તરુણાવસ્થામાં ઉદ્ભવતી ઈર્ષ્યા-અદેખાઈને નાથવામાં ન આવે તો આજીવન પરેશાન કરે છે

લાડકી

ઉડાનમુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

મેટ્રો શહેરના પોશ વિસ્તારમાં આવેલી એ કોફી શોપના દરવાજાને હડસેલતાં જ સુરભિ મનથી સીધી પોતાના એ પ્લે હાઉસના બગીચામાં પહોંચી ગઈ જ્યાંથી એણે ઘર બહારની દુનિયામાં ડગ માંડવાની શરૂઆત કરેલી. ડાબી તરફ ખૂણામાં પડેલ આરામદાયક સોફાને સહેજ હડસેલતાં જ જાણે અગાઉનાં વર્ષો પણ સાથોસાથ હડસેલાઈ ગયાં. એનું મન એનો હાથ ખેંચીને પ્લે હાઉસની એ બેન્ચ સુધી લઈ ગયું કે જ્યાં એ અને સુહાસી પહેલી વખત મળેલાં. નાની- નાની બે હથેળીઓ ક્યારે મજબૂત રીતે ઝલાઈ ગઈ અને ક્યારે બંને બહેનપણીઓ વચ્ચે બે સગી બહેનો કરતાં પણ વધુ મનમેળ થઈ ગયો એનો ખ્યાલ જ ન રહ્યો. એ નિર્દોષતાભર્યાં વર્ષોથી લઈને આજે અવનવા અનુભવો અને રોમાંચથી તરબતર ઉંમર સુધી કોઈ એવી વાત કે વસ્તુ નહિ હોય કે જે તેઓએ એકબીજા સાથે વહેંચી ન હોય. સ્ટડી પ્રોબ્લેમ હોય કે લાઈફ સિક્રેટ્સ, શોપિંગ કરવાનું હોય કે ટ્રાવેલિંગ, ટ્યુશનમાં જવાનું હોય કે પિકનિક પર, મનમાં આવતી દરેક લાગણીઓ, ઈચ્છાઓ, અનુભવો, પ્રસંગો, ઘટનાઓ, ખુશીઓ અને દુ:ખોની હારમાળા એ બંને વચ્ચેથી પસાર થયા વગર આગળ વધતી નહિ. પ્લે હાઉસના પહેલા દિવસે મળેલી સુરભિ અને સુહાસીની જિંદગીઓમાં વર્ષો વીતતાં ગયાં, ઉંમર ઉંમરનું કામ કરતી રહી, પરંતુ એક પ્રસંગ પણ એવો નહોતો બન્યો કે એ બંને વચ્ચે ક્યારેય કોઈ પ્રકારનો ઝઘડો થયો હોય, કોઈ એકબીજા વિશે ઘસાતું બોલ્યું હોય કે કોઈ વાત કે વિચારો પર એકબીજાની સાથે લાંબી ઉગ્ર ચર્ચાઓ કરી હોય. સુરભિ અને સુહાસીનાં મન પણ જેમ જેમ ઉંમર વધતી ગઈ, વર્ષો પસાર થતાં ગયાં તેમ તેમ વધુ ઊંડાણપૂર્વક એકબીજામાં ભળતાં ગયાં. એ બંનેની દરેક પસંદગી હંમેશાં એકસરખી રહેતી અને એકની પસંદગી બીજાને ચોક્કસપણે ગમતી જ. આજે પણ એ એમ જ વિચારતી હતી કે એણે આજના દિવસે પહેરેલી બ્લુ કલરની કુર્તી એના પર ખૂબ ઓપે છે અને સુહાસી મળશે એટલે તરત એમ જ કહેશે કે વાહ! તારી પસંદગી વિષે તો કંઈ પૂછવું જ ન પડેને!! એમ મનમાં હરખાતી એ કોલ્ડ કોફીના ઘૂંટડા માણી રહી હતી, અંદરના શાંત, ઠંડકભર્યા વાતાવરણ અને આછા પેસ્ટલ કલરના ઇન્ટીરિયરે સુરભિના આનંદિત મનમાં ખુશીનાં બે પીંછાં વધુ પસાર્યાં ત્યાં જ તેની નજર સામેથી આવતી સુહાસી પર પડી, જુહીના વેલાથી આચ્છાદિત નાનકડી પગદંડી પર ચાલતી એ હજુ તો અંદર પ્રવેશે તે પહેલાં સુરભિ પોતાની જગ્યાએથી ઊભી થઈ અને એ નાની એવી જગ્યા વચ્ચે રસ્તો કરતી રીતસર દોડીને વળગી પડી.
એકબીજાના હાલચાલ પૂછ્યાના ત્રીજા જ વાક્યે એણે સવાલ કર્યો, ‘બ્લુ સારો લાગે છેને, નહિ?’ અને પેલીએ કહ્યું, ‘ઠીક છે, મને લાગે છે કે કદાચ આછો ગુલાબી વધુ સારો લાગત. જો મેં પહેર્યું છે એવા રંગો આજકાલ શક્ષ વિંશક્ષલ છે અને તારા વ્હાઇટિશ સ્કિન ટોન સાથે પણ આવા ડાર્ક કલર્સ બહુ સારા નથી લાગતા.’ સુહાસીએ સહજ રીતે બોલી નાખેલાં આ બે વાક્યથી સુરભિના મનમાં આટલાં વર્ષોમાં નહોતું થયું એ પહેલી વાર થયું. એક અજીબ પ્રકારની અદેખાઈ ધરાવતી લાગણી એના મનમાં ઊઠી આવી. એનું મારાથી સારું કેમ? એ મતલબના ઈર્ષ્યાસહ ભાવ અચાનક જ ઊભરાઈ આવ્યા. ટીનેજમાં પ્રવેશેલી બે બહેનપણીઓ વચ્ચે હળવેથી ઈર્ષ્યા નામની મંથરા પ્રવેશી ગઈ એ બાબતથી અજાણ બંને ફરી વાતે વળગી, પરંતુ સુરભિના મનમાં એ પ્રશ્ર્ન સતત સળવળ્યા કર્યો કે એને હમણાંથી આવી નાની નાની વાતોમાં પોતાની નજીકની વ્યક્તિઓથી ઈર્ષ્યા કે અદેખાઈનો ભાવ શા માટે આવી જાય છે?
તેર-ચૌદ વર્ષે જ્યારે જિંદગીની જે તરુણાવસ્થા શરૂ થાય છે ત્યારે આપણે હવે સૌ જાણીએ છીએ એમ તરુણીઓના શરીરમાં થતા આંતરિક ફેરફારો તેની અંદર આવા અનેક અનિચ્છુક ભાવો ઉત્પન્ન કરી દે છે. એવી નકારાત્મક ભાવનાઓ કે જેમાં તે પોતે જ હેરાન થાય છે. અંદર અંદરથી એ મનમાં સળગ્યા કરે, પણ ખુલ્લા મને કંઈ જ ન બોલી શકે. પોતાની સરખામણી અન્ય બાળકો સાથે થયા રાખે, પોતાની પ્રગતિ અન્યો કરતાં ઓછી છે એ મતલબના ભાવો ઉદ્ભવ્યા કરે, પોતે દેખાવમાં પોતાની બહેનપણી કરતાં ઊણી ઊતરે છે એવું લાગ્યા રાખે. આસપાસમાં કોઈના ઘરે કોઈ નવીન પ્રસંગો બને, કોઈ ફ્રેન્ડને મોજમજા કરતાં જોઈને હવે ખુશીને બદલે એના મનમાં ઉત્પાત ઉત્પન્ન કરે અને તે ઈચ્છતી ન હોય તો પણ આ પ્રકારના ભાવો એનો કેડો મૂકે નહિ. બાળપણમાંથી યુવાની તરફ ડગ માંડતાં ખરેખર તો આ પ્રકારની લાગણીઓ દૂર થવી જોઈએ એવું આપણા વડીલોનું માનવું હોય, કારણ કે બાળસહજ ઈર્ષ્યા કે જીદ હજુ પણ ચલાવી લેવામાં આવે, પરંતુ ટીનેજર દીકરીમાં આ ભાવો અસ્વીકાર્ય બને છે. તરુણાવસ્થામાં જો આ ઈર્ષ્યાના ભાવોને નાથવામાં ન આવે તો આગળ જતાં જીવનભર સ્ત્રી ઈર્ષ્યાના વમળમાં વલોવાયા કરે છે.
ઈર્ષ્યા શબ્દની અંદર ઘણા અલગ અલગ ભાવો રહેલા છે. રાગ-દ્વેષ, રોષ, અદેખાઈ, આ બધા ભાવોના સરવાળાને ઈર્ષ્યા દ્વારા દર્શાવવામાં આવે છે. ઈર્ષ્યા બાળસહજ હોય, સ્ત્રીસહજ હોય અને એ સ્વીકાર્ય પણ હોય છે, પરંતુ તરુણીઓએ શું એને સહજતાથી લઈને સરળતાથી જીવન જીવી જાય એવું ક્યારેય અનુભવ્યું છે ખરા? ઈર્ષ્યા તેમ જ અદેખાઈ બંને એકમેકમાં વણાયેલી એવી નકારાત્મક ભાવનાઓ છે કે જે યુવતીમાંથી સ્ત્રી બન્યા બાદ પણ તમને આજીવન પરેશાન કરે છે, પરંતુ જો ટીનેજમાં જ કોઈ તરુણી ધારે તો જીવનને અલગ ઢાંચામાં ઢાળી ઈર્ષ્યા નામના રાક્ષસના પંજામાંથી ચોક્કસપણે રાહત મેળવી
શકે છે. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.