(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મહીસાગર જિલ્લાના લુણાવાડા નજીક જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબકતા સાત લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે ૩૫થી વધારે લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે લુણાવાડાની હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દસથી વધુ લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.
આ ટેમ્પોમાં ૫૦ જેટલા જાનૈયાઓ લગ્ન પ્રસંગ માટે જઇ રહ્યા હતા. ત્યારે જ આ ખુશીનો માહોલમાં માતમ છવાઇ ગયો હતો.પોલીસે તમામ મૃતદેહોને પીએમ માટે હૉસ્પિટલ ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર મહીસાગરના લુણાવાડા પાસે જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ગઠાથી સાત તળાવ ગામે જઇ રહ્યો હતો. આ દરમિયાન ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા ટેમ્પો ખાઇમાં ખાબક્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં અરવિંદભાઇ નાનાભાઇ બારિયા (ઉ.વ.૪૫), વાઘાભાઇ મસુરભાઇ બારીયા (ઉ.વ.૭૦), રમણભાઇ સુખાભાઇ તરાલ ( ઉ.વ. ૫૦), જયંતિભાઇ મસુરભાઇ તરાલ (ઉ.વ.૪૫), નરેશભાઇ ભગાભાઇ તરાલ (ઉ.વ.૪૦), નાનાભાઇ જવરાભાઇ ચોકિયાત (ઉ.વ. ૭૦), જયંતિભાઇ ફુલાભાઇ માલિવાડ (ઉ.વ. ૫૦) સહિત સાત લોકોના મોત થયા હતા. જ્યારે ૩૫ જેટલા લોકો ઘાયલ થયા હતા.
જોકે, અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. જ્યારે ૧૦થી વધુ ઇજાગ્રસ્તોની હાલત નાજુક હોવાથી ગોધરા ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ઘાયલોને લુણાવાડાની હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઉપરાંત ૧૦૮ની ચાર ટીમો પણ ઘટના સ્થળ પર પહોંચી સારવાર શરૂ કરી હતી. જોકે, અચાનક બનેલી આ ઘટનામાં મોતને કારણે પરિવારમાં રોકકળ મચી ગઇ હતી.