગ્ન કરી લીધાં છે અને અમે ભાગી છૂટેલા ટીનેજર્સ જેવી ઉત્તેજના અનુભવી રહ્યા છીએ!
એ પછી થોડી વારમાં જ લાખો લોકોએ એ ટ્વિટ જોઈ લીધી. હજારો લોકોએ એ ટ્વિટ લાઈક કરી તો સંખ્યાબંધ લોકોએ કમેન્ટ્સ કરીને તેમને અભિનંદન આપ્યા અને કેટલાકે ટિખળ પણ કરી. બઝ ઓલ્ડ્રીને ટ્વિટ કર્યા પછી થોડા સમયમાં પચાસ હજારથી વધુ લોકોએ એ ટ્વિટ લાઈક કરી લીધી હતી અને બે કરોડ જેટલા લોકોએ એ ટ્વિટ જોઈ લીધી હતી.
બઝ ઓલ્ડ્રીને ૯૩મા જન્મદિવસે રૂપાળી પ્રેમિકા સાથે ચોથા લગ્ન કર્યા એટલે ઘણા બધાને સ્વાભાવિક રીતે મીઠી ઈર્ષા પણ થઈ. કોઈ માણસ ૯૨ વર્ષની ઉંમરે ચોથી વાર લગ્ન કરે તો સ્વાભાવિક રીતે આખી દુનિયાના લોકોને એમાં રસ પડે, પરંતુ બઝ ઓલ્ડ્રીન માટે તેમની પ્રેમિકા ડો. ઍન્કા ફોર સાથે લગ્ન કરવા એ જ માત્ર સુખનો પાસવર્ડ નથી. તેમણે જીવનમાં સુખના ઘણા પાસવર્ડ્સ મેળવ્યા છે. તેમના ચોથા લગ્ન નિમિત્તે તેમની રોમાંચક જિંદગી વિશે થોડું જાણવું જોઈએ. ઓલ્ડ્રીન ૨૦ જાન્યુઆરી ૧૯૩૦ના દિવસે અમેરિકાના ન્યુજર્સીના ગ્લેનવિઝની માઉન્ટેનસાઈડ હૉસ્પિટલમાં જન્મ્યા હતા. તેમના પિતા ઍડવિન યુજિન ઓલ્ડ્રીન સિનિયર પ્રથમ વિશ્ર્વયુદ્ધ દરમિયાન ઓહાયોમાં ૧૯૧૯થી ૧૯૨૨ દરમિયાન આર્મીની ટેસ્ટ પાઈલટ્સ સ્કૂલમાં આસિસ્ટન્ટ કમાન્ડર હતા. એ પછી તેમણે ૧૯૨૮માં આર્મી છોડીને સ્ટાન્ડર્ડ ઓઈલમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી લઈ લીધી હતી. ઓલ્ડ્રીનનું હુલામણું નામ બઝ હતું જે તેમણે ૧૯૮૮માં કાનૂની રીતે અપનાવી લીધું હતું. એ નામ કઈ રીતે પડ્યું એની પણ રસપ્રદ વાત છે. બઝ ઓલ્ડ્રીનના માતા મેરિયન અને પિતા ઍડવિનને કુલ ત્રણ સંતાનો હતાં એમાં બે દીકરીઓ હતી. ઓલ્ડ્રીનની બે બહેનોનાં નામ મેડેલીન અને ફે એન હતાં. મેડેલીન ઓલ્ડરીનથી ચાર વર્ષ મોટી હતી અને ફે ઍન ઍલ્ડરીનથી દોઢ વર્ષ નાની હતી. ફે નાનપણમાં ઓલ્ડ્રીનને બોલાવે ત્યારે બ્રધરના ઉચ્ચારમાં ગોટાળો કરતી હતી તે બ્રધરને બદલે ‘બઝર’ બોલતી હતી એ પછી એ નામ ‘બઝ’ બની ગયું( ઓલ્ડ્રીન જન્મ્યા ત્યારે તેમનું નામ ઍડવિન યુઝીન ઍડવિન જુનિયર રખાયું હતું).
ઓલ્ડ્રીનના પિતા તેમને નેવલ સ્કૂલમાં દાખલ કરાવવા ઇચ્છતા હતા એટલે તેમણે ઓલ્ડ્રીનને સેવર્ન સ્કૂલમાં દાખલ કરાવ્યા. ઓલ્ડ્રીને ૧૯૪૬માં સેવન સ્કૂલમાં અભ્યાસ તો કર્યો, પરંતુ તેમના મનમાં કરીઅર માટે જુદા વિચારો ચાલી રહ્યા હતા. એટલે તેમણે તેમના પિતાને કહ્યું કે મારે નેવલ સ્કૂલમાં નથી ભણવું એને બદલે મને ન્યૂયોર્કના વેસ્ટ પોઈન્ટ સ્થિત યુનાઈટેડ સ્ટેટ્સ મિલિટરી ઍકેડમીમાં પ્રવેશ અપાવો. અને તેમણે ૧૯૪૭માં તેમણે વેસ્ટ પોઈન્ટ સ્થિત યુનાઈટેડ સ્ટેટ્સ મિલેટરી ઍકેડમીમાં પ્રવેશ મેળવ્યો.
ઓલ્ડ્રીન બહુ સારા એથલેટ પણ હતા તેઓ સ્કૂલના સમયમાં સારા ફૂટબોલ પ્લેયર હતા.
૧૯૫૦માં તેઓ એક ગ્રુપ સાથે વેસ્ટ પોઈન્ટ ઍકેડમીના કેડેટ્સ સાથે જપાન અને ફિલિપાઇન્સના પ્રવાસે ડગ્લાસ મેક આર્થરની મિલિટરી ગર્વમેન્ટ પોલીસીસનો અભ્યાસ કરવા માટે ગયા હતા. તેમના એ પ્રવાસ દરમિયાન જ કોરિયન વોર ફાટી નીકળી હતી. ૫ જૂન, ૧૯૫૧ના દિવસે ઓલ્ડ્રીન મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચરલ ઑફ સાયન્સની ડિગ્રી સાથે ગ્રેજ્યુએટ થયા અને તેમના ક્લાસમાં ત્રીજા નંબરે આવ્યા હતા.ક્લાસમાં ત્રીજા નંબરે આવ્યા એટલે તેમને કઈ દિશામાં જવું છે એ પસંદ કરવાની તક મળી. તેમણે યુનાઈટેડ સ્ટેટ્સ એરફોર્સમાં જવાનું પસંદ કર્યું.
તેમણે સેક્ધડ લેફ્ટનન્ટ તરીકે કરીઅરની શરૂઆત કરી. તેમણે ફ્લોરિડાના બારટો એરબેઝ અને ટેકસાસના પી – સિક્સ સેન્ટરમાં બેઝિક ફલાઈટ ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી. એ દરમિયાન તેમની સામ
જોનસન સાથે દોસ્તી જામી ગઈ હતી (સામ જોનસન સહિત તેમના કેટલાક કલાસ મેટ્સ વિયેટનામમાં યુદ્ધ કેદી બન્યા હતા).
તેમણે ફાઈટર પાઈલટ તરીકે ઘણા જોખમો ઉઠાવ્યાં. ઓલ્ડ્રીન જયારે વિચારી રહ્યા હતા કે તેમણે કયા પ્રકારના એરક્રાફ્ટ ઉડાવવા જોઈએ એ વખતે તેમના પિતાએ તેમને સલાહ આપી હતી કે બોમ્બર્સ પર પસંદગી ઉતાર. એનાથી ભવિષ્યમાં તને ફાયદો થશે. ઓલ્ડ્રીને ટેક્નિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પણ લીધી. તેમણે કોરિયન વોર દરમિયાન ૬૬ કોમ્બેટ મિશન્સ કર્યા હતા અને તેમણે બે મિગ-૧૫ એરક્રાફ્ટ તોડી પાડ્યા હતા. ત્યારબાદ તેમણે માસાચ્યુટેટ્સ ઈન્સ્ટિટ્યુટ્સ ટેક્નોલોજીમાંથી એસ્ટ્રોનિક્સમાં ડોક્ટર ઑફ સાયન્સની ડિગ્રી લીધી અને તેઓ નાસાના અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસાના એસ્ટ્રોનોટ ગ્રુપ-૩ના સભ્ય તરીકે પસંદ થયા.
એ વખતે તેમને ‘ડૉક્ટર રાંદેવુ’ એવું બીજું હુલામણું નામ સાથી એસ્ટ્રોનોટ્સ તરફથી મળ્યું અને તેઓ ૧૯૬૬માં પ્રથમ સ્પેસ ફલાઈટના પ્રવાસી બન્યા.
બઝ ઓલ્ડ્રીનની જિંદગીની વાત ખૂબ લાંબી છે એટલે આવતા સપ્તાહે પૂરી કરીએ.