દિલ્હી: રણજી ટ્રોફીમાં દિલ્હી સામેની મેચમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે શાનદાર પ્રદર્શન કરતા ઇતિહાસ રચી દીધો છે. દિલ્હી સામે પ્રથમ ઓવરમાં જ ઝડપી બૉલર ઉનડકટે હેટ ટ્રિક લીધી હતી. આ સાથે રણજી ટ્રોફીમાં પ્રથમ ઓવરમાં હેટ ટ્રિક ઝડપનાર એકમાત્ર ક્રિકેટર બની ગયો છે.
દિલ્હીની ટીમે મંગળવારે (૩ જાન્યુઆરી) ટોસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બૅટિંગ કરવાનો દિલ્હીની ટીમનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે પહેલી જ ઓવરમાં હેટ્રિક ઝડપી હતી.
૩૧ વર્ષીય ઉનડકટે મેચની પ્રથમ ઓવરના ત્રીજા બૉલ પર ધ્રુવ શૌરીની વિકેટ ઝડપી હતી. ચોથા બોલ પર તેણે વૈભવ રાવલને પોતાનો શિકાર બનાવ્યો હતો. બાદમાં ઓવરની પાંચમા બૉલ પર દિલ્હીના કેપ્ટન યશ ધુલને એલબીડબ્લ્યૂ આઉટ કરી હેટ ટ્રિક ઝડપી હતી.
પ્રથમ દિવસના અંતે દિલ્હી ૧૩૩ રનમાં ઓલઆઉટ થઇ ગયુ હતુ. જયદેવ ઉનડકટે સૌથી વધુ ૮ વિકેટ ઝડપી હતી. જયદેવ ઉનડકટે ૧૨ ઓવરમાં ૩૯ રન આપીને સૌથી વધુ ૮ વિકેટ ઝડપી હતી. અગાઉ રણજી ટ્રોફીમાં હેટ ટ્રિક કર્ણાટક ટીમના ફાસ્ટ બૉલર વિનય કુમારે ૨૦૧૭-૧૮ની સિઝનમાં લીધી હતી. તેણે મેચમાં પોતાની પ્રથમ અને ત્રીજી ઓવરમાં હેટ ટ્રિક પૂરી કરી હતી. વિનય કુમારે મુંબઈ સામે પ્રથમ ઓવરના છેલ્લા બૉલ પર વિકેટ લીધી હતી. આ પછી તેણે તેની ત્રીજી ઓવરના પ્રથમ બે બૉલ પર વિકેટ લઈને હેટ ટ્રિક પૂરી કરી હતી.