બદલતી ઋતુ અને બેવડી ઋતુનો શિકાર આજે ગુજરાતના તમામ રહેવાસીઓ બની રહ્યા છે. રાજ્યમાં નાના-મોટા સૌ કોઈ એક યા બીજી બીમારીની ફરિયાદ કરી રહ્યા છે. સૌથી વધારે અસર બાળકોને થઈ રહી છે ત્યારે જામનગરની જીજી હોસ્પિટલ પણ બાળકોથી ઊભરાઈ રહી છે અને વધારાના ખાટલા મૂકવાની નોબત આવી છે. બાળકોના વાઈરસજન્ય રોગ જોવા મળી રહ્યા છે. આ રોગમાં ખાસ કરીને શ્ર્વાસની તકલીફ અને વાઈરલ ન્યૂમોનિયા થાય છે. આ સાથે હોસ્પિટલમાં ઓરીના દરદીઓ પણ આવી રહ્યા છે.
તબીબનું માનીએ તો જામનગરમાં આ પ્રમાણ પાછલાં ત્રણ વર્ષોની સરખામણીમાં 200 ટકાથી વધુ જોવા મળી રહ્યું છે. બાળદર્દીઓની સંખ્યામાં વધારો થતાં જીજી હોસ્પિટલમાં તાબડતોડ વધારાના બેડ અને સ્ટાફની વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. વાઈરસજન્ય રોગચાળાથી પોતાનાં બાળકોને દૂર રાખી શકાય તે માટે તબીબ દ્વારા વાલીઓને ખાસ કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.
હાલમાં હોસ્પિટલમાં બાળરોગના વોર્ડની બહાર પણ બાળદર્દીઓના વાલીઓની મોટા પ્રમાણમાં હાજરી જોવા મળી. વોર્ડની અંદર તપાસ કરવામાં આવી તો એક ખાટલા પર બબ્બે બાળદર્દીઓને સારવાર અપાતી હોવાનું જોવા મળ્યું.
જીજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં 140 બેડની કેપેસિટી છે. પરંતુ, હાલ વાઈરસજન્ય રોગનું પ્રમાણ વધતા બાળદર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જીજી હોસ્પિટલમાં હાલ 290 જેટલા બાળદર્દીઓની સારવાર ચાલી રહી છે. તબીબના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ઓરીની વેક્સિન આપવામાં આવે છે. તેમ છતાં હાલ 12 જેટલા ઓરીના દર્દીઓ સામે આવ્યા છે. આ પ્રકારના કેસ સામે ન આવે તે માટે માતાપિતાને જાગૃત રહી ઓરીની રસી અપાવવા અપીલ કરવામાં આવી હતી.
સામાન્ય રીતે વાઈરસજન્ય રોગ પહેલાંના સમયમાં ચાર-પાંચ દિવસમાં મટી જતા હતા. પરંતુ, કોરોના બાદ આ સમયમાં વધારો થયો છે જેના કારણે બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યાં છે, તેમ પણ તબીબોનું કહેવાનું છે. છેલ્લાં ત્રણ વર્ષની સરખામણીએ આ રોગના કેસમાં પ્રમાણમાં 200 ટકાનો વધારો જોવા મળ્યો છે. જામનગર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ગંભીર દર્દીઓને પણ જામનગરમાં સારવાર માટે ખસેડવામાં આવતા હોય છે. હાલ બાળદર્દીઓની સંખ્યામાં વધારો થતા હોસ્પિટલમાં ઓરી માટે એક આઈસોલેશન વોર્ડ અલગ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને મદદરૂપ થાય તે માટે સ્ટાફમાં વધારો કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
જીજી હોસ્પિટલમાં બાળવિભાગના તબીબે જણાવ્યું હતું કે, મિશ્ર ઋતુના કારણે બાળકોમાં વાઈરસજન્ય રોગનું જે પ્રમાણ વધ્યું છે. આ સમયે બાળકો આ રોગનો ભોગ ન બને તે માટે માતાપિતાએ થોડી કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે. બાળકો બીમાર હોય તો તેને શાળાએ ન મોકલવા, બાળકોને હાથ ધોયા બાદ જમવાનું રાખે તેનું ધ્યાન રાખવું, ઘરે બનાવેલો ગરમ ખોરાક જ બાળકોને આપવો અને 9 મહિનાથી 5 વર્ષ સુધીનાં બાળકોને જે રસી આપવામાં આવે છે તે બાકી હોય તો ડોક્ટરની સલાહ લીધા બાદ મુકાવી લેવી.