રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મહિલાના ભત્રીજાએ જ તેની નિર્મમ હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર કેન્સર પીડિત 64 વર્ષની મહિલા સરોજ શર્મા ગુમ હોવાની ફરિયાદ પર પોલીસે કરેલી તપાસ દરમિયાન આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. મામૂલી વિવાદને કારણે ભત્રીજાએ મહિલાના માથે હથોડો મારીને હત્યા કરી હતી અને તેના મૃતદેહને માર્બલ કટરના 10 ટુકડા કરીને દિલ્હી રોડ પર આવેલા જંગલમાં ફેંકી આવ્યો હતો.
પોલીસે આ અંગે જણાવ્યું હતું કે 11 ડિસેમ્બરના દિવસે વિદ્યાધર પોલીસ સ્ટેશનમાં અનુજ શર્માએ તેના ફઈ મંદિરેથી પાછા ન આવ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તપાસ માટે પોલીસ મહિલાના ઘરે પહોંચી ત્યારે પોલીસને શંકા થઈ હતી અને તપાસ દરમિયાન જાણ થઈ હતી કે ફરિયાદ નોંધાવનારો અનુજ પોતે 13 ડિસેમ્બરના હરિદ્વાર અને દિલ્હી ગયો હતો. પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરીને ધરપકડ કરી હતી અને પુછપરછ દરમિયાન દરમિયાન તેણે ગુનો કબૂલ કર્યો હતો. 11 ડિસેમ્બરના રોજ અનુજના ઘરના બધા સભ્યો કામથી બહાર ગયા હતાં. અનુજ બીટેક ભણેલો છે અને તે ભજન કિર્તનનું કામ કરતો હતો. તેની કેન્સર પીડિત ફઈ સરોજ શર્માની સેવા પણ કરતો હતો. તેણે પોતાની ફઈ પાસેથી દિલ્હી જવાની પરવાનગી માગી તો તેમણે ઈનકાર કર્યો હતો અને આવેશમાં આવીને અનુજે લોખંડના હથોડો તેના માથા પર મારીને હત્યા કરી હતી. તેણે પોલીસથી બચવા માટે સીકર રોડ દુકાનથી માર્બલ કટર ખરીદ્યું અને તેના વડે મૃતદેહના ટુકડા કરીને બાલ્ટી અને સૂટકેસમાં ભરીને જંગલમાં ફેંકી આવ્યો હતો. પોલીસને 10 ટુકડામાંથી આઠ ટુકડા મળ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બાળપણથી જ સરોજ શર્મા અનુજને ટોક ટોક કરતી હતી. જેનાથી નારાજ થઈને તેણે પોતાની ફઈની હત્યા કરી હતી.