Homeઆમચી મુંબઈજૈતાપુર પાવર પ્રોજેક્ટ ફરી કોંકણમાં?

જૈતાપુર પાવર પ્રોજેક્ટ ફરી કોંકણમાં?

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકના શિંદે અને ઉપમુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ્યમાં મોટું રોકાણ લાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે . વેદાંતા ફોકસકૉને પોતાનો દોઢેક લાખ કરોડનો પ્રોજેક્ટ અચાનક થી ગુજરાત ખસેડવાનો નિર્ણય લેતા સરકાર ભીંસમાં આવી છે અને વિરોધીઓનો સતત વિરોધ સહન કરી રહી છે. આ સાથે મહારાષ્ટ્રની જનતાના હાથમાંથી એક મોટું રોકાણ ગયું હોવાથી પણ તેઓ ચિંતિત છે. આના ઉકેલ તરીકે તેઓ કોંકણનો વિવાદાસપદ જૈતાપુર ન્યુક્લિયર પ્લાન્ટ પ્રોજેક્ટ ફરી શરૂ કરે તેવી સંભાવના છે. દિલ્હી ખાતે સ્પેસ એન્ડ ઓટોમિક એનર્જીના રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહ અને ફ્રાન્સના પ્રતિનિધિ મંડળ સાથે એક મુલાકાત થઈ હતી, જેમાં ન્યુક્લિયર એનર્જીને લગતા પ્રોજેક્ટને ગતિ આપવાની ચર્ચા થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે આ પ્રોજેક્ટ ને કોંકણના નાણારમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો પરંતુ તે સમયના સાથી પક્ષ શિવસેનાએ આનો સખત વિરોધ કર્યો હતો અને પર્યાવરણ વિરોધી હોવાથી કોંકણમાં આ પ્રોજેક્ટ ન લાવવામાં આવે તેવી માંગ કરી હતી. તે બાદ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારે સત્તામાં આવ્યાના તુરંત બાદ આ પ્રોજેક્ટ પર ચોકડી મૂકી દીધી હતી. એક વેબ પોર્ટલના અહેવાલ અનુસાર હવે ફરી ભાજપ અને શિંદે જૂથની સરકારે આ પ્રોજેક્ટને ગતિ આપવાનું વિચાર્યું છે. સૂત્રોનું માનીએ તો એકનાથ શિંદેએ વેદાંત પ્રોજેક્ટની બદલે મહારાષ્ટ્રને કોઈ મોટું રોકાણ આપવાની દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી અને તે જ સમયે જૈતાપુર પ્રોજેક્ટ ફરી શરૂ કરવાની શક્યતાઓ પર પણ વિમર્શ કર્યો હતો, જેથી મોટું રોકાણ મહારાષ્ટ્રમાં થાય અને રોજગારીની બહુ મોટી તક ઊભી થાય. જોકે, આ પ્રોજેક્ટ જ્યારે પણ મહારાષ્ટ્રમાં આવશે ત્યારે મોટો વિવાદ સર્જાશે તે નક્કી છે, પરંતુ હાલમાં મહારાષ્ટ્રને થયેલા નુકસાનનું વળતર શિંદે અને ફડણવીસ સરકાર જૈતાપુર ન્યુક્લિયર પ્લાન્ટ દ્વારા ચૂકવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

RELATED ARTICLES

Most Popular