જેમ્સ વેબને જરીયે નાસા દશકાઓ સુધી ખગોળક્ષેત્રે નેતૃત્વ પૂરું પાડશે અને તેની સર્વોપરિતા સાબિત કરશે

ઉત્સવ

બ્રહ્માંડ દર્શન -ડો. જે. જે. રાવલ

જેમ્સ વેબ સ્પેશ ટૅલિસ્કોપનું નામાભિધાન નાસાના પ્રથમ એડ્મિનિસ્ટ્રેટર જેમ્સ વેબના નામ પરથી કરવામાં આવ્યું છે. નાસાએ આ રીતે નાસાના પ્રથમ એડ્મિનિસ્ટ્રેટરને સન્માન આપ્યું છે.
બ્રહ્માંડમાં મંદાકિનીઓ (galaxies) નાં ઝૂંડના ઝૂંડ છે. તે બધાં ભેગા મળી સુપર કલ્સ્ટર્સ બનાવે છે. આવા સુપર કલ્સ્ટર્સ બનાવે છે. દૂર દૂરના મંદાકિનીઓના કલ્સ્ટર્સમાંથી પ્રકાશ આવે ત્યારે તેને આપણી અને તેની વચ્ચે રહેલા ગેલેક્ષીના કલ્સ્ટર્સ નજીકથી પસાર થવું પડે છે. ત્યારે આ કલ્સ્ટર્સના ભયંકર ગુરુત્વાકર્ષણને લીધે તે વાંકો વળે છે અને તેથી આપણે તે દૂર દૂરના સુપર કલ્સ્ટર્સની એ ઇમેજ પ્રતિબિંબો જોઇ શકીએ છીએ. આ ક્રિયાને ખગોળવિજ્ઞાનીઓ ગ્રેવિટેશનલ લેન્સ ઇફેક્ટ કહે છે. એટલે કે ગ્રેવિટી બ્રહ્માંડમાં એક કાચના લેન્સ (દક્ કાચ, બહિર્ગોળકાચconvex Lens) તરીકે વર્તે છે. પાણી પણ કાચ જ છે જે કાચની જેમ પરાવર્તન વક્રીભવન મેઘધનુષ ઉત્પન્ન કરે છે. વાયુમંડળ પણ કાચ જ છે જે મીરાજ (મૃગજળ) ઉત્પન્ન કરે છે, પરાવર્તન, વક્રીભવન અને મેઘધનુષ ઉત્પન્ન કરે છે. તેમ ગ્રેવિટી પણ એક કાચ જ છે. આ બ્રહ્માંડ ખરેખર રહસ્યમય છે, માનીએ છીએ તેના કરતાં પણ વધારે ગૂંચવણ ભરેલું છે, તેમ છતાં જાણવું અને સમજવું સરળ છે, સરળ એટલું કે આપણને પણ નવાઇ લાગે. જેમ નરસિંહ મહેતા, મીરાબાઇ, તુકારામ, સુરદાસ વગેરેને કૃષ્ણભક્તિમાંથી કોઇ ચલિત કરી શકયું નથી. તેમ ખગોળ વિજ્ઞાનીઓને પણ બ્રહ્માંડની ભક્તિમાંથી ચલિત કરી શકતું નથી. માટે જ આપણે આજે જે બ્રહ્માંડને જાણીએ છીએ તેટલું જાણી શક્યા છીએ.
વિજ્ઞાનીઓ પ્રકાશના સિગ્નલની મદદથી, જે આપણા માટે સૌથી મહત્ત્વની માહિતી જાણવાનું અંતિમ સિગ્નલ છે, જાણે છે કે બ્રહ્માંડનો વ્યાસ (સાઇઝ) ૨૭.૨ અબજ પ્રકાશ વર્ષ છે અને તે ૧૩.૬ અબજ વર્ષ પહેલાં ઉત્પન્ન થયું છે તે તો દૃશ્યવિશ્ર્વ છે. એ દૃશ્યવિશ્ર્વની પેેલે પાર શું છે, તે કોઇને પણ કાંઇ ખબર નથી. બ્રહ્માંડ પોતે વિકસતું જાય છે અને તેનો નવો નવો ભાગ આપણને દૃશ્યમાન કરતું જાય છે. જો ગેલેક્ષીઓ લગભગ પ્રકાશની ગતિથી દૂર જતી જાય છે તો એક દિવસ એવો આવશે કે બધી જ ગેલેક્ષીઓ આપના દૃશ્યવિશ્ર્વને પાર કરી જશે અને આપણને માત્ર આપણી જ આકાશગંગા મંદાકિની (The Milkyway Galaxy)ને જ જોઇ શકીશું. આપણા માટે આટલું બ્રહ્માંડ ખાલીખમ થઇ જશે.
કેટલાક વિજ્ઞાનીઓ માને છે કે બીગ બેંગ પહેલાં પણ બ્રહ્માંડ હતું. બધા મીની બ્લેકહોલ્સ ભેગા મળી વિસ્ફોટ થયો અને આપણે વિસ્તરતા જતા બ્રહ્માંડને (Expanding Universe) જોઇ શકીએ છીએ. તો વળી કેટલાક વિજ્ઞાનીઓ માને છે કે બ્રહ્માંડમાં છે તેવું જ છે. તેનો જન્મ નથી અને મૃત્યુ પણ નથી, તેમ છતાં તેExpanding (વિસ્તરતુ જતું) તો છે જ, તો વળી કેટલાક વિજ્ઞાનીઓ કહે છે કે આપણા જેવા કેટલાય બ્રહ્માંડો હોવા જોઇએ. આમ વિજ્ઞાનના જ્ઞાનની પદે પણ મહાજ્ઞાન-પરમજ્ઞાન છે, જેનો તાગ નથી. જે નેતિ કહે છે. જે આપણા ઉપનિષદોમાં જે નેતિ નેતિ કહ્યું છે તેનો આપણને અર્થ સમજાવે છે. બ્રહ્માંડ આમ આપણને
કુદરતની-ઇશ્ર્વરની અગાધ અને અદ્ભુત માયાના દર્શન કરાવે છે, જેને જાણવાની આપણી શક્તિ અને સમજણની બહાર છે. આપણે માટે તે પામવું અશક્ય હોય તેમ લાગે છે. આપણા વેદ-ઉપનિષદો કાલિન મનિષીઓને આ વાતનો અહેસાસ થઇ ગયો હતો જેને શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં રજૂ કર્યો છે. જેમ્સ વેબ સ્પેસ ટૅલિસ્કોપ આપણને આ વાતની યાદ દેવરાવે છે અને ભવિષ્યમાં વધુ અને વધુ દેવરાવશે. તેમ છતાં ભારત હાલમાં પશ્ર્ચિમી દેશોની વાટે, તેની નકલ કરી ભટકી ગયું છે. આપણે પ્રાચીન જ્ઞાનના રસ્તે પાછું વળવું પડશે. વિજ્ઞાન ભારતના પ્રાચીન જ્ઞાનને સાબિત કરતું જાય છે. માટે વિજ્ઞાનને આગળ વધવા પ્રોત્સાહન આપવું જોઇએ.
જેમ્સ વેબ દૂરબીને જે દૂર દૂરના બ્રહ્માંડના છાયાચિત્રો મોકલ્યાં છે તે લગભગ બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યારના છે અને લગભગ બ્રહ્માંડની સીમા સ્થિત મંદાકિનીઓનાં ઝૂંડનાં છે. જેમ્સ વેબ દૂરબીન આપણા ઉપનિષેદીક વિજ્ઞાન નેતિ નેતિને સાબિત કરે છે અને કરશે. માટે ભારતીય સંસ્કૃતિ માટે જેમ્સ વેબની કામગીરી મહત્ત્વની છે. જેમ્સ વેબ જન્મ પામતી મંદાકિનીઓ, જન્મ પામતા તારાનો તલસ્પર્શી અભ્યાસ કરશે. તેમાં ઇન્ફ્રારેડ દૂરબીન છે જે વસ્તુમાંથી નીકળતી ગરમીનો અભ્યાસ કરે છે. બ્રહ્માંડમાં કોઇપણ વસ્તુ એવી નથી જે ગરમી છોડતી ન હોય. આપણી ફરતે પણ આપણા શરીરમાંથી નીકળતી ગરમીની ઓરા છે જે લોકો પાસે ઇન્ફ્રારેડ કૅમેરા છે, તેઓ આપણી ફરતેનો ગરમીનો ઓરા દર્શાવી શકે છે અને આપણને મૂર્ખ બનાવે છે. આપણે ઉનાળામાં ગરમીમાં હોઇએ તો આપણો આ ‘ઓરા’ મોટો હોય છે, ઠંડીમાં સંકોચાય છે કેમ કે શરીરમાંથી ગરમી ઓછી બહાર પડે છે. આ અભ્યાસને કિરોલોજી કહે છે, તે કાંઇ જ નથી પણ ઇન્ફ્રાટેડ કેેમેરા વડે લેવાતા છાયાચિત્રો છે.
હબલ સ્પેસ ટેલિસ્કોપનો વ્યાસ ૨.૪ મીટર છે, જયારે જેમ્સ વેબ સ્પેશ ટૅલિસ્કોપનો વ્યાસ ૬.૬ મીટર છે. જેમ્સ વેબ બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર્સ, વ્હાઇટ ડવૉર્ફ સ્ટાર્સ, કવેઝાર, બ્રહ્માંડની ઉત્પત્તિ, વિસ્તરતા વિશ્ર્વ, ડાર્ક એનર્જી, ડાર્ક મેટર, સૂર્યમાળાની બહારના ગ્રહો વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કરશે. જેમ્સ વેબ દાયકાઓ સુધી કાર્યરત રહેશે. જેમ્સ વેબ હાલ સુધીમાં બનેલાં બધાં જ દૂરબીનોમાં શિરમોર છે. આ દૂરબીન અંતરીક્ષમાં તરતું મૂકી નાસાએ ઇતિહાસ રચ્યો છે અને તેની ખગોળક્ષેત્રે નેતૃત્વ કરવાની ક્ષમતા અને અગ્રિમતા સાબિત કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.