Homeઉત્સવજેશીંગ બાવજીનો શતાબ્દી મહોત્સવ

જેશીંગ બાવજીનો શતાબ્દી મહોત્સવ

ખેતી અને ગૃહસ્થી સાથે આત્મજ્ઞાની સંત થયા -મોરારજીને મળવાનો નન્નો, મળી સત્ય સુણાવ્યું -પ્રમુખસ્વામી એમને મળવા જવાનું પસંદ કરતા -રાજવી દોલતસિંહબાપુ સત્સંગ માટે ખેતરે આવતા

શ્રીમદ્ જેશીંગબાપા -મોરારજી દેસાઈ -જેશીંગ બાવજી અને પ્રમુખસ્વામી

કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ

ધર્મ અને જીવનનાં સત્ય પામવા માટે હિમાળે હાડ ગાળવા જવાની જરૂર નથી, ખેતીવાડી સંભાળતાં અને ઘરગૃહસ્થી સંભાળવાની સાથે, કોઈપણ પ્રકારના માર્કેટિંગ વિના, સમાજના વિશાળ સમુદાય અને અઢારે વર્ણના લોકોમાં સદ્વિચાર અને સંસ્કાર સિંચનનું કામ કરનારા આત્મજ્ઞાની સંતો આપણી ભોમકા પર થઇ ગયા છે. આવા જ એક સંત એટલે ગોધમજીના જેશીંગ બાવજીનો જન્મશતાબ્દી મહોત્સવ ૧૩થી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૨ દરમિયાન યોજાઈ રહ્યો છે. ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા (ગલોડા) ગામના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા અને વાંચવા લખવામાં સાવ જ અભણ છતાં નાની ઉંમરે જ સમ્યક-દૃષ્ટિની પ્રતીતિ થયેલી એવા શ્રીમદ્ રામજીબાપા અને ભિલોડા તાલુકાના મુનાઇ ગામે જન્મેલા શ્રીમદ્ નાથુબાપાના ઉત્તરાધિકારી એટલે ઇડર તાલુકાના ગાંઠિયોલ (ગોધમજી)માં જન્મેલા શ્રીમદ્ જેશીંગબાપા. ત્રણેય આત્મજ્ઞાની સંતો આંજણા પટેલ ખેડૂત પરિવારના અને ઘરગૃહસ્થીવાળા. એમનો સદ્વિચાર સુવાસ એટલી કે એ માત્ર સાબરકાંઠામાં જ નહીં; ગુજરાતના અંતરિયાળ વિસ્તાર તથા છેક મુંબઈ અને વિદેશમાં પણ એમના સત્સંગીઓ સુધી પ્રસરેલી રહી છે. સમાજની અઢારે વર્ણ અને પશુ-પંખી પણ એમનાં સદકાર્યો થકી આજેય જેશીંગ બાવજી સાથે તાદાત્મ્ય અનુભવે છે. સાબરકાંઠામાં ચિત્રોડાના અનુસૂચિત જાતિના લાલજીબાપા પ્રત્યે પણ જેશીંગ બાવજીને વિશેષ અનુરાગ અને એમની પ્રેરણાથી લાલજીબાપાએ પણ સમાજસુધારાના કામમાં સક્રિયતા દાખવી હતી. વ્યસનમુક્તિ અને જનસેવાની સાથે જ પશુ અને પંખીની સેવાના પ્રકલ્પો આજેય ધમધમે છે. રાજકારણ અને રાજકરાણીઓથી સલામત અંતર જાળવવાનું પસંદ કરનારા જેશીંગ બાવજીનું નામ આબાલવૃદ્ધના મોઢે સાંભળવા મળે છે. ૭ ઓગસ્ટ, ૧૯૨૨ એટલે કે વિક્રમ સંવત ૧૯૭૮ શ્રાવણ સુદ-૧૫ સોમવારના રોજ જેશીંગ બાવજીનું પ્રાગટ્ય અને ૪ સપ્ટેમ્બર, ૧૯૯૧ એટલે કે વિક્રમ સંવત ૨૦૪૭ શ્રાવણ વદ -૧૧ બુધવાર એમનો નિર્વાણ દિવસ. વ્યક્તિ આ સંસારમાં હોય નહીં અને છતાં એની સદાય અનુભૂતિ થતી હોય એવું એમના વતન અને પ્રભાવ ક્ષેત્રની મુલાકાત દરમિયાન અનુભવાયું.
શ્રીમદ્ પ્રેરિત સત્કાર્યોની સુવાસ
દિવાળીના આગલા દિવસોમાં મોટા કોટડાના શિક્ષક વિપુલભાઈ રેવાભાઈ પટેલ સાથે સાબરકાંઠાની મુલાકાતે જવાનું થયું. સંતત્રયીનો સવિશેષ પરિચય સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાઓમાં અર્બુદા રથના સંયોજક અને મોટા કોટડાના જ નિવૃત્ત શિક્ષક કેશુભાઈ પૂંજાભાઈ પટેલે કરાવ્યો. ત્રણેય દિવંગત સંતો પ્રત્યેનો સદભાવ આજે પણ જનસમુદાયમાં જોવા મળે છે. ગાંઠિયોલમાં જેશીંગ બાવજીની ઈચ્છા વિરુદ્ધ એમની સ્મૃતિ જળવાઈ રહે એ માટે એમનું સ્મૃતિ મંદિર, કીર્તિ સ્તંભ સ્મારક, પ્રથમ સમકિત સ્મારક અને સમાધિ સ્મારક ઉપરાંત શ્રીમદ્ જેશીંગબાપા હોસ્પિટલ તથા હવાડા અને પંખીઘર તેમ જ દર ગુરુવારે જેશીંગ બાવજીના ઘરે તેમની વીડિયો કેસેટનું શ્રવણ કરવા આવનારા સત્સંગીઓ-મુમુક્ષુઓ રામ રામથી એકમેકને આવકારો દે એ દૃશ્ય આપણને અંતરથી સ્પર્શી જાય એવું લાગ્યા વિના રહેતું નથી. શ્રીમદ્ જેશીંગબાપાની વાણીના ૧૮ દળદાર ગ્રંથો પણ પ્રગટ કરાયા છે. એમની વાણી સાવ સાદી અને ગામઠી શૈલીની પણ ચોટદાર વાત મૂકનારી લાગી. હિંમતનગરના રાજવી દોલતસિંહબાપુ જેશીંગબાપા સાથે સત્સંગ કરવા માટે એમના ખેતરે આવતા. જોકે એ આવે ત્યારે અત્યારના પ્રધાનો જેવો કોઈ તામજામ જોવા મળતો નહિ. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણના પ્રમુખસ્વામી પણ જેશીંગ બાપાના વ્યક્તિત્વથી પ્રભાવિત હતા અને બેઉને એકમેકને મળવાનું પસંદ હતું. પ્રમુખસ્વામી જેશીંગબાપાને મળવામાં વિશેષ આનંદ અનુભવ કરતા હતા.
આખાબોલા, સાચાબોલા સંત
ખેડમાં જેશીંગબાપાના સાથી અને અગાઉ મોરારજીભાઈ દેસાઈના અત્યંત નિકટના સાથી રહેલા શિવાભાઈ પટેલે બાવજીના કહેવાથી રાજકારણ છોડ્યું, પણ એમણે અમારી સાથેની વાતચીતમાં જે પ્રસંગો વર્ણવ્યા એમાં જેશીંગબાપાના આખાબોલા અને સાચાબોલા વ્યક્તિત્વનો પરિચય મળ્યો. મણિબહેન વલ્લભભાઈ પટેલ સાબરકાંઠા લોકસભાની ચૂંટણી લડી રહ્યાં હતાં, ત્યારે ઇડર આવેલા મોરારજીભાઈને શિવાભાઈએ જેશીંગબાપાને મળવાનું સૂચન કર્યું. એ તો એમને મળવા તૈયાર હતા. એટલે શિવાભાઈએ જેશીંગબાપાને જઈને કહ્યું કે મોરારજીભાઈ તમને મળવા આવવાના છે. ૯૦ વટાવી ગયેલા શિવાભાઈ કહે: બાવજીએ તો મારો ઉધડો લીધો. તને કોણે ડાહ્યા થવાનું કહ્યું હતું? એ રહ્યા રાજકારણી.
આપણે એમની સાથે શો સંબંધ? જા, ના પાડી દે કે હું એમને નહીં મળું. જોકે સંયોગ હશે તો ક્યારેક મળાશે એવું બાવજીએ પછી કહ્યું હતું. એ ઘટના બાદ મેઢાસણમાં મોરારજીભાઈ બાવજીને મળવા આવ્યા. બેઉ મહાનુભાવો મેડીએ મળ્યા. ખૂબ અક્કડ ગણાતા મોરારજી અનેક સંતો-મહંતોને મળ્યા હતા; પણ જેશીંગબાપા સાથેની મુલાકાતથી પ્રભાવિત થયા હતા. જેશીંગબાપાએ મોરારજીભાઈને સ્પષ્ટ
શબ્દોમાં કહ્યું કે તમારો ઉદય થશે, પણ એ ઝાઝો ટકશે નહીં. મોરારજી વડા પ્રધાન થયા તો
ખરા, પણ પોતાની પાંચ વર્ષની મુદત પૂરી કરી શક્યા નહીં અને એમનું વડા પ્રધાનપદ વહેલું ગયું.
———
તિખારો
જિંદગીનો એ જ છે સાચોસાચ પડઘો ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.
– ગની દહીંવાળા

RELATED ARTICLES

Most Popular