જમ્મુ-કાશ્મીર ફરી લોહીલુહાણ: પુલવામામાં આતંકવાદીઓએ સબ ઈન્સ્પેક્ટરની ઘરમાં ઘૂસીને હત્યા કરી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા હત્યાનો સિલસિલો ફરી શરુ થયો છે. આતંકીઓએ પુલવામામાં વધુ એક હત્યાને અંજામ આપ્યો છે. પુલવામામાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જવાનને ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આતંકીઓએ ઘરમાં ઘૂસીને સબ ઈન્સ્પેક્ટર ફારૂક અહેમદ મીરને નિશાન બનાવ્યા હતા.

મળતી માહિતી મુજબ મોડી રાત્રે આતંકીઓ દ્વરા સબ ઈન્સ્પેક્ટર ફારૂક અહેમદનું તેમના ઘરમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ નજીકના ખેતરમાં લઈ જઈને તેમણે ગોળી મારી દીધી હતી. બેથી ત્રણ આતંકવાદીઓએ આ હત્યાને અંજામ આપ્યો હતો. સબ ઇન્સ્પેક્ટર ફારૂક અહેમદ મીર IRPની 23મી બટાલિયનના હતા અને હાલમાં તેઓ ટીસીટી લેથીપોરામાં ફરજ પર હતા.

આ ઘટના પાછળ ક્યાં આતંકવાદી સંગઠનનો હાથ છે, તે હાલ જાણી શકાયું નથી. હત્યાની ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેનાથી ફરી એકવાર માહોલ ચિંતાજનક બન્યો છે. છેલ્લા બે મહિનામાં આતંકવાદીઓએ આ જ રીતે અનેક નાગરિકોની ગોળી મારીને હત્યા કરી હતી. જે બાદ સુરક્ષા દળોના પ્રયાસોને કારણે હત્યાનો સિલસિલો થોડા દિવસો માટે બંધ થયો હતો, પરંતુ હવે એક સબ ઈન્સ્પેક્ટરની હત્યા થતા પોલીસ અને સેના માટે ફરી પડકાર ઉભો થયો છે.

નોંધનીય છે સુરક્ષા દળોએ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ શરૂ કર્યું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં ઘણા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.