જસદણ ATMમાં ચોરી પ્રકરણ: પોલીસની પૂછપરછ બાદ આરોપીનો આપઘાત, પોલીસ પર ટોર્ચરના આરોપ

આપણું ગુજરાત

જસદણમાં બેંક ઓફ બરોડાના ATM માંથી લાખોની ચોરી થઇ હોવાનું સામે આવતા દોડધામ મચી ગઈ હતી. પોલીસે શંકાના આધારે ત્રણ લોકોની અટકાયત કરી પૂછપરછ કઈ હતી. ત્રણ માંથી એકે અટકાયતમાંથી છૂટી ઘરે જઈ આત્મહત્યા કરી લેતા વિવાદનો ઉભો થયો છે. મૃતક યુવાનના પરિવારજનોએ પોલીસ પર ટોર્ચરના આરોપ લગાવ્યા છે.
મળતી માહિતી મુજબ પોલીસે શંકાના આધારે રાજકોટના જય ગોસ્વામીના નામના યુવાનને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. એક દિવસ પોલીસ સ્ટેશનમાં રાખી તેની પૂછપરછ બાદ યુવાનના વકીલ મામા તેને છોડાવી ઘરે લઇ ગયા હતા. જય ત્યારથી સુનમુન રહેતો. પોતાના પર લાગેલા આરોપોને લીધે લાગી આવતા સાંજે પોતાના ઘરે ગળેફાંસો લગાવી લીધો હતો અને મોત વ્હાલું કર્યું હતું. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. જય માત્ર એક કિડની પર જીવન વ્યતીત કરતો હતો તેણે પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા મોતને વ્હાલું કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
આ મુદ્દે પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસે તેને માર મારી તેના પર ટોર્ચર કર્યું હતું એટલે જયએ આપઘાત કર્યો. ખબર મળતા જયના પરિવારજનો, મિત્રો, સગા સંબંધીઓ હોસ્પિટલમાં એકત્ર થવા લાગ્યા હતા. મૃતદેહ સ્વીકારવા પરિવારે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. પોલીસ પરિવારને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે. અન્ય કર્મચારીના ગુનાની સજા જય ગોસ્વામીને મળી હોવાનું પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે.
મૃતક જય ATMમાં રૂપિયા ભરવાનું કામ કરતો હતો. ગત 6 સપ્ટેમ્બરના રોજ જસદણના ખાનપર ગીતાનગર રોડ પર આવેલા બેન્ક ઓફ બરોડા શાખાના ATM ડિજિટલ લોક ખોલી રૂ.17.33 લાખની ચોરી થઈ હતી. જેથી ચોરીની શંકાના આધારે પોલીસે તેને પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.