Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીર પ્રશાસને આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબંધ ધરાવતા સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરતા આતંકી બિટ્ટા કરાટેની પત્ની અને સૈયદ સલાહુદ્દીનના પુત્ર સહિત ચાર લોકોને આતંકીઓ સાથે સંબંધોના આરોપસર સરકારી નોકરીમાંથી કાઢી મુક્યા છે.
નોંધનીય છે JKLFના સંદિગ્ધ આતંકવાદી ફારૂક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે હાલમાં આતંકવાદને પોષવાના આરોપસર ન્યાયિક કસ્ટડીમાં છે. તેની પત્ની અસબાહ-ઉલ-અરજમંદ ખાન જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવામાં અધિકારી હતી અને ગ્રામીણ વિકાસ નિયામકમાં કાર્યરત હતી. આજે તેને નોકરીમાંથી હટાવવામાં આવી છે.
આ ઉપરાંત કાશ્મીર યુનિવર્સિટીમાં કામ કરતા વૈજ્ઞાનિક ડૉ. મુહિત અહેમદ ભટ અને વરિષ્ઠ સહાયક પ્રોફેસર માજિદ હુસૈન કાદરી અને ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના મેનેજર સૈયદ અબ્દુલ મુઇદની સેવાઓ પણ બંધારણની કલમ 311 હેઠળ સમાપ્ત કરવામાં આવી છે. સૈયદ અબ્દુલ મુઈદ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના નેતા સૈયદ સલાહુદ્દીનનો પુત્ર છે.
સત્તાવાર માહિતી અનુસાર તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બિટ્ટા કરાટેની પત્ની અસબાહ આતંકવાદી સંગઠનો અને ISI સાથે સંબંધો ધરાવતી કટ્ટર અલગાઉવાદી છે, તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. અસબાહ સૌપ્રથમ 2003માં શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં નોકરી મળી. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે 2003 થી 2007 વચ્ચે, તે મહિનાઓ સુધી સતત કામથી ગેરહાજર રહી હતી પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આખરે ઓગસ્ટ 2007માં તેને બરતરફ કરવામાં આવી હતી. જ્યારે તે કામ પર ગેરહાજર રહેતી હતી, ત્યારે તેણે જર્મની, યુકે, હેલસિંકી, શ્રીલંકા અને થાઈલેન્ડનો પ્રવાસ કર્યો હતો. તે મોટાભાગની ટ્રિપ્સ માટે અલગ-અલગ એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ લેતી હતી, પરંતુ નેપાળ અથવા બાંગ્લાદેશથી રોડ મારફતે ભારત પરત આવતી હતી.
ડૉ. મુહિત અહેમદે પથ્થરબાજો અને આતંકવાદીઓના કેટલાક પરિવારોને સરકારી ફંડનું વિતરણ કર્યું હતું. જાન્યુઆરી 2018માં જમ્મુ કાશ્મીરના પ્રશાસનના ડોઝિયર અનુસાર, મુહિતે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના પરિવારોને આર્થિક મદદ કરી હતી.

Google search engine