જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir)ફરીથી ટાર્ગેટ કિલિંગની(Target killing) ઘટના બની છે. શોપિયાં વિસ્તારમાં આતંકવાદીઓએ બે કાશ્મીરી પંડિત ભાઈઓને ગોળી મારી હતી, જેમાં એક ભાઈનું મોત નિપજ્યું છે અને બીજાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાશ્મીર પોલીસે આ ઘટના વિશે માહિતી આપી છે કે શોપિયાંમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક નાગરિકનું મોત થયું હતું, જ્યારે તેનો ભાઈ ઘાયલ થયો હતો.
શોપિયાંના ચોટીગામ ગામમાં આતંકીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. બે ભાઈઓ સુનિલ કુમાર અને પિન્ટુ કુમાર સફરજનના બગીચામાં હતા ત્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલા બાદ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
ટાર્ગેટ કિલિંગ અંગે જમ્મુ અને કાશ્મીરના IGPએ કહ્યું, “મહિલાઓ, બાળકો, નિઃશસ્ત્ર પોલીસકર્મીઓ અને બહારના મજૂરો સહિત નિર્દોષ નાગરિકોને નિશાન બનાવીને આતંકવાદીઓ ખીણમાં શાંતિ લાવવાના અમારા પ્રયાસોને રોકી નહિ શકે. કાશ્મીરના તમામ 3 વિસ્તારોમાં, ખાસ કરીને વિદેશી આતંકવાદીઓ વિરુદ્ધ અમારું ઓપરેશન ચાલુ રહેશે.’
નોંધનીય છે કે હાલમાં જ બડગામ જિલ્લાના વોટરહોલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગમાં સામેલ આતંકી લતીફ રાથેર માર્યો ગયો હતો. લતીફ રાથેરની હત્યા બાદ કાશ્મીરમાં નાગરિકો પર હુમલાની આ સતત બીજી ઘટના છે.
કાશ્મીરના ADGP વિજય કુમારે જણાવ્યું હતું કે લતીફ રાથેર ઘણા નિર્દોષ નાગરિકોની હત્યામાં સામેલ હતો. તે રાહુલ ભટ્ટ અને આમરીન ભટ્ટની હત્યામાં પણ સામેલ હતો. 24 કલાકમાં નાગરિકો પર આ બીજો આતંકવાદી હુમલો છે. ચાર દિવસ પહેલા બાંદીપોરામાં આતંકવાદીઓ દ્વારા એક મજૂરને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
કાશ્મીરમાં ગયા વર્ષના ઓક્ટોબર મહીનાથી સ્થળાંતર કામદારો અને કાશ્મીરી પંડિતોની ટાર્ગેટે કિલિંગની ઘટનાઓ બની છે. ગત ઓક્ટોબર મહિનામાં પાંચ દિવસમાં સાત નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં એક કાશ્મીરી પંડિત, એક શીખ અને બે સ્થળાંતરિત હિન્દુઓનો સમાવેશ થાય છે. મે મહિનામાં આતંકવાદીઓ બડગામમાં તહસીલદારની ઓફિસમાં ઘૂસી 36 વર્ષીય પંડિત રાહુલ ભટને ગોળી મારી હત્યા કરી હતી.
કાશ્મીરમાં પહેલાથી જ ટાર્ગેટ કિલિંગના કારણે તણાવ અને ભય માહોલ છે. કાશ્મીરી હિંદુઓએ સરકારને સુરક્ષા માટે અપીલ કરી છે. ભૂતકાળમાં, કાશ્મીરી હિંદુઓની ટાર્ગેટેડ હત્યાને લઈને ઘણી રાજનીતિ થઈ છે. ત્યારે મોટાભાગના પક્ષો હાલ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરતા જોવા મળી રહ્યા છે.

Google search engine