જૈન સાધુની હિમાલય યાત્રા- આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
જો કે બધા જ ભક્તોના મંદિર નથી બનતા એમાંય હનુમાનજીએ તો હદ કરી નાખી. કદાચ કોઈ ગામ બાકી નહીં હોય. તેમ હિંદુ સંસ્કૃતિમાં ભરતની પણ ભક્તિ કાંઈ જેવી તેવી કહી શકાય નહીં. એમનું મંદિર બીજે ક્યાંય જોવા મળ્યું નહીં પણ અહીં ઘણા મંદિર છે. એમાંનું એક, અમે ઉતર્યા છીએ તે. મંદિરમાં મુખ્ય સ્થાને ભરત ઊભા છે. બાજુમાં વિષ્ણુ, લક્ષ્મણ આદિ. અરે ઋષિકેશમાં અમે રામના સૌથી નાનાભાઈ શત્રુઘ્નનું મંદિર પણ જોયું. આશ્ર્ચર્ય થયું પણ મંદિર છે.
આખો દિવસ ખૂબ આનંદમાં ગયો. સાંજે વિહાર આગળ ચાલ્યો, ૬ કિ.મી. ઉપર ચડાણ જ હતું. અમે એક મહાદેવ મંદિરમાં રોકાયા છીએ. આજુબાજુ ખેતરો છે. ખેતરોની પેલી બાજુ થોડાક છૂટાછવાયા ઘરો છે. ચારે બાજુ મોટી શિખરો પર ચીડના ઊંચા ઊંચા વૃક્ષો સુંદર દેખાય છે. રોડથી એક ઊંચી જગ્યા પર એકલું મંદિર છે. રાત્રિ વિશ્રામ અમે અહીં કર્યો. ભરત મંદિરની પાછળ જ રૂદ્રાક્ષનાં બે વૃક્ષો હતા, પણ હજુ ફળ લાગેલા નહીં. આજુબાજુ કેટલીક હિમાલયની વનસ્પતિઓનો પરિચય ચૌહાણભાઈએ કરાવ્યો, એમાં એક વિંચ્છુઘાસ. આ વનસ્પતિ એક વાર શરીરને અડી જાય તો બરાબર ૨૪ કલાક સુધી એ કામ કરે. આજે સવારે ૯ વાગે ઘાસના સ્પર્શ કરો તો કાલે સવારે ૯ વાગ્યા સુધી વિચ્છુંના દંશ જેવી વેદના થાય. કલ્પ તો કૂદી કૂદીને કહે હું આ લઈ લઈશ મારા મિત્રને હેરાન કરીશ. આનંદમંગલવિજયજી કહે કે ‘કલ્પ! સાવધાન બીજાને હેરાન કરવા જતા પહેલા તારે જ હેરાન થવું પડે. આ હાથથી જ લઈશને આ ને? એવી ભૂલ કરવી નહીં. વળી એક લીંબડા જેવા વૃક્ષને અમે જંગલી લીમડો કહીને ઓળખ્યો. ગમે તેવો ‘ઘા’ લાગ્યો હોય તેના પાન વાટીને લગાવીએ તરત રૂઝ આવી જાય. ઋષિકેશથી લગભગ ૫૬ કિ.મી. ચાલ્યા છીએ. ઠંડી છે પણ સહન થાય તેવી સાંજે અમારી પાછળ જ બે યાત્રિક બાવાઓ પણ શિવમંદિરમાં આવ્યા. તેઓ બહાર પતરાના છાપરાની નીચે જ રાતવાસો રહ્યા. એમને સૂચના આપી, અંદર આવવા માટે પણ એ બાબતમાં એમનો અસ્વરસ લાગ્યો.’
ચારધામની ચાલીને યાત્રા કરનારા આવા સંન્યાસીઓ માટે ભોજનની વ્યવસ્થા જુદી રીતે કરવામાં આવી છે. એ જાણવા મળ્યું હરિદ્વાર કે ઋષિકેશથી કોઈક એક ચોક્કસ અથવા મઠમાં તેમનું નામ નોંધાવવાનું ત્યાંથી એક નાનકડી પાસબુક મળે તેમાં યાત્રામાં આવતા ગામોમાં સ્થાનિક નિશ્ર્ચિત દુકાનમાંથી ભોજન માટે સીધુ સામાન પ્રાપ્ત કરવા સંબંધી લખાણ હોય. એ પાસમાં સાધુનું નામ, ગામનું નામ, દુકાનનું નામ, અડધો કિલો ઘઉંનો લોટ, અડધો કિલો બટાકા અને ૧૦-૧૦ ગ્રામ હળદર, મરચું, તેલ આદિ મસાલો મળે. એક પાસ આપો તો એક યાત્રિક સંન્યાસીને કાચો માલ પ્રાપ્ત થાય. આ આખું આયોજન કેટલાક હિન્દુ પરિવાર તરફથી ચાલે છે. દુકાનદાર બધા પાસ ભેગા કરીને હરિદ્વારમાં જે તે આશ્રમ અથવા મઠમાં આપે જે બિલ થાય તે લાભાર્થી પરિવાર ચૂકવી દે. આથી એક ફાયદો ખરો કે સંન્યાસીને ભોજનની ચિંતા કરવી ન પડે.આવનારા બંને સંન્યાસી પાસે આવી એક એક બુક હતી. પણ આ રૂટમાં એવી એક પણ દુકાન ન હતી કે જે તેમણે સીધુ સામાન આપે. કારણ કે યમનોત્રી જવા માટે દહેરાદૂન થઈને રસ્તો છે, ત્યાંની આ પાસબુક છે. છતાં આ બન્ને સાધુ પૈસા ખરચીને ભોજન કરતા ગમે તેમ ઉત્તરકાશી સુધી પહોંચશે. પછી પાસબુક કામ લાગશે એવું લાગે છે. જો કે જૈન સાધુની આહારની વ્યવસ્થા પ્રભુએ કેટલી સરસ કરી છે. આખી જિંદગી નીકળી જાય પાસબુક રાખ્યા વિના. બધાને દીક્ષાના દિવસે જ પાસ કરી દેવામાં આવે. આખી જિંદગી સુધી ગોચરીની કોઈ ચિંતા નહીં. ૪૨ દોષ રહિત નિર્દોષ આહાર ગ્રહણ કરતા સંયમીઓ આનંદની કેવી અનુભૂતિ કરતા હશે એની કલ્પના પણ સંસારી જીવોને શું આવે?
જે રીતે ભમરો એક એક ફૂલમાંથી થોડો થોડો રસ ચૂસે તેથી ફૂલને પીડા ન થાય અને ભમરાનું પણ પેટ ભરાય, બસ એવી રીતે જૈન સાધુ પણ ઘર ઘરથી થોડી થોડી ગોચરી (ભિક્ષા) લઈને કોઈને દુ:ખ પહોંચાડયા વિના પોતાની સંયમયાત્રાનું વહન કરતા હોય છે.
આ તો હિમાલય છે. અહીં ગોચરી કોણ વહોરાવે? જૈન સાધુ આ હિમાલયની ધરતી પર આ રસ્તે પહેલી વાર આવ્યા છે. કોઈ ને કંઈ ખબર જ નથી. જૈન સાધુને પણ પહેલીવાર જોઈ રહ્યા છે. ગઢવાલી પ્રજા ખૂબ સમજદાર – ભાવિક અને અતિથિ સત્કારનું સન્માન કરે છે. પણ કેવી રીતે જૈન સાધુને ભોજન વહોરાવવું (આપવું) જૈન સાધુને ભોજનમાં શું લેવાય શું ન લેવાય એ ખબર નથી. અમે કેટલાંક માણસોને જૈન સાધુના આચારનો પરિચય કરાવીએ.
હિમાલયમાં ૩-૪ દિવસ થયા છે. ભોજનમાં દૂધ-પૌઆ-કેળા જેવી વસ્તુથી જ એકાસણા થાય છે. એકાસણું એટલે ૨૪ કલાકમાં માત્ર એકવાર જમવાનું. તે પણ એક સ્થાને બેઠા બેઠા જ જમવાનું વ્રત હોય. ભોજન કરીને ઊભા થઈ ગયા પછી સૂર્યાસ્ત સુધી પાણી સિવાય કંઈ પણ ખવાય નહીં. બીડી-તમાકુ-ગુટકા જેવા વ્યસનોનો તો જૈન સાધુ જીવનભર ત્યાગ હોય, પણ દૂધ-ચાય-ફળ-ફ્રૂટ જ્યુસ-ફરાળ-સોપારી આદિ વસ્તુઓ પણ ભોજનમાં ન લે. માત્ર ગરમ કરીને ઠંડું કરેલું પાણી સૂર્યાસ્ત સુધી ચાલે. સૂર્યાસ્ત થયા પછી આખી રાત પાણીનો પણ ત્યાગ હોય. આવી ઘોર સાધના સાથે ખુલ્લા પગે ચાલીને હિમાલયની યાત્રા કરવા જૈન સાધુ આગળ વધે તે આ એકવીસમી સદીનું સૌથી મોટું આશ્ર્ચર્ય છે. ધન્ય હો જૈન સાધુને, ધન્ય જૈન ધર્મને. વર્તમાન સમયમાં લગભગ ૧૬૦૦૦ સાધુ-સાધ્વીઓ સમગ્ર ભારતવર્ષમાં ખુલ્લા પગે ચાલીને લોક ઉપકાર કરી રહ્યા છે.
ધારકોટ
વૈ. વૈદ ૪, શુક્રવાર તા. ૪.૦૫.૨૦૧૮
રૂમમાં બેઠા બેઠા જ શિવાલિક પર્વત શ્રેણી એક સાથે જ દેખાય છે. એક સારા ચિત્રકારે અપાર સૃષ્ટિનું ચિત્ર બનાવી લટકાવ્યું ન હોય? તેવો ભાસ થાય. સવારે વિહારમાં હતા ત્યારે ચાલતા ડાબી બાજુ તો પહાડનો ભાગ હતો અને જમણી બાજુ ઊંડી ખીણ નીચે પહાડી નદીના ધસમસતા પાણી ઉપરથી પત્થર પડે નહીં એનું ધ્યાન રાખવું અને બીજી ઊંડી ખીણમાં ચાલ્યા ન જઈએ તેની સાવધાની રાખવી. એ તો સારું છે રોડના કિનારે ડિવાઈડર કરેલા છે. વધારે ઉતાવળથી અથવા અસાવધાનીથી ચાલતા ઊંડી ખીણમાં ઊતરી જવાની શક્યતા ઓછી છે. ઝરણાં પર બનેલા પુલ નીચેથી ઝરણાનું પાણી વહી જાય છે. પુલ પર બેસીને ખૂબ નીચે પડતા પાણી સુંદર દૃશ્ય ઊભું કરે છે. સૂરજની ગરમી લાગતી નથી. સૂરજ દાદા શું કરી શકે હિમાલયમાં આવીને. તો સાવ ઠરીને ઠીકરા જેવા થઈ ગયા છે. ભલેને વૈશાખ માસનો કૃષ્ણપક્ષ ચાલુ હોય, વાતાવરણ તો ખુશનુમા છે. ચાલતા ચાલતા છેક નીચે ખીણના તળથી ઊંચા પહાડની હારમાળાઓને ઓળંગતી દૃષ્ટિ આભે જઈ અટકે છે.
૬ કિ.મી. ઉપર ચઢ્યા ત્યાં ચમ્બા આવ્યું. ગિરિનગર ઘણું મોટું છે. અહીં બજાર છે. આવતા જતા મુસાફરો ચમ્બાની મુલાકાત ખાસ લે છે. હિમાલયની યાદગીરીરૂપ કઈક ખરીદી કરે છે. આસપાસના પર્વત શિખરોમાં સૌથી ઊંચુ શિખર ચમ્બાનું છે. ગામમાંથી જ બહાર નિકળતા એક રસ્તો ઉત્તર કાશી થઈ ગંગોત્રી તરફ જાય છે. જમણી બાજુ તરફ રોડ ટીહરી થઈ કેદારનાથ – બદ્રીક્ષેત્ર તરફ આગળ વધે છે. ગામ પૂરું થાય ત્યાં ખૂબ દૂર નીચે ટીહરી બાંધ દેખાય છે. ચમ્બા દાર્જિલિંગ, દેવપ્રયાગ, ટિહરી આદિ જવા માટે રસ્તાઓ નીકળે છે. જો કે અમારે તો ગંગોત્રી તરફ આગળ વધવાનું હતું. લગભગ ૮ કિ.મી. આગળ ચાલ્યા. ૬ કિ.મી. નીચે ઉતર્યા અને ૨ કિ.મી. ઉપર ચઢાણ કર્યું. રૂમમાં આજે ઉતર્યા છીએ.આજનો ઉતારો એવી સરસ જગ્યા પર છે કે દૂર કેટલાય કિ.મી. સુધી ચારે બાજુ પહાડ અને નીચે મેદાનમાં હજારો નાના ખેતરો દેખાય છે. સમુદ્ર સપાટીથી અમે લગભગ ૧૪૦૦ મીટર ઉપર છીએ.પહાડોની વચ્ચે રોડ ઘણો ફરી ફરીને જાય. એક ડુંગરથી સામેના બીજા ડુંગર પર પહોંચવા માટે રોડ કિનારે કિનારે ચાલતો ૮-૧૦ કિ.મી. ચાલી નાખે… જો કે સામેનો ડુંગર ૧ કિ.મી.થી વધુ દૂર ન હોય. અહીં ચાલતા ચાલતા થાક લાગે નહીં મજા આવે. એક તરફ ચીડનાં ઊંચા ઊંચા ઝાડ જાણે દૂર મોરલા કળા કરીને ઊભા હોય તેવા લાગે. આજે કલ્પ બેંગલોર જવા માટે નિકળ્યો તેની સાથે હતી હિમાલયની મીઠી યાદ. (ક્રમશ:) ઉ