Homeવીકએન્ડજાપાન: માસ્ક મરજિયાત પણ સ્માઈલ ફરજિયાત?

જાપાન: માસ્ક મરજિયાત પણ સ્માઈલ ફરજિયાત?

જાપાનમાં સ્માઈલ કરવાના કોચિંગ ક્લાસ ખુલ્યા!!

કવર સ્ટોરી -અભિમન્યુ મોદી

મુંબઈમાં રહેતા લોકો જાપાનને સમજી શકશે. બધા ગુજરાતીઓ કે ભારતીયો જાપાની પબ્લીકને એટલી સારી રીતે ન સમજી શકે જેટલા સારી રીતે મુંબઈવાસીઓ સમજી શકશે. કારણ કે માનવવસ્તીની ગીચતા શું છે તે આવા શહેરોમાં રહેતા લોકોને જ ખબર હોય. જાપાન ખૂબ વસ્તી ધરાવતો દેશ છે. એમાં પણ ટોક્યો સૌથી વધુ માનવ વસ્તીની ગીચતા ધરાવતું શહેર છે. ઓછા વિસ્તારમાં ઘણા બધા લોકો રહે છે. આવા ગીચ પ્રદેશમાં કોઈ ચેપી રોગ ફેલાય તો કેવી કફોડી હાલત થાય એ આપણને સૌને
ખબર છે.
કોરોના વાઈરસે સૌથી વધુ તકલીફ મોટા શહેરોને આપી હતી. નાના ગામોમાં અને ગામડાઓમાં બહુ વાંધો આવ્યો ન હતો. નાના પ્રદેશોના લોકો દૂર દૂર રહેતા. મુંબઈ અને જાપાનમાં સો ચોરસ મીટરના વિસ્તારમાં હજારો લોકો રહેતા હોય. એક વ્યક્તિને ચેપ લાગે એટલે તે ચેપ અડધા શહેર સુધી પહોંચી જતા એક મહિનો પણ ન થાય. હોસ્પિટલો પણ એટલી ભરાઈ જાય અને આઇસોલેશન સેન્ટર પણ આઈસોલેટેડ ન રહે. વળી, ટ્રાન્સપોર્ટેશનમાં પણ ખૂબ ગિરદી રહે. એટલે ઘરની બહાર કે ઘરની અંદર સતત માણસોથી ઘેરાયેલા રહેવું પડે. કોરોના વાઇરસ આવા વિસ્તારમાં ખૂબ વકર્યો અને ખૂબ ખાનાખરાબી કરી.
જાપાને લાગલગાટ ત્રણ વર્ષ સુધી કોરોના સામે ફાઇટ આપી. કોરોના બાબતે જાપાન સરકારે બનાવેલા નિયમો બહુ જ કડક હતા. માસ્ક ફરજિયાત એટલે ફરજિયાત. સ્કૂલ, કોલેજ, જાહેર બગીચા, ટ્રેન – બસ કે કોઈ પણ જાહેર સ્થળ ઉપા બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાએ માસ્ક ફરજિયાત પહેરવાનો નિયમ હતો. જાપાની પબ્લિકે હોંશે હોંશે માસ્ક અપનાવ્યું. માસ્ક તે બધા લોકોની આદત બની ગયા છે. ગુજરાતના લોકોને આ બહુ નહી સમજાય કારણ કે ગુજરાતીઓને હેલ્મેટ પહેરવી પણ ગમતી નથી. સરકાર પણ ફરજિયાત હેલ્મેટનાના કાયદાનું પાલન કરવું શકતી નથી. પણ જાપાની લોકોએ સ્વેચ્છાએ માસ્ક પહેરી રાખ્યા. માસ્ક સાથે મસ્તી સાથે વળગી રહ્યા. તો હવે જાપાનમાં નવો પ્રોબ્લેમ શરૂ થયો. જાપાની લોકો સ્મિત કરતા ભૂલી ગયા છે! સ્માઇલ કરવામાં જોર આવે છે!
હવેનો સમય પોસ્ટ-પેન્ડેમીક પીરીયડ કહેવાય. પેન્ડેમીક વીતી ગયા પછીનો સમયગાળો. ભારત તો જાણે પેન્ડેમીકને ભૂલી ગયું છે અને યાદ પણ કરવા માંગતું નથી. જાપાનીઝ લોકોમાં તેની ઊંડી અસર રહી ગઈ છે. ૨૪ કલકમાંથી ૧૨ થી ૧૪ કલાક સુધી સતત માસ્ક પહેરી રાખવાના કારણે જાપાનીઝ લોકોએ એકબીજા સામે જોઈને સ્માઈલ કરવાનું બંધ કરી દીધું હતું. જાપાની લોકો ગ્રીટિંગ અને કર્ટ્ઝીમાં ખુબ માને. તે લોકોની મેનરીઝમ આમ પણ પ્રખ્યાત. અજાણ્યા લોકો સામે સ્મિત પણ કરે. પરંતુ આ બધું કોરોનાકાળમાં હવા થઈ ગયેલું. માસ્કે સ્મિત છીનવી લીધેલું. માસ્કની અંદર હોઠ પહોળા થાય છે કે નહિ એ ખબર જ પડતી નહી. માટે માસ્ક પહેરેલા નાગરીકોએ હસવાનું મીનીમમ કરી નાખેલું. હવે માસ્કનો કાયદો હટી ગયો છે. લોકોના ચહેરા ઉપરથી માસ્ક ઉતરવાના શરૂ થઈ ગયા છે.
હવે જાપાનીઝ પબ્લિક માસ્ક વિના હરતી ફરતી થઈ ગઈ છે. તો જૂની જાપાનીઝ ટ્રેડિશન તેમની સામે આવીને ઊભી છે – કોઈ બે વ્યક્તિની નજર મળે તો સામસામે હસવાનું. પણ હવે માસ્કમાં ફરવા ટેવાયેલી પબ્લિક હસે છે તો સહજ નથી લાગતું પણ પ્રયત્નો કરવા પડે છે. પ્રયત્નપૂર્વક કરેલું સ્મિત બહુ ઓકવર્ડ લાગે છે. જે હસવાનો પ્રયત્ન કરે છે તેને પણ ઓક્વર્ડ લાગે છે અને જે સામે છેડે સ્માઈલ રિસિવ કરી રહ્યું છે તેને પણ વિચિત્ર લાગે છે. કારણ કે ચહેરાના સ્નાયુઓ હસવા ટેવાયેલા જ નથી. ઘરની અંદર મસ્તી મજાક ચાલુ હોય કે હસવાનું ચાલુ હોય એ અલગ પ્રકારનું હાસ્ય છે. પણ જ્યારે માણસ કોઈ બહારની વ્યક્તિને આદર સાથે એક ફોર્મલ સ્માઈલ આપે છે એ અલગ સ્માઈલ છે. આ રિસ્પેક્ટફૂલી અપાતું ફોર્મલ સ્માઈલ આપતા જાપાની લોકો ભૂલી ગયા છે અને તેના માટે કોચિંગ સેન્ટરો ખુલ્યા છે.
એવા રિપોર્ટ આવ્યા છે કે જે તે સંસ્થાઓ કે જે તે ઓફિસો તેના કર્મચારીઓને માસ્ક ઉતાર્યા પછી સ્માઇલીંગ કોચિંગના ક્લાસ ફ્રીમાં ઓફર કરી રહેલી. ગયા વર્ષની જ માસ્ક માટેના કાયદાઓ હળવા થઈ રહેલા. તો આવા ક્લાસિસ તો ગયા વર્ષથી જ ખુલી ગયા હતા. હવે જાપાની લોકોના વ્યવસાય અને ઉદ્યોગો ધમધમી રહ્યા છે. બિઝનેસ મિટિંગ ઓફલાઈન શરૂ થઈ ગઈ છે. પ્રોગ્રામ, ફંકશન, ઇવેન્ટ, કાર્યક્રમો બધું શરૂ થઈ જતાં જાપાની લોકો ઓનલાઇનમાંથી ઑફલાઈન તરફ વળી ગયા છે તો હવે એકબીજા સામે સરસ સ્માઈલ કરવું આવશ્યક બની ગયું છે. એમાં ઘણા જાપાનીઓને સરસ સ્માઈલ કરતા પ્રયત્ન કરવો પડે છે તો તે લોકોને ફરીથી હસતા કરવા સમાઈલીંગ સેશન શરૂ કરવામાં આવ્યા છે. આવા કોચિંગ સેન્ટરમાં સ્માઈલના પ્રકારો, સ્માઈલની અવધિ, કોની સામે કેટલી વખત અને કેવી સ્માઈલ કરવી તે બધું શીખવાડવામાં આવે છે અને તેની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવે છે.
સ્માઇલ એજ્યુકેશન કંપનીના કોચ છે જેનું નામ છે કેઇકો કવાનો. તેઓ કહે છે કે, “માસ્ક પહેરવાનું એટલું સામાન્ય બની
ગયું હતું કે લોકો પાસે સ્મિત કરવાની તકો જ આવતી ન હતી. આખો દિવસ માસ્ક પહેરી રાખવાના કારણે અને ક્યાંય સ્માઈલ ન કરવાના કારણે અહીંના લોકોમાં સ્માઈલ કરવા બાબતે હવે કોમ્પલેક્ષ પ્રવેશી ગયો છે. ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે હવે તે માસ્ક વિના ફરે છે અને સ્માઈલ કરશે તો સારા નહી લાગે. સૌથી પહેલા તો લોકોના મનમાંથી આ કોમ્પલેક્ષ કાઢવો રહ્યો.”
કેઈકો આગળ જણાવે છે કે – “ચહેરાના સ્નાયુને એકદમ રિલેક્સ રાખવા અને પછી તેને સ્માઈલ માટે સહજતાથી ખેંચવા એ આસાન કામ લાગે છે પણ એ આસાન કામ છે નહી. ચહેરાના સ્નાયુઓ સ્મિત કરે એની સાથે તેની જાતને પણ ખુશી મહેસૂસ થવી જોઈએ. એટલે શરીરના સ્નાયુઓ અને મનના આનંદને ફરીથી જોડવા માટે અમે અહી મહેનત કરી રહ્યા છીએ. જો જાપાની લોકો તેની પ્રથા મુજબ ફરીથી સ્માઈલ કરતા નહી થાય તો તેમને માનસિક રીતે અસર પડશે. તેમના મનની સ્થિરતા માટે પણ તેઓ પૂર્વવત સ્મિત વેરે તે જરૂરી છે.”
કેઈકો સ્ત્રી છે. તેણે ૪૦૦૦ લોકોને ફરીથી સ્માઈલ કરતા શીખવાડ્યું છે. સ્થાનિક સૂત્રો મુજબ તેણે ૭૦૦ લોકોને સર્ટિફાઇડ સ્માઈલ સ્પેશીયાલિસ્ટ બનવા માટે ટ્રેનિંગ આપી છે. આવા ક્લાસીસમાં પહેલા ફેશિયલ મસલની કસરત કરાવવામાં આવે છે. પછી મીરર એક્સરસાઈઝ કરાવવામાં આવે છે. પછી નેચરલ સ્માઈલ કરવાની પ્રેક્ટિસ પાડવામાં આવે છે. રોજના એકથી દોઢ કલાકના સેશન હોય છે – અઠવાડિયામાં ત્રણ કે પાંચ દિવસ આવા કોચિંગ સેન્ટરમાં જવું પડે છે. એક મહિનાની અંદર ધાર્યું પરિણામ આવી જાય છે.
એક ચૂમોતેર વર્ષના વૃદ્ધનું નામ છે ક્યોકો મિયામોતો. તેઓ કહે છે કે, “મને લાગે છે કે હવે લોકો સહેજ ડરી ગયા છે અને શરમ પણ અનુભવી રહ્યા છે. માસ્ક વિના તે કેવા લાગશે એને ખાસ તો તેમના મિત્રો માસ્ક વિના કેવા લાગે છે એ બધું બધાને વિચિત્ર લાગી રહ્યું છે. માટે આવા કોચિંગ સેન્ટર એમને સ્માઈલ કરવાનો કોન્ફીડન્સ પાછો મેળવવામાં મદદ કરી રહ્યા છે.”
એની વે, આ તો થઈ જાપાનની વાત. હવે વાત કરો મુંબઈની. મુંબઈના સ્પિરિટની; કે ફોર ધેટ મેટર ગુજરાતની પણ. મુંબઈ ઉપર આટલી આપત્તિઓ આવી, ગુજરાત ઘણી હોનારતોમાંથી પસાર થયું, પણ આપણા લોકો હસવાનું નથી ભૂલ્યા. કેટકેટલા પરિવારોએ પોતાના સ્વજનો ખોયા છે, પોતાની મરણમૂડી ખોઈ નાખી છે પણ સ્માઈલ કરવાનું અને બીજાની મદદ કરવાનું નથી ભૂલ્યા. આ જ છે, મુંબઈનો સ્પિરિટ, આ જ છે ગુજરાતીઓની તાકાત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -