એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર અને શાયર જાવેદ અખ્તરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાવેદ અખ્તર મહાન ઉર્દૂ શાયર ફૈઝ અહમદ ફૈઝની સ્મૃતિમાં યોજાયેલા ફૈઝ ફેસ્ટીવલમાં ભાગ લેવા પાકિસ્તાનના લાહોર ગયા હતા. આ ફેસ્ટિવલમાં હાજર પાકિસ્તાનીઓએ ઘણા સવાલો કર્યા ને તેમાંથી મોટાભાગના સવાલો ભારત અને પાકિસ્તાન વચ્ચેના બગડી રહેલા સંબંધો અંગે હતા.
આ સવાલ-જવાબનો આખો વીડિયો આપણે જોયો નથી પણ સોશિયલ મીડિયા પર જાવેદ અખ્તરનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેના પરથી લાગે કે, બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબધો અને ભારત-પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટ અંગે સવાલ પૂછાયો હશે. જાવેદ અખ્તર તેના જવાબમાં કહે છે કે, આજકાલ ફિઝા બહુ ગરમ છે તે ઓછી હોવી જોઈએ.
જાવેદ અખ્તર કહે છે કે, અમે તો મુંબઈના લોકો છીએ. અમે જોયું છે કે, અમારા શહેર પર કઈ રીતે હુમલો થયો હતો. હુમલો કરવાવાળા લોકો નોર્વેથી તો નહતા આવ્યા. ના તો ઈજીપ્તથી આવ્યા હતા એ લોકો હજુ પણ આ દેશમાં ફરી રહ્યા છે. આવી ફરિયાદ જો કોઈ હિંદુસ્તાનીના દિલમાં હોય તો તમારે ખોટું ન લગાડવું જોઈએ.
જાવેદ અખ્તરે ભારત અને પાકિસ્તાનમાં થતા કાર્યક્રમો અંગે પણ ટોણો માર્યો કે, અમે તો નુસરતના મોટા મોટા કાર્યક્રમ કર્યા, મહેંદી હસનનાં મોટામોટા ફંક્શન કર્યા પણ તમારા દેશમાં તો લતા મંગેશકરનું કોઈ ફંક્શન નથી થયું. જાવેદ અખ્તરને સાંભળનાર લોકો પાકિસ્તાની હતા છતાં તેમની વાતો સાંભળીને તાલીઓનો ગડગડાટ સાંભળવા મળે છે તેના પરથી સ્પષ્ટ છે કે, પાકિસ્તાનીઓને જાવેદ અખ્તરની મુંબઈ પરના આતંકવાદી હુમલાની વાત ગમી હોય કે ના હોય પણ પણ કમ સે કમ આ વાત તો ગમી જ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો માત્ર એક મિનિટનો છે તેથી તેમાં આગળ-પાછળ શું છે એ ખબર પડતી નથી પણ એક ભારતીય તરીકે ગર્વનો અનુભવ કરવા માટે એક મિનિટ પૂરતી છે. જાવેદ અખ્તરની આ વાત પર ભારતના લાખો લોકો ફિદા થઈ ગયા છે. આ વીડિયો તો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જ છે પણ ટ્વિટર પર જાવેદ અખ્તરને વખાણતું હેશ ટેગ પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો બે મોંઢે જાવેદ અખ્તરનાં વખાણ કરી રહ્યા છે ને ઘણાં લોકો તો લખી રહ્યા છે કે, આખો વાર્તાલાપ જોવા મળી જાય તો મજા આવી જાય. કેટલાક અતિઉત્સાહી લોકોએ તો આ દેશભક્તિ માટે જાવેદ અખ્તરને ભારત રત્નની માગ પણ કરી નાખી છે.
જાવેદ અખ્તરે જે કંઈ કહ્યું તેના માટે ગર્વ થવો જ જોઈએ પણ આ ઘટનાએ આપણે ત્યાં લોકો કેવા તળિયા વિનાના લોટા જેવા છે એ સાબિત કરી દીધું છે. બે દિવસ પહેલાં જાવેદ અખ્તર મહાન ઉર્દૂ શાયર ફૈઝ અહમદ ફૈઝની સ્મૃતિમાં યોજાયેલા ફૈઝ ફેસ્ટીવલમાં ભાગ લેવા પાકિસ્તાનના લાહોર પહોંચી ગયા છે એવા સમાચાર આવ્યા ત્યારે આપણે ત્યાં જ લોકો જાવેદ અખ્તરને ગાળો આપતા હતા.
જાવેદ અખ્તર ભલે ભારતમાં રહેતા હોય પણ દિલથી પાકિસ્તાની છે એવી કોમેન્ટ લોકો કરતા હતા. જાવેદ અખ્તર આખરે પોતાના પ્યારા પાકિસ્તાન પહોંચી જ ગયા એવા કટાક્ષ કરીને તેમને ગાળો પણ આપતા હતા. જાવેદ અખ્તર ભારત વિરોધી માનસિકતા ધરાવે છે એ પ્રકારની કોમેન્ટ્સનાં તો ઘોડાપૂર જ આવી ગયાં હતાં.
હવે અચાનક જ લોકોનો જાવેદ અખ્તર માટેનો અભિપ્રાય બદલાઈ ગયો છે. અચાનક જ જાવેદ અખ્તર દેશપ્રેમી બની ગયા છે ને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન માટે પણ લાયક લાગવા માંડ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોની કોમેન્ટ્સ વાંચો તો ખબર પડે કે, લોકો કઈ હદે જાવેદ અખ્તર પર ઓળઘોળ થઈ ગયા છે. અત્યારે જે લોકો જાવેદ અખ્તરનાં વખાણ કરી રહ્યાં છે એ જ લોકોએ જાવેદને ગાળો ના પણ આપી હોય પણ એ વખતે જાવેદની તરફદારી કરવા કોઈ આગળ નહોતું આવતું એ પણ વાસ્તવિકતા છે.
જાવેદ અખ્તરે જે કંઈ કહ્યું એ વાસ્તવિકતા છે ને મર્દાનગીનું પણ કામ છે. આવી મર્દાનગી તો આપણા રાજકારણીઓ પણ બતાવતા નથી. ભારતમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ હુમલો કરે ત્યારે પણ સીધું પાકિસ્તાનનું નામ દેવાના બદલે આપણી સરકારમાં બેઠેલા લોકો ગોળગોળ વાતો કરતા હોય છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વણનોંતર્યા પાકિસ્તાનના તાત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફને બર્થ-ડે વિશ કરવા ને તેમના ઘરે ખિર ખાવા પહોંચી ગયેલા ત્યારે તેમણે પણ પાકિસ્તાનીઓના મોં પર એવું નહોતું કહ્યું કે, ભારતમાં આતંકવાદ ફેલાવનારા ને મુંબઈમાં હુમલો કરનારા તમારા દેશમાં ખુલ્લેઆમ ફરે છે. જાવેદ અખ્તરે તો લાહોરમાં જઈને અને પાકિસ્તાનીઓની વચ્ચે બેસીને આ વાત કરી દીધી છે ત્યારે તેમની હિંમતને વખાણવી જ જોઈએ.
વરસો પહેલાં ફિલ્મ અભિનેતા ફિરોઝ ખાન પાકિસ્તાન ગયા ત્યારે ભારતમાં મુસ્લિમોની હાલત ખરાબ હોવાની ટીકા થયેલી. આ સાંભળીને ભડકેલા ફિરોઝ ખાને ત્યાં ને ત્યાં પાકિસ્તાનીઓના મોં પર ચોપડાવી દીધેલું કે, પાકિસ્તાનના મુસ્લિમો કરતાં ભારતના મુસ્લિમોની હાલત વધારે સારી છે અને ભારતના મુસ્લિમો પાકિસ્તાનના મુસ્લિમો કરતાં વધારે સુખી છે. ભારતમાં મુસ્લિમોને બીજા નાગરિકો જેટલા જ અધિકારો છે ને તેણે પાકિસ્તાનની જેમ દબાવવામાં નથી આવતા કે તેમના પર દમન કરાતું નથી. ફિરોઝખાનનો ગુસ્સો જોઈને પાકિસ્તાનીઓની બોલતી બંધ થઈ ગઈ હતી. જાવેદ અખ્તરે સૌમ્ય ભાષામાં એ જ વાત કરીને પાકિસ્તાનીઓની તાળીઓ લઈ લીધી.
આ ઘટના જે લોકો ભારતના મુસ્લિમોની દેશભક્તિ સામે સવાલ કરે છે, શંકા કરે છે તેમના મોં પર લપડાક સમાન છે. આ દેશના મુસ્લિમોને દેશભક્તિ સાબિત કરવા કોઈના સર્ટિફિકેટની જરૂર નથી જ છતાં કેટલાંક હલકા શંકાઓ કરે છે. જાવેદ અખ્તર તો તેમનું સોફ્ટ ટાર્ગેટ છે. જાવેદે પોતાના જવાબ દ્વારા તેમને દેખાડી દીધું છે કે, પોતે પણ આ દેશના બીજા સામાન્ય લોકો જેટલા જ દેશભક્ત છે ને ભારતનું ખરાબ બોલાય ત્યારે તેનો જડબાતોડ જવાબ આપી શકે છે.